આસારામ સાથે 4 કલાકની મુલાકાત માટે ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને આપી મંજૂરી, સુરતથી પ્લેનમાં જશે જોધપુર
Narayan Sai Temporary Bail : ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને પિતા આસારામને મળવા માટે માનવતાના ધોરણે હાઈકોર્ટે જામીન આપ્યા છે. સુરતની લાજપોર જેલમાં બંધ નરાધમ નારાયણ સાંઈને પિતા આસારામ સાથે જોધપુર જેલમાં ચાર કલાક મુલાકાત કરવાની મંજૂરી મળી છે. આમ, નારાયણ સાંઈને ચાર કલાકના જામીન મળતા 11 વર્ષ બાદ હવે નારાયણ સાંઈ અને આસારામનું મિલન થશે. પિતા-પુત્રની મુલાકાત દરમિયાન અન્યને હાજર ન રાખવા હુકમ કરાયો છે. નારાયણ સાંઈને માતા-બહેનને મળવાની મંજૂરી ન મળી. નારાયણ સાંઈની અરજી પર હાઇકોર્ટનો લેખિત આદેશ આપ્યો છે.
નારાયણ સાંઈએ એક દિવસ માટે મળવા દેવાની માગી હતી મંજૂરી
જણાવી દઈએ કે, પિતા આસારામને એક દિવસ માટે મળવા દેવાની માગ કરતી અરજી પુત્ર નારાયણ સાંઈએ કરી હતી. સુરતની જેલમાં કેદ નારાયણ સાંઈએ જામીન આપવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજી પરની સુનાવણીમાં રાજ્ય સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા જણાવીને અરજીનો વિરોધ કર્યો હતો. તમામ દલિલો બાદ હાઈકોર્ટે નારાયણ સાંઈની અરજી ગ્રાહ્ય રાખી છે. જેમાં નારાયણ સાંઈને આસારામ સાથે મળવા માટે 4 કલાકનો સમય આપવામાં આવ્યો છે.