Get The App

અમદાવાદમાં જળબંબાકાર, સરેરાશ 6 ઇંચ વરસાદ, રસ્તા બેટમાં ફેરવાયા, હજુ ભારે વરસાદની આગાહી

Updated: Aug 26th, 2024


Google NewsGoogle News
અમદાવાદમાં જળબંબાકાર, સરેરાશ 6 ઇંચ વરસાદ, રસ્તા બેટમાં ફેરવાયા, હજુ ભારે વરસાદની આગાહી 1 - image


Ahmedabad Rain Updates | ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ ઍલર્ટ વચ્ચે અનેક જિલ્લાઓમાં મેહુલિયો મનમૂકીને વરસી રહ્યો છે ત્યારે ગત રાત્રિએ અમદાવાદમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. અત્યાર સુધીના લેટેસ્ટ આંકડાની વાત કરીએ અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પરિમલ ગાર્ડન સહિત અનેક અંડરપાસમાં ગાડીઓ ડૂબી જાય એટલાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે તકલીફ પડી હતી અને અંડરપાસ બંધ કરવાની ફરજ પડી હતી. અખબારનગર, મીઠાખળી અંડરપાસમાં પણ પાણી ભરાઈ જવાની સ્થિતિને પગલે બંધ કરવાની ફરજ પડી હતી. ધોધમાર વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. 

ક્યાં કેટલો વરસાદ નોંધાયો? 

માહિતી અનુસાર અમદાવાદના નરોડા વિસ્તારમાં ફરી એકવાર વરસાદે બેફામ વરસતાં મોડી રાતે લગભગ 6 ઇંચ જેટલો ખાબક્યો હતો. જો કે આવી જ સ્થિતિ મણિનગરમાં પણ જોવા મળી. ડ્રેનેજ વ્યવસ્થા બંધ હોવાને કારણે રોડ ઉપર ઘૂંટણ સમા પાણી ભરાઈ જતાં સ્થાનિક રહેવાશીઓએ મોડી રાતે ફરિયાદો કરવી પડી હતી. બીજી બાજુ વેજલપુરમાં પણ ભારે વરસાદને પગલે ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. આ વિસ્તારમાં ગમે ત્યારે વરસાદ પડે ત્યારે પાણી ભરાઈ જવાની સ્થિતિ સામાન્ય રીતે જોવા મળતી રહે છે. તોય તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. 

ઘણાં વિસ્તારોમાં વરસાદે બોલાવી ધડબડાટી 

એસજી હાઈવે નજીકના વિસ્તારોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. અહીં સાયન્સ સિટી, ગોતામાં 4-4 ઇંચ જ્યારે અમદાવાદના અન્ય વિસ્તારો જેમ કે ઉસ્માનપુરા અને ઓઢવમાં પણ 4-4 અને મેમ્કો તથા બોડકદેવમાં પણ 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. બીજી બાજુ વટવા, ઈસનપુર, નારોલ, ઘોડાસર સહિતના અન્ય વિસ્તારોની વાત કરીએ તો અહીં પણ 5-6 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નીચાણવાળા વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઈ ગયા હતા. જોકે આજે પણ અમદાવાદમાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મોટાભાગના વિસ્તારો પર કાળા ડિબાંગ વાદળોનો કબજો દેખાઈ રહ્યો છે અને ઠેર ઠેર ઝરમર-ઝરમર તો ક્યાંક ભારે વરસાદની સ્થિતિ હજુ પણ જોવા મળી રહી છે. અનેક રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હોવાથી વાહનોની અવર-જવરમાં ભારે તકલીફ પડી રહી છે. ઈસનપુર-નારોલ હાઇવે પર તો હજુ પાણી ભરાયેલા હોવાથી કાર-ટુ-વ્હિલર જેવા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. 

અમદાવાદમાં જળબંબાકાર, સરેરાશ 6 ઇંચ વરસાદ, રસ્તા બેટમાં ફેરવાયા, હજુ ભારે વરસાદની આગાહી 2 - image

 


Google NewsGoogle News