'કોઈ કંટાળીને બળવો કરશે ત્યારે કામ કરશો..?' RTO, પોલીસ, ટ્રાન્સપોર્ટ અધિકારીઓને હાઈકોર્ટની ફટકાર
Gujarat High Court: અમદાવાદ શહેરમાં લક્ઝરી બસના ગેરકાયદે પ્રવેશ અને જાહેર માર્ગો પર પાર્કિંગ, શહેર સહિત રાજ્યમાં પરમીટ વિના ચાલતા વાહનો, સ્કૂલવાનમાં સીએનજી કીટ પર બાળકોને બેસાડવા સહિતના અનેક મુદ્દે ગુજરાત હાઈકોટ બુધવારે (14મી ઑગસ્ટ) આરટીઓ અધિકારી, ગૃહ વિભાગના અન્ડર સેક્રેટરી, ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીના અધિકારીઓને અદાલત સમક્ષ રૂબરૂ હાજર રખાવ્યા હતા.
ગુજરાત હાઇકોર્ટની માર્મિક ટકોર
જસ્ટિસ સંદીપ એન.ભટ્ટે સમગ્ર સીસ્ટમ ખાડે ગઈ હોઈ અને જનતા ભયંકર રીતે હેરાન થઈ ત્રાહિમામ પોકારી ગઈ છે, તેને લઈ આ સત્તાવાળાઓને આડા હાથે લીધા હતા. હાઇકોર્ટે એક તબક્કે બહુ જબરદસ્ત માર્મિક ટકોર કરતાં સત્તાવાળાઓને જણાવ્યું હતું કે, 'તમે બધાં પબ્લીકને સમજો છો શું? કોઇ ત્રસ્ત થયેલો માણસ બળવો કરશે, ત્યારે તમે સરખુ કામ કરશો. તમે આરટીઓ કચેરી પ્રજા માટે ચલાવો છો કે એજન્ટો માટે.
હાઇકોર્ટે કાયદા અને નિયમોનું પાલન કરાવી જરૂરી પગલાં ભરવા અને ચાર સપ્તાહમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો હતો. હાઈકોર્ટે આરટીઓ, ટ્રાન્સપોર્ટ વિભાગના એડિશનલ કમિશનર, ગૃહ વિભાગના અન્ડર સેક્રેટરી સહિતના અધિકારીઓને ફટકાર લગાવતાં જણાવ્યું હતું કે, 'શું ચાલે છે તમારી આરટીઓમાં આ બધુ? વ્હીકલ ટ્રાન્સફર કરવા માટે આવે તો તેમાં છ-છ મહિના સુધી ટ્રાન્સફર થતા નથી. મોટર વ્હીકલ એકટમાં શું જોગવાઇ છે? જણાવો. વાહનનો માલિક કોણ ગણાય? આજે કોઇ માણસ તેનું વાહન વેચી દે પછી પણ તમે મહિનાઓ સુધી તે ટ્રાન્સફર ના કરો તો, જવાબદાર કોણ? એજન્ટ રાખો તો જ કામ થાય એવું છે. સામાન્ય જનતાને કેમ તકલીફ પડે છે?'
આ પણ વાંચો: 78th Independence Day 2024 : ત્રિરંગો ભારતનો રાષ્ટ્રધ્વજ કેવી રીતે બન્યો, જાણો ઈતિહાસ
ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું હતું કે, 'પતિ ગુજરી જાય અને પુત્રના નામે વાહન ટ્રાન્સફર થતુ નથી ને પત્નીના નામે જ ટ્રાન્સફર થશે..એમ તમારી કચેરી જણાવે છે, ક્યાંથી આવા નિયમો શોધી કાઢો છો? નાગિરકોને હેરાન કરવાના એટલે એ કંટાળીને એજન્ટને પકડે. એજન્ટ તમને લાભ કરી આપે પછી જ તમે કામ કરો છો. બધુ કહેવા ખાતર ઓનલાઇન છે. ફિટનેસ સર્ટિફિકેટમાં પણ કેટલો ટાઇમ તમે લો છો. રોડ પર જઈને ચેક કરો છો કે કેટલી રીક્ષાઓ ફરે છે કે જેમના પ્રમાણપત્ર નથી, પરમીટ નથી. તમારે બેસીને બસ ખાલી એજન્ટો સાથે લાયઝનિંગ કરવાનું.'
વધુમાં હોઈકોર્ટે જણાવ્યું હતું કે,'આરટીઓ કચેરી જનતા માટે ચલાવો છો કે એજન્ટો માટે. શું સ્ટાફને આર્થિક લાભ થાય તેના માટે આરટીઓ કચેરી ચલાવો છો..?? જો સીસ્ટમ ઓનલાઇન હોય તો એ જ દિવસે કામ થવું જોઇએ ને પણ કેમ થતું નથી. લાયસન્સ, ટ્રાન્સફર કે રિન્યુ કોઇપણ કામ હોય દિવસો સુધી પડયુ રહે છે, સર્વર ધીમુ છે, સ્ટાફ રજા પર છે..બધા બહાના. પણ જો એજન્ટને પકડો તો સવારે આપો ને સાંજે થઇ જાય, ત્યારે તમારા ક્રાયટેરિયા બદલાઇ જાય છે. તમારે સીસ્ટમમાં સુધારો કરવાનો છે કે, પછી હાઇકોર્ટના તેના ઓર્ડરમાં બઘુ જણાવે.'
હાઈકોર્ટે ભારે દુઃખ સાથે જણાવ્યું કે, સીસ્ટમ બિલકુલ ખાડે ગઇ છે અને એકદમ અંધેર તંત્ર છે. તમારી એટલી બૂમ(ત્રાસ) છે કે, ડ્રાઇવીંગ ટ્રેક બરોબર કામ નથી કરતા, લાયસન્સ સમયસર નથી આપતા, પરમીટ ચેક નથી કરતા, લોકોના કામ દબાવી રાખો છો. અખબારોમાં ફોટા આવે છે એ તો ધ્યાનમાં લો. રીક્ષામાં પાછળ દફતર બહાર લટકતા હોય છે. દસ-દસ પેસેન્જર બેઠેલા હોય છે. સ્કૂલવાનમાં જોખમી રીતે કેટલા બાળકો ભર્યા હોય છે.'
પોલીસ સત્તાવાળાઓનો પણ ઉધડો લેતાં હાઈકોર્ટે જણાવ્યું કે, 'પોલીસ કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટને તો કંઇ કહેવા જેવું નથી. નજર સામે બઘુ જુએ છે છતાં પગલાં લેતાં નથી. ખાનગી કાર પેસેન્જર ભરવા ઊભી હોય, તેની બાજુમાં લક્ઝરી બસો, એસટી બસ, એકબાજુ લારીઓ બઘુ ઊભુ હોય અને જનતાને જવા માટે કોઇ રસ્તો ના હોય. પોલીસે સત્તાનો નિષ્ઠાપૂર્વક ઉપયોગ કરી ખરેખર તેની ફરજ બજાવવી જોઇએ.'
તમારા બધાંનું સેટિંગ છે, બધાંને કંઇક ને કંઈક ફાયદો: હાઈકોર્ટ
હાઈકોર્ટે આરટીઓ ઓથોરીટીને બહુ માર્મિક ટકોર કરી હતી કે, 'તમારે તો સ્કૂલ વર્ધી એસોસિયેશનવાળા તમાશો કરે એટલું જ જોઈતું હોય. પહેલેથી નકકી જ હોય. તમારા બધાનું સેટીંગ(એડજસ્ટમેન્ટ) જ હોય કે તમે ઉહાપોહ કરશો એટલે દોઢ-બે મહિના છૂટ આપીશું, પછી કોઇ પગલાં નહી લેવાના. કારણ કે, તમારા બધાનો એમાં ફાયદો છે કંઇક ને કંઇક. નહીં તો તમારી ફરજ છે, કેમ ડયુટી નથી કરતા.'
આ પણ વાંચો: ત્રિરંગાની રસપ્રદ સફર : 1905 થી 1947 દરમિયાન ભારતના રાષ્ટ્રધ્વજમાં 6 વખત ફેરફાર કરાયા હતા
ઓનલાઇન છતાં એટલી બધી જટિલ અને ગૂંચવાડાભરી સીસ્ટમ બનાવી દીધી છે: હાઈકોર્ટ
હાઇકોર્ટે આરટીઓ સત્તાવાળાઓને ફટકાર લગાવતાં જણાવ્યું કે, 'નાગરિકો રોજેરોજ નાના કામ માટે ધક્કા ખાઇ હેરાન થઇ જાય છે અને તમે બહાના કરો છો કે, સર્વર સ્લો ચાલે છે, સ્ટાફ ઓછો છે. પરંતુ જો એજન્ટ રાખો તો એ જ કામ બીજા દિવસે પતી જાય. તમે જાતે કયારેય કચેરીમાં ગયો છો તો ખબર પડે કે, પહેલી બારીથી છેલ્લી બારી સુધી સાંજ સુધી તમારો કોઇ પત્તો જ ના લાગે. ઓનલાઇન સીસ્ટમ કર્યા છતાં એટલી બધી જટિલ અને ગૂંચવાડાભરી સીસ્ટમ બનાવી દીધી છે ને કે પબ્લીક ભયંકર રીતે હેરાન થઇ રહી છે. આરટીઓ કચેરીનું અણઘડ તંત્ર છે, અધિકારીઓ તેમની ફરજ નિષ્ઠાપૂર્વક નથી બજાવતાં. હાઇકોર્ટ આ મામલે નક્કર પગલાં અને પરિણામ ઇચ્છે છે.
જો અકસ્માતમાં કોઈનું મૃત્યુ થાય તો જે તે અધિકારીની જવાબદારી નક્કી કરાશે: હાઈકોર્ટ
હાઇકોર્ટે આરટીઓ, પોલીસ અને ટ્રાન્સપોર્ટ કમિશનર કચેરીના અધકારીઓને સાફ શબ્દોમાં ચેતવણી આપતાં જણાવ્યું કે, 'હવે સમય આવી ગયો છે કે, તમારે ટોચના અધિકારીઓની જવાબદારી નકકી કરવાની જરૂર છે. જો અક્સ્માતમાં કોઇનું મૃત્યુ થાય તો તેની પાસે લાયસન્સ કે પરમીટ ના હોય ત્યારે જે તે અધિકારીની જવાબદારી નકકી કરવામાં આવશે અને હા. એટલું ધ્યાનમાં રાખજો કે, આ વાત માત્ર અમદાવાદ માટે નથી પરંતુ સમગ્ર ગુજરાત માટે છે.'
લક્ઝરી બસો સામે કેમ પોલીસ પગલાં લેતી નથી?
જસ્ટિસ સંદીપ એન. ભટ્ટે ફરી એકવાર લકઝરી બસોના શહેરમાં બેરોકટોક ગેરકાયદે પ્રવેશ અને રોડ-રસ્તા, ફુટપાથ પર આડેધડ પાર્કિંગ મુદ્દે પોલીસ સત્તાવાળાઓનો ઉધડો લીધો હતો અને જણાવ્યું હતું કે, 'લકઝરી બસોના ગેરકાયદે પાર્કિંગ કે શહેરમાં પ્રવેશ અંગે કેમ પગલાં લેવાતા નથી. હાઇકોર્ટના હુકમો છે છતાંય પોલીસ નિષ્ક્રિય છે. લાગે છે કે પોલીસને જરાય રસ જ નથી. તમારી સીસ્ટમ કયારેય સુધરવાની નથી. સામાન્ય માણસ કેટલો હેરાન થાય છે તેનો તમને ખ્યાલ છે ખરો. રીક્ષાઓ બેફામ ચાલે છે અને ગમે ત્યાં આડેધડ પાર્ક કરી દેવાય છે, તેને કંટ્રોલ કરવાનું વિચારો છો. પોલીસને કંઇ ખબર નથી પડતી કે શું કરવાનું છે? તમારી ડ્રાઇવ આંખમાં ઘૂળ નાંખવા સમાન છે.'
જસ્ટિસ સંદીપ ભટ્ટે આરટીઓ અને પોલીસ સત્તાવાળાઓને બહુ સણસણતા ચાબખા મારતા જણાવ્યું કે, 'શહેરમાં રોજ કેટલા લોકો મરે છે અકસ્માતમાં? વિચારો તો ખરા, ગુનાહિત બેદરકારીમાં તમારું પણ નામ આવશે. અદાલત એવું કરવા માંગે છે કે, જે વિસ્તારમાં અકસ્માત થશે તો તે વિસ્તારના પોલીસ અધિકારી અને આરટીઓની જવાબદારી ઠરશે.