Get The App

'સ્ત્રીનો તેના શરીર પર પૂરો અધિકાર', દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે ગર્ભપાતની આપી મંજૂરી

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
'સ્ત્રીનો તેના શરીર પર પૂરો અધિકાર', દુષ્કર્મ પીડિતાને ગુજરાત હાઈકોર્ટે ગર્ભપાતની આપી મંજૂરી 1 - image


Gujarat High Court News : ગુજરાત હાઈકોર્ટે એક 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાની ગર્ભપાત માટેની અરજી પર ગઈકાલે સુનાવણી કરી હતી. જેમાં દુષ્કર્મ પીડિતાને 17 સપ્તાહથી વધુનો ગર્ભ છે અને મેડિકલ રિપોર્ટ નોર્મલ છે, તેણે ગર્ભપાત કરાવવાનો ઈરાદો દર્શાવ્યો હતો. ત્યારે આજે એક્સપર્ટ ડોક્ટરોની મેડિકલ તપાસ બાદ ગુજરાત હાઈકોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી દીધી છે. ગુજરાત હાઇકોર્ટે કહ્યું હતું કે, સ્ત્રીનો તેના શરીર પર પૂરો અધિકાર છે. ગર્ભપાત કરાવવો કે નહીં તે સ્ત્રીનો જ નિર્ણય હોઈ શકે.

અમદાવાદના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં BNS એક્ટ 64(2) (m) અને 127 (4) મુજબ ગુનો નોંધાયો હતો. ત્યારે ગઈકાલે પીડિતા અને તેના વકીલ સાથે હાઈકોર્ટમાં હાજર થઈ હતી અને તેની ઓળખ કોર્ટ સમક્ષ કરવામાં આવી હતી. આ દરમિયાન પીડિતાએ કોર્ટ સમક્ષ ગર્ભપાત કરવા પોતાનો ઈરાદો દર્શાવ્યો હતો. જે મામલે કોર્ટ દ્વારા સોલા સિવિલ હોસ્પિટલને મેડિકલ તપાસ કરવા નિર્દેશ અપાયા હતા. જેમાં જણાવ્યું હતું કે, મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ, સિનિયર ગાયનેકોલોજિસ્ટ સહિતના એક્સપર્ટ ડોક્ટરો યુવતીની મેડિકલ તપાસ કરશે. જ્યારબાદ આજે હાઈકોર્ટમાં આ સંદર્ભે સોગંદનામું દાખલ કરાયું છે.

સોલા સિવિલ હોસ્પિટલના એક્સપર્ટ ડોક્ટરો દ્વારા મેડિકલ તપાસ કરાયા બાદ રિપોર્ટ નોર્મલ આવ્યા છે. મેડિકલ રિપોર્ટના અનુસાર, યુવતીને 17 અઠવાડિયા અને 4 દિવસનો ગર્ભ છે. તો હાઈકોર્ટે પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. આ સાથે ગર્ભની પેસીના DNAને આરોપી સામે પુરાવા તરીકે સાચવી રાખવા FSLમાં મોકલવા પણ નિર્દેશ અપાયા હતા.


Google NewsGoogle News