ગુજરાત હાઇકોર્ટે પોલીસની ભૂમિકા મુદ્દે ઉધડો લીધો, કહ્યું- 'શું પોલીસ કોઈ રિકવરી એજન્ટ છે?'
Gujarat High Court: કોમર્શિયલ તકરારમાં પૈસાની ઉઘરાણીને લઈને એક વેપારી પર જુદા જુદા પોલીસ મથકમાંથી ફોન કરી ધમકીઓ અપાતાં ગુજરાત હાઇકોર્ટે પોલીસની ભૂમિકાને લઈ સવાલો ઉઠાવ્યા હતા. જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે વેપારી તરફથી હાઇકોર્ટમાં કરાયેલી રિટ અરજીની સુનાવણીમાં પોલીસનો ઉધડો લેતાં જણાવ્યું હતું કે, 'શું પોલીસ રિકવરી એજન્ટ છે? પોલીસને જે કામ કરવાનું છે એ કામ કરે ને. પોલીસનું કામ શું બેઠા બેઠા રિકવરી કરવાનું છે?
જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે જણાવ્યું હતું કે, 'તલવાર લઈને ખુલ્લેઆમ ફરતાં અને ફાયરિંગ કરતાં લોકોને તો પોલીસ રોકી શકતી નથી ? જે કામ ખરેખર પોલીસે કરવાનું છે તે તો પોલીસ કરી શકતી નથી.' હાઇકોર્ટે આજે (15મી ઓક્ટોબર) અમદાવાદ જિલ્લાના ડીએસપીને હાઇકોર્ટમાં હાજર રહેવા ફરમાન કર્યું છે.
જાણો શું છે સમગ્ર મામલો
જેતપુરમાં ભાગીદારીમાં એગ્રી બિઝનેસ કરતાં એક વેપારીને છેલ્લા કેટલાક સમયથી જુદા જુદા પોલીસમથકમાંથી ફોન આવતા હતા. પીઆઇથી લઈને ડીવાયએસપી સુધીના ઉચ્ચ અધિકારીઓ દ્વારા 21 લાખ રૂપિયાની ઉઘરાણી કરી ફરિયાદીને પૈસા આપી દેવા ધમકી અપાતી હતી. પોલીસના ત્રાસ અને હેરાનગતિથી કંટાળી અરજદાર વેપારીએ હાઇકોર્ટમાં રિટ કરી હતી.
આ પણ વાંચો: હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં પડશે ભારેથી અતિભારે વરસાદ
રિટની અરજીમાં જણાવ્યું હતું કે, 'અરજદારે કૃષિલક્ષી પ્રોડક્ટ નિકાસના આશયથી ફરિયાદી પાસેથી મંગાવી હતી. જો કે, આ પ્રોડક્ટ હલકી ગુણવત્તાની નીકળતાં તેની નિકાસ ના થઈ શકી અને ઉલટાનો માલ ગોડાઉનમાં પડી રહ્યો હતો. ખુદ અરજદાર ફરિયાદી દ્વારા છેતરપીંડીનો ભોગ બન્યા છતાં ફરિયાદીએ કોમર્શિયલ ડિસ્પ્યુટમાં જુદા જુદા પોલીસમથકમાં ખોટી અરજીઓ કરી અરજદારને હેરાન કરવામાં આવે છે. અરજદાર તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું કે, આ કોમર્શિયલ તકરારના મામલામાં પોલીસને કોઈ સત્તા નહીં હોવા છતાં અરજદાર પર બાવળા, ચાંગોદર અને જેતપુર પોલીસમથકેથી પીઆઇથી માંડી ડીવાયએસપી કક્ષના અધિકારીઓ તરફથી વારંવાર ફોન કરી ફરિયાદીને 21 લાખ રૂપિયા ચૂકવી આપવા દબાણ કરાય છે.'
હાઇકોર્ટે પોલીસ કામગીરીની ટીકા કરી
આ મામલે જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે પોલીસને ઉધડો લઈ નાખ્યો હતો અને જણાવ્યું હતું કે, 'પોલીસ શેના માટે અરજદારને નોટિસ કાઢે છે અને પોલીસ માટે શું આવું કરવું જરુરી છે? શું પોલીસની કામગીરી રિકવરી એજન્ટની છે અને તેણે લોકોના પૈસા રિકવરી કરી આપવાનું કામ કરવાનું છે? ખરેખર પોલીસે જે કામ કરવાનું છે એ કામ કેમ કરતી નથી?'
પોલીસની રિકવરી એજન્ટની ભૂમિકાને લઈ હવે ગંભીર સવાલો
અગાઉ પણ ન્યૂ કલોથ માર્કેટના વેપારીઓને માર મારવાના કિસ્સા સહિતના કેસોમાં હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં પોલીસના ત્રાસ અને રિકવરી એજન્ટ તરીકેની ભૂમિકાને લઈ ગુજરાત હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું. જેમાં પણ હાઇકોર્ટે પોલીસની રિકવરી એજન્ટની ભૂમિકાને લઈ ઉધડો લીધો હતો.