રાજકોટ અગ્નિકાંડ મામલે HCમાં સુનાવણી, કોર્ટે કહ્યું- પાલિકાનું તંત્ર બરાબર કામ જ નથી કરતું
Rajkot Game Zone Fire: ગુજરાતને હચમચાવનાર અને સત્તાવાર રીતે બાળકો સહિત 27 જણાનો ભોગ લેનાર રાજકોટના ટીઆરપી ગેમ ઝોનના અગ્નિકાંડનાં 19માં દિવસે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનિતા અગરવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બેન્ચ સમક્ષ ત્રીજીવાર સુનાવણી હાથ ધરવામાં આવી છે.
સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી
રાજકોટમાં 25મી મેએ કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બાળકો સહિત 27 લોકો હોમાયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે હાઈકોર્ટે સુઓમોટો લીધી હતી. આજે ત્રીજીવાર હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી છે. એડવોકેટ પંચાલ દ્વારા બિલ્ડિંગને લગતા નિયમો હાઈકોર્ટમાં રજૂ કર્યા તેમજ બીયુ પરમિશન ન હોય તેમજ તેના નિયમોનું પાલન ન કરતા હોય તેની સામે કોઈ પગલાં લેવાતા નથી.
બીયુ પરમિશન વિના વીજ જોડાણ ના આપવું જોઈએ
આ ઉપરાંત એડવોકેટ પંચાલે હાઈકોર્ટમાં જણાવ્યું કે હાઈરાઈઝ બિલ્ડિંગ, હોસ્પિટલ જેવા સ્થળોએ નિયમો અનુસાર ફાયર પ્રિવેન્શન સિસ્ટમ જરૂરી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા સમયે-સમયે ચેકિંગ કરવી જોઈએ. વધુમાં એડવોકેટ પંચાલે કહ્યું હતું કે બીયુ પરમિશન આપ્યા વગર વીજ જોડાણ આપવું જોઈએ નહી. આ ઉપરાંત એડવોકેટ પંચાલે કહ્યું કે મૃતકોના પરિવારને વળતર આરોપીઓના ખીસ્સામાંથી ચૂકવવામાં આવે.
મહાનગર પાલિકાનું તંત્ર યોગ્ય કામ કરતું નથી : હાઈકોર્ટ
સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે અગાઉ બનેલી ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશો જણાવાયા હતા. સીટ ખાતાકીય તપાસ કરતી નથી, જવાબદાર અધિકારીની સામે તપાસ કરવામાં આવે તેમજ અધિકારીઓની ભૂમિકા તપાસવી જરૂરી છે. રાજકોટ ગેમ ઝોન, મોરબી પુલ તેમજ વડોદરા હરણી તળાવની દુર્ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે મહાનગર પાલિકાનું તંત્ર યોગ્ય કામ કરતું નથી.
ટીઆરપી ગેમ ઝોન રાતોરાત ઉભો નહોતો થયો: હાઈકોર્ટ
રાજકોટ અગ્નિકાંડને લઈને સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે નવ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે તમે નાની માછલીઓ પકડી છે, મોટા અધિકારીઓની ધરપકડ કરી નથી, જે ગેમ ઝોનના ઉદ્ધાટનમાં હાજર હતા. ટીઆરપી ગેમ ઝોન રાતોરાત ઉભું થયું નહોતું. નગરપાલિકા અને મહાનગરપાલિકાનું તંત્રની કામગીરી કેવી છે તે અર્બન હાઉસિંગ વિભાગના સેક્રેટરી તપાસ કરે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ઘટના બન્યા બાદ સરકાર પગલાં ભરે છે, ત્યાં સુધી સુષુપ્ત રહે છે. વડોદરાની હરણી તેમજ મોરબી બ્રિજ દુર્ઘટના અસરકારક્તાનું ઉત્તમ ઉદાહરણ છે.