'તમે બધા કંઈ કરતા જ નથી..' સાબરમતી PILમાં હાઇકાર્ટે AMC-GPCBનો ઉધડો લીધો

Updated: Jul 30th, 2024


Google NewsGoogle News
sabarmati


Pollution Control: સાબરમતી નદીમાં પ્રદૂષણ મામલે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી જાહેર હિતની રિટ અરજીની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ વૈભવી ડી.નાણાવટીની ખંડપીઠે બે દિવસ પહેલાં જ વિશાલા પાસે ફીણવાળુ પ્રદૂષિત એફલુઅન્ટ જાહેરમાં છોડી ત્યાંથી સાબરમતી નદીમાં ઠાલવવાના કૃત્યને બહુ ગંભીરતાથી લઇ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને જોઇન્ટ ટાસ્ક ફોર્સનો રીતસરનો ઉધડો લઈ નાંખ્યો હતો.

હાઇકોર્ટે ગંભીર માર્મિક ટકોર કરી 

હાઇકોર્ટે બહુ ગંભીર માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, આ પીઆઈએલ સાબરમતી નદીને બચાવવાની છે અને તમે બધા સત્તાવાળાઓ સંતાકૂકડીની રમત રમી રહ્યા છો. અમ્યુકો, જીપીસીબી, જોઈન્ટ ટાસ્ક ફોર્સ બધા અદાલતની આંખમાં ધૂળ નાંખવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાસ્તવમાં તમે બધા કંઈ કરતા જ નથી.

તમામ ઔદ્યોગિક એકમો કાયદાકીય નોર્મ્સનું પાલન કરવા બંધાયેલા

હાઇકોર્ટે તમામ ઔદ્યોગિક એકમોને લઈને પણ બહુ સાફ શબ્દોમાં ટકોર કરી હતી કે, તમામ ઔદ્યોગિક એકમો કાયદાકીય નોર્મ્સ અને નિયમોનું પાલન કરવા બંધાયેલા છે. જે મુજબ, તમે એકમોએ તેમના ઉદ્યોગોનું એફ્લુઅન્ટ કે તમામ પ્રદૂષિત પાણી ટ્રીટ કરીને જ છોડવાનું રહે છે. હાઇકોર્ટે આ મુદ્દે જીપીસીબી અને અમ્યુકો સત્તાધીશોને ખાસ પાલન કરાવવા તાકીદ કરી હતી.

આ પણ વાંચો: AMC ફાયર વિભાગના 9 ઓફિસરને ફાઈનલ ટર્મિનેશન નોટિસ અપાશે, જાણો શું છે વિવાદ

હાઈકોર્ટે જુદા જુદા મુદ્દાઓ પર વિગતવાર સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો

હાઇકોર્ટે આ સત્તાધીશોને એવી પણ ટકોર કરી હતી કે, તમારા બધાનું કામ પકડો તો જાને.. જેવું છે. હાઈકોર્ટે મેગા પાઈપલાઈન પ્રોજેકટ સહિતના મુદ્દે અમ્યુકોના મ્યુનિસિપલ કમિશનરને સોગંદનામું રજૂ કરવા ફરમાન કર્યું હતું. તો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને તમામ સાત સીઇટીપી (કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ની કાર્યક્ષમતા, તેની સ્થિતિ, છેલ્લા છ મહિનામાં તમામ સીઈટીપીના કરાયેલા નિરીક્ષણ તેનો રિપોર્ટ અને અત્યારનું છેલ્લું ઈન્સ્પેકશન અને તેનો રિપોર્ટ સહિતના જુદા જુદા મુદ્દાઓ પર વિગતવાર સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. 

આ સિવાય હાઈકોર્ટે અમદાવાદ મેગા કલીન એસોસીએશન અને જોઇન્ટ ટાસ્ક ફોર્સને પણ ખુલાસા સાથેનું સોગંદનામું રજૂ કરવા હુકમ કર્યો હતો. કોર્ટ સહાયક હેમાંગ શાહને પણ આ મામલે જવાબ રજૂ કરવાનો હુકમ કર્યો હતો અને કેસની વધુ સુનાવણી શુક્રવારે રાખી હતી.

સાબરમતી નદીમાં પ્રદુષિત એફલુઅન્ટ છોડવાથી હાઈકોર્ટ નારાજ

વિશાલા પાસે નારોલ સીઇટીપીમાંથી ફીણવાળું પ્રદુષિત એફલુઅન્ટ જાહેરમાં ખુલ્લામાં છોડી ત્યાંથી સીધું સાબરમતી નદીમાં છોડવાના વાયરલ વીડિયોને લઈને ચીફ જસ્ટિસે આજે સાબરમતી નદીના પ્રદુષણ અંગેની પીઆઈએલની અરજન્ટ સુનાવણી હાથ ધરી હતી અને આ મુદ્દે જીપીસીબી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો જોરદાર રીતે ઉધડો લઇ નાખ્યો હતો. આ રીતે હજુ પણ સાબરમતી નદીમાં પ્રદુષિત અને ઉદ્યોગોનું જોખમી એફલુઅન્ટ છોડાઈ રહ્યું હોવાને લઈને હાઈકોર્ટ સખત નારાજગી વ્યક્ત કરી હતી. 

આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં પણ જામી મેઘસવારી, પ્રાંતિજ અને વિસનગરને ધમરોળ્યું, આજે આ જિલ્લામાં એલર્ટ

તમે આખા શહેરના કસ્ટોડિયન છો, હાથ ખંખેરી શકો નહીં

ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ વૈભવી ડી. નાણાવટીની ખંડપીઠે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ આડા હાથે લીધુ હતુ અને જણાવ્યું હતું કે, તમારી જવાબદારીમાંથી છટકી શકો નહીં કે, તમારી જવાબદારી જીપીસીબી પર ઢોળી શકો નહી. તમે આખા શહેરના કસ્ટાડિયન છો.. તમારી જવાબદારી બને છે બધુ ધ્યાન રાખવાની.

હાઈકોર્ટે ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, સીઈટીપી અને મેગામાં બિન્દાસ રીતે એફલુઅન્ટ પ્રદુષિત પાણી છોડાઈ રહ્યું છે અને સરેઆમ નોર્મ્સ અને નિયમોનો ભંગ થઇ રહ્યો છે તો જીપીસીબી કરે છે શું? કેવી રીતે આ પ્રદૂષિત એફ્લુઅન્ટ ડાયરેક્ટ આઉટફોલ ખુલ્લામાં અને ત્યાંથી સાબરમતી નદીમાં ઠલવાઇ રહ્યું છે. ચીફ જસ્ટિસે આજે ને આજે આ સ્થળ પર ઇન્સ્પેકશન કરી તાત્કાલિક જરૂરી પગલાં લેવા જીપીસીબીને હુકમ કર્યો હતો. જેથી જીપીસીબીએ આજે જ સ્થળ નિરીક્ષણ કરી જરૂરી કાર્યવાહીની હાઈકોર્ટને ખાતરી આપી હતી. 

આ પણ વાંચો: ભાવનગર-અમદાવાદ રોડ પર કારે બાઈકને અડફેટે લેતાં યુવાનનું મોત

જોઇન્ટ ટાસ્ક ફોર્સને રદ કરી નાંખવાની ચીમકી ઉચ્ચારી

કેસની સુનાવણી દરમ્યાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના ધ્યાન પર એ હકીકત આવી હતી કે, અગાઉ હાઇકોર્ટના નિર્દેશાનુસાર રચાયેલ જોઇન્ટ ટાસ્ક ફોર્સ દ્વારા 2023 પછી સીઇટીપી કે ડિસ્ચાર્જ પોઈન્ટનું કોઈ ઇન્સ્પેક્શન થયુ નથી અને કોઈ રિપોર્ટ પણ રજૂ કરાયો નથી. જેથી ચીફ જસ્ટિસ લાલઘૂમ થયા હતા અને અમ્યુકો, જીપીસીબી સહિતના સત્તાધીશોને સીધો સવાલ કર્યો હતો કે, કેમ, જોઇન્ટ ટાસ્ક ફોર્સે કોઇ ઇન્સ્પેક્શન કર્યું નથી કે, કોર્ટ સમક્ષ રિપોર્ટ રજૂ કર્યો નથી. તેની જવાબદારી હોવા છતાં તે નિભાવવામાં આવી નથી. ચીફ જસ્ટિસે એટલે સુધી ચીમકી ઉચ્ચારી દીધી કે, જો જોઈન્ટ ટાસ્ક ફોર્સનો કોઇ ઉપયોગ કે જરૂર ના હોય તો તેને નાબૂદ (રદ) કરી નાંખીએ.

'તમે બધા કંઈ કરતા જ નથી..' સાબરમતી PILમાં હાઇકાર્ટે AMC-GPCBનો ઉધડો લીધો 2 - image


Google NewsGoogle News