'ટનલ બને તો ગામડાના રોડ કેમ નહીં?' પ્રસુતાના મોત અંગે સરકાર પર ભડકી ગુજરાત હાઇકોર્ટ
Gujarat High Court Slams Govt on ChhotaUdepur woman death : ગુજરાતમાં થોડા દિવસ પહેલાં એક શરમજનક ઘટના બની હતી. જેમાં ગુજરાત સરકારના આરોગ્ય ક્ષેત્રે હરણફાળના પોકળ દાવાઓની પોલ ખૂલી ગઈ હતી. હજુ પણ ગુજરાતના છેવાડાના ગામોમાં આરોગ્યની સુવિધા પહોંચી નથી. જેના કારણે છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પરપ્રાંતિય મહિલાને હૉસ્પિટલ પહોંચતા પહેલાં જ જીવ ગુમાવવો પડ્યો હત. આ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ હાઇકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી હતી. ગુરુવારે (3 ઑક્ટોબર) અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે આ ઘટનાને શરમજનક જણાવી હતી.
શું હતો સમગ્ર બનાવ?
ગાંધી જ્યંતિના દિવસે જ છોટાઉદેપુરના તુરખેડા ગામે એક મહિલાને પ્રસવ પીડા ઉપડી હતી. જો કે, ત્યાં રસ્તાના અભાવે પહેલા પાંચ કિમી સુધી ઝોળીમાં નાંખીને ગ્રામજનો લઈ ગયા અને ત્યાંથી 108 આવવાની હતી. આ 108 દ્વારા સગર્ભાને 25 કિમી દૂર રાજકોટની હૉસ્પિટલમાં લઈ જઈ જવાની હતી. 108 સગર્ભાને લઈને રાજકોટની પદ્મકુંવરબા સરકારી હૉસ્પિટલ તો પહોંચી, પરંતુ આ દરમિયાન ગુજરાતની સરકારી હૉસ્પિટલમાં તુમારશાહીનો વરવો નમુનો રાજકોટમાં જોવા મળ્યો.
પ્રસુતિની પીડા સાથે મહિલાને રાજકોટમાં ગુંદાવાડી-કેનાલ રોડ પર આવેલી પદ્મકુંવરબા સરકારી હૉસ્પિટલમાં 108 વાન મારફતે લાવવામાં આવી હતી. આ દરમિયાન મહિલાના પતિને હૉસ્પિટલ સ્ટાફ દ્વારા પહેલા કેસ કઢાવવા મોકલવામાં આવ્યો હતો. જેથી મહિલાને પીડા થતી હોવા છતાં તે પતિની પાછળ કેસબારી તરફ ચાલીને જઈ રહી હતી, ત્યારે હૉસ્પિટલ સ્ટાફે આ મહિલાને રોકવા કે તેની શારિરીક સ્થિતિની ચકાસણી કરવાની તસ્દી લીધી નહીં. મહિલા પોતાના પતિની પાછળ ચાલીને જતી હતી તે દરમિયાન હૉસ્પિટલના પરિસરના પરસાળમાં જ તેને અસહ્ય દુખાવો ઉપડ્યો અને ત્યાં જ તેની પ્રસૂતિ થઈ ગઈ. મહિલાએ એક નવજાત બાળકીને જન્મ આપ્યો. પરંતુ, કમનસીબે મહિલા પોતાની દીકરીને જોવા ન રહી અને દીકરીને જન્મ આપતાં જ તેનું મૃત્યુ થઈ ગયું. આ સમગ્ર ઘટનાને લઈને હાઇકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી તેની ગંભીરતાથી નોંધ લીધી છે.
આ પણ વાંચોઃ ગુજરાતની 'ગોપીઓ' બિન્દાસ ગરબે ઘૂમી શકશે, વાહન ન મળે તો પોલીસ મદદ કરશે
હાઇકોર્ટે દાખલ કરી સુઓમોટો અરજી
સમગ્ર સમાચાર સામે આવતા, આ ઘટનાની ગંભીરતાને લઈ ગુજરાત હાઇકોર્ટે સુઓમોટો અરજી દાખલ કરી હતી. આ અરજીની સુનાવણી વખતે હાઇકોર્ટે કહ્યું કે, આવા બનાવથી અમારું માથું શરમથી ઝૂકી ગયું છે. ગુરુવારે (3 ઑક્ટોબર) હાઇકોર્ટમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટીસ નીશા ઠાકોરની બેન્ચ દ્વારા બીજી ઑક્ટોબરે બનેલી આ ઘટનાની સુનાવણી થઈ હતી. સુનાવણી દરમિયાન જસ્ટિસ બીરેન વૈષ્ણવે કોર્ટમાં કહ્યું કે, તેમના માથા આ સમાચારથી શરમથી ઝૂકી ગયા છે. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે રાજ્ય સરકારની ઝાટકણી કાઢતાં કહ્યું હતું કે, આપણે વિકાસની વાતો કરીએ છીએ, પરંતુ સરકાર આવી જગ્યાએ રોડ બનાવી નથી શકતી. આપણે જમ્મુ-કાશ્મીરમાં ટનલ બનાવી શકીએ પણ ગામડાંને 5 વર્ષથી રોડ નથી આપી શકતા.
જસ્ટિસ વૈષ્ણવે જણાવ્યો પોતાનો અનુભવ
સુનાવણી દરમિયાન જસ્ટિસ બીરેન વૈષ્ણવે પોતાનો અનુભવ જણાવ્યો હતો. જસ્ટિસ વૈષ્ણવે કહ્યું કે, રાજપીપળાની મુલાકાત વખતે લીગલ સર્વિસ ઑથોરિટીના ચેરમેન તરીકે ત્યાં જવું કેટલું અઘરું હતું તે અમને જ ખબર છે. ત્યાંથી બે કિલોમીટર આગળ જાવ એટલે પહોળા રોડ મળતા નથી. કારણ કે, તે સ્ટેચ્યુ ઑફ યુનિટી તરફ જતા રહે છે. જ્યાંથી સ્ટેચ્યુ ઑફ યુનિટી ફક્ત 15 કિમી દૂર છે, આ ગામડાઓમાં એસ.ટી બસો આવતી ન હતી. આ બાબત કોર્ટને દુઃખી કરનારી છે. જેની પત્ની મૃત્યુ પામી છે તે બાળકોના પિતા વિશે વિચારો... હવે તો બાળકીની હાલત પણ ગંભીર છે.
આ પણ વાંચોઃ ગરબા મુદ્દે ગેનીબેન થયા ગરમ, સંઘવીને સણસણતો જવાબ, આપણે પાકિસ્તાન જવાની જરૂર નથી
17 તારીખ સુધીમાં માગ્યો જવાબ
હાઇકોર્ટે રજીસ્ટ્રાર જ્યુડિશિયલને આ બાબત સુઓમોટો અરજી તરીકે લેવા આદેશ આપ્યો હતો. ગુજરાત ચીફ સેક્રેટરી આ બાબતે હાઇકોર્ટને 17 ઑક્ટોબર સુધીમાં જવાબ આપે. કયા સંજોગોમાં આ દુઃખદ ઘટના બની તેનો રિપોર્ટ ચીફ સેક્રેટરી ચીફ જસ્ટિસની સામે કોર્ટમાં મૂકશે. કોર્ટના આ હુકમની કોપી ઍડ્વૉકેટ જનરલને પણ મોકલી આપવામાં આવે. સાથે જ ગુજરાત લીગલ સર્વિસ ઑથોરિટીના મેમ્બર સેક્રેટરી દ્વારા ડિસ્ટ્રિક લીગલ સર્વિસ ઑથોરિટીનો સંપર્ક સાધીને આ ઘટનામાં પીડિત પરિવારની મુલાકાત લઈ તેમની તકલીફ જણાવવામાં આવશે. આ ઉપરાંત ગામડામાં વસતાં અન્ય લોકોની પણ તકલીફો જાણવામાં આવશે. આ સિવાય ગામડામાં કેવી સુવિધાઓ છે, તે પણ જોવામાં આવશે.