Get The App

ગુજરાતમાં હૃદયની સમસ્યાને લગતાં દર્દી 4 વર્ષમાં બમણા, અમદાવાદમાં પણ ભયજનક સ્થિતિ

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
Heart Problem


Heart Problem Patients in Gujarat: હૃદયની સમસ્યાના દર્દીમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. આ વર્ષે અત્યાર સુધી 73,470ને હૃદયની સમસ્યાને પગલે હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. જેની સરખામણીએ વર્ષ 2021માં હૃદયની સમસ્યાના 42,555 દર્દી હતા. આમ, ચાર વર્ષમાં બમણા જેટલો વધારો નોંધાયો છે. ગુજરાતમાં આ વર્ષે હૃદયની સમસ્યાના દરરોજ સરેરાશ 231 જ્યારે પ્રતિ કલાકે 9 જેટલા દર્દી નોંધાય છે. 

છેલ્લાં કેટલાક વર્ષથી હૃદયની સમસ્યાના દર્દીમાં સતત વધારો

ગુજરાતમાં છેલ્લાં કેટલાક વર્ષથી હૃદયની સમસ્યાના દર્દીમાં સતત વધારો થઈ રહ્યો છે. ઈમરજન્સી સેવા ‘108’ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર 2021માં 42,555, 2022માં 56,277, 2023માં 72,573 કોલ્સ નોંધાયા હતા. આમ, ગત વર્ષની સરખામણીએ હૃદયની સમસ્યાના ઈમરજન્સી કોલ્સમાં 16.66%નો વધારો નોંધાયો છે. જેના ઉપરથી જ હૃદયની સમસ્યાના વધતાં દર્દીઓનો તાગ મેળવી શકાય છે. 

ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં હૃદયની ઈમરજન્સીના કોલ્સ

વર્ષઈમરજન્સી
202142,555
202256,277
202372,573
202473,470


અમદાવાદમાં આ વર્ષે દરરોજ સરેરાશ 67 વ્યક્તિને હૃદયની સમસ્યા

ગુજરાતમાં આ વર્ષે અમદાવાદમાંથી સૌથી વઘુ 24460 વ્યક્તિને હૃદયની સારવાર માટે હૉસ્પિટલમાં દાખલ કરાઈ હતી. આમ, અમદાવાદમાં આ સ્થિતિએ દરરોજ સરેરાશ 67 વ્યક્તિને હૃદયની સમસ્યાથી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. ગુજરાતમાં આ વર્ષે હૃદયની સમસ્યાના જે કોલ્સ નોંધાયા છે તેમાંના 30% જેટલા માત્ર અમદાવાદથી છે. અમદાવાદમાં 2023 કરતાં 2024માં હૃદયની સમસ્યાના કોલ્સમાં 15.47%નો વધારો થયો છે. 

ગત વર્ષની સરખામણીએ આ વર્ષે હૃદયની સમસ્યાના પ્રમાણમાં સૌથી વઘુ વધારો થયો હોય તેમાં પોરબંદર 39.73% સાથે મોખરે છે. પોરબંદરમાં 2023માં 1145 દર્દી હતા અને હવે આ વર્ષે વધીને 1601 થયા છે. 

ગુજરાતમાં હૃદયની સમસ્યાને લગતાં દર્દી 4 વર્ષમાં બમણા, અમદાવાદમાં પણ ભયજનક સ્થિતિ 2 - image

હૃદયની સમસ્યાને લગતા દર્દીમાં ચાર વર્ષમાં બમણા જેટલો વધારો

આ વર્ષે હૃદયની ઈમરજન્સીના કોલ્સની રીતે અમદાવાદ બાદ સુરત બીજા, રાજકોટ ત્રીજા, વડોદરા ચોથા અને ભાવનગર પાંચમા સ્થાને છે. અમદાવાદની અસારવા સિવિલ હૉસ્પિટલમાં આવેલી હાર્ટ હૉસ્પિટલમાં આ વર્ષે અત્યારસુધી કુલ 26,199 કાર્ડિયાક સર્જરી કરાઈ છે. જેમાં 430 દર્દીમાં બલૂન, 1136માં પેસમેકર મૂકાયા છે. આ વર્ષે 3.31 લાખ આઉટડોર જ્યારે 45,390 ઇન્ડોર દર્દી નોંધાયા છે. જેની સરખામણીએ ગત વર્ષે 3.35 લાખ આઉટડોર અને 47,230 ઇન્ડોર દર્દી હતા. 

ગુજરાતમાં હૃદયની સમસ્યાને લગતાં દર્દી 4 વર્ષમાં બમણા, અમદાવાદમાં પણ ભયજનક સ્થિતિ 3 - image

ગુજરાતમાં હૃદયની સમસ્યાને લગતાં દર્દી 4 વર્ષમાં બમણા, અમદાવાદમાં પણ ભયજનક સ્થિતિ 4 - image


Google NewsGoogle News