'મહિલાને નામ અને ફોન નંબર પૂછવો જાતીય સતામણી નથી', FIR નોંધનારી પોલીસને ગુજરાત હાઈકોર્ટનો ઠપકો
Gujarat High Court: ગુજરાત હાઈકોર્ટે મંગળવારે એક કેસની સુનાવણી કરતી વખતે ટિપ્પણી કરી હતી કે કોઈ અજાણી મહિલાને તેનું નામ અને મોબાઈલ નંબર વિશે પૂછવું એ જાતીય સતામણી ન કહી શકાય. પોલીસે ગાંધીનગરની સમીર રોય નામની વ્યક્તિ સામે એક મહિલાનું નામ, નંબર અને સરનામું પૂછવા બદલ જાતીય સતામણીનો કેસ નોંધ્યો હતો. આ કેસની સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટે આ ટિપ્પણી કરી હતી.
શું હતો મામલો?
અહેવાલો મુજબ 26 એપ્રિલે એક મહિલાએ પોલીસ સ્ટેશનમાં સમીર રોય નામની વ્યક્તિ વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. આ મહિલાએ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે સમીરે તેનું નામ, સરનામું અને મોબાઈલ નંબર માંગ્યો હતો. આ ફરિયાદ બાદ યુવક પર IPCની કલમ 354A હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો, જેની સુનાવણી 16મી જુલાઈએ થઈ હતી.
પોલીસ સામે આરોપીની હાઈકોર્ટમાં અરજી
આ ફરિયાદ પછી સમીર રોયે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. તેનું કહેવું કે 'મારી સામે નોંધાયેલી એફઆઈઆર પોલીસ અત્યાચારનો બદલો લેવાનું કાવતરું છે. 25મી એપ્રિલે પોલીસે મને ટોર્ચર કર્યો હતો. આ અંગે ફરિયાદ કરતા પોલીસે મારો ફોન છીનવી લીધો હતો અને તેમાંથી અમુક ડેટા પણ ડિલીટ કરી દીધો હતો. મારી વિરુદ્ધ નોંધાયેલો કેસ જાતીય સતામણીનો છે, તે વાત તો મને નવમી મેના રોજ ખબર પડી હતી.'
હાઇકોર્ટે પોલીસને ઠપકો આપ્યો
ગુજરાત હાઈકોર્ટે પોલીસની આ કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા છે. જસ્ટિસ નિર્જર દેસાઈએ કહ્યું, 'જો કોઈ અજાણી મહિલાનો નંબર માંગે, તો તે ખોટું છે, પરંતુ આ કારણસર FIR નોંધવી યોગ્ય નથી . હા, નંબર માંગવો એ અયોગ્ય હોઈ શકે છે, પરંતુ કોર્ટનું માનવું છે કે જો આપણે આઈપીસીની કલમ 354 જાતીય સતામણી અને તેની સજા અંગેની છે.'
નોંધનીય છે કે, આ મહિલાએ આઈપીસીની કલમ 354A હેઠળ સમીર રોય વિરુદ્ધ જાતીય સતામણીની ફરિયાદ નોંધાવી હતી. આ અંગે કોર્ટે કહ્યું કે, 'જો FIRમાં લખેલી બાબતો સાચી હોય તો પણ યુવક દ્વારા મહિલાનો નંબર માંગવો એ જાતીય સતામણી ન કહી શકાય. આ બાબત ખોટી છે પણ જાતીય સતામણી નથી.'
આ પણ વાંચો: ભગવાન વિઠ્ઠલનાથજી પણ ટ્રાફીકમાં અટવાયા : વરઘોડામાં ટ્રાફિક પોલીસની ગેરહાજરી