પાટણ SP રવિન્દ્ર પટેલ સામેની ઇન્કવાયરી ઝડપથી પૂર્ણ કરો
ગુજરાત હાઇકોર્ટનો પાટણ કોર્ટને હુકમ
મહિલા સામાજિક કાર્યકરને કહીને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ વિરૂદ્ધની ફરિયાદ પાછી ખેંચાવી લેવા દબાણ કર્યું હતુ
અમદાવાદ,મંગળવાર
મહિલા સામાજિક કાર્યકર અને તેમના પુરૂષ સાથીને માનસિક ત્રાસ આપવાના અને પુરૂષ સાથીને માર મારી ટોર્ચર કરવાના કેસમાં પાટણના એસપી રવિન્દ્ર પટેલ વિરૂધ્ધ પાટણના ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં પેન્ડીંગ ક્રિમીનલ ઇન્કવાયરી શકય ેએટલી ઝડપથી ચલાવી પૂર્ણ કરવા ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ પાટણના ન્યાયાધીશને હુકમ કર્યો છે. પાટણ એસપી રવિન્દ્ર પટેલ વિરૂધ્ધની રિટમાં હાઇકોર્ટે આ હુકમ કર્યો હતો. પાટણના એસપી રવિન્દ્ર પટેલ વિરૂધ્ધ ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી રિટ અરજીમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, પાટણ બી ડિવીઝન પોલીસ મથકમાં હનીટ્રેપનો એક ગુનો દાખલ થયો હતો. જેમાં મૂળ ફરિયાદી પુરૂષે એક યુવતીને ડ્રગ્સ આપી તેની સાથે દુષ્કર્મ પણ આચર્યુ હતું. બાદમાં ઘટનાની જાણ યુવતીની માતાને થતાં તેમણે મહિલા સામાજિક કાર્યકરનો સંપર્ક કર્યો હતો અને ગમે તેમ કરીને પોતાની પુત્રીને છોડાવવા આજીજી કરી હતી. જેથી મહિલા સામાજિક કાર્યકરે પોલીસ કંટ્રોલમાં ફોન કરી પોલીસને બોલાવી હતીઅને યુવતીની માતા સાથે ત્યાં ગયા હતા. બાદમાં પોલીસ બધાને લઇ ગઇ હતી, જયાં પાટણ એસપી રવિન્દ્ર પટેલ વંદનાબહેનને ઓળખી ગયો હતો કે, ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂધ્ધ રાજસ્થાનમાં પોક્સો કેસ કર્યો છે, તે આ જ મહિલા છે, તેથી તેઓએ પોલીસ પર દબાણ કરી ઉલ્ટાનું આ મહિલાઓ પર જ તોડબાજીની ફરિયાદ કરાવી દીધી હતી. બીજા દિવસે પુરૂષ સાથી કિશોરસિંહ ઝાલા આ બધાને છોડાવવા પોલીસમાં ગયા ત્યારે પાટણ એસપી રવિન્દ્ર પટેલે તેમને મહિલા સામાજિક કાર્યકરને કહીને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ વિરૂદ્ધની ફરિયાદ પાછી ખેંચાવી લેવા દબાણ કર્યું હતુ અને તે નહી માનતા તેમને લાકડાના ફટકા અને પટ્ટા વડે ઢોર માર માર્યો હતો અને ગંભીર ઇજા પહોંચાડી હતી. પોલીસે કિશોરસિંહને પણ આ કેસમાં આરોપી બનાવી દીધા હતા. બાદમાં જયારે તેમને કોર્ટમાં રજૂ કરાયા ત્યારે તેમણે કોર્ટ સમક્ષ પોલીસ અત્યાચારની ફરિયાદ કરી હતી. જેમાં પાટણ એસપી વિરૂદ્ધ આખરે ક્રિમીનલ ઇન્ક્વાયરી હાથ ધરાઇ હતી. પરંતુ તેમાં છેલ્લા ચાર મહિનાથી કોઇ પ્રગતિ નહી થતાં આખરે હાઇકોર્ટમાં રિટ કરાઇ હતી. જેમાં જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ પાટણ ચીફ જયુડીશીયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં પડતર પાટણ એસપી રવિન્દ્ર પટેલ વિરૂધ્ધની ક્રિમીનલ ઇન્કવાયરી શકય એટલી ઝડપથી પૂર્ણ કરવા પાટણ કોર્ટને હુકમ કર્યો હતો.