Get The App

ગુજરાત હાઇકોર્ટનો નિર્દેશઃ નવરાત્રિ પહેલા હેલ્મેટના કાયદાનું પાલન કરાવો, ઉલ્લંઘન કરે તો લાઇસન્સ સસ્પેન્ડ કરો

Updated: Sep 28th, 2024


Google NewsGoogle News
ગુજરાત હાઇકોર્ટનો નિર્દેશઃ નવરાત્રિ પહેલા હેલ્મેટના કાયદાનું પાલન કરાવો, ઉલ્લંઘન કરે તો લાઇસન્સ સસ્પેન્ડ કરો 1 - image


Gujarat High Court Direction on Helmet Rule before Navaratri : પાંજરાપોળથી આઇઆઇએમ સુધી ફલાયઓવરના સૂચિત પ્રોજેકટ, ટ્રાફિક અને વધતા જતાં અકસ્માતો મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં થયેલી જાહેરહિતની અરજીમાં આજે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે ફરી એકવાર નવરાત્રિ પહેલાં ટુ વ્હીલર વાહનચાલકો માટે હેલ્મેટ ફરજિયાતપણે પહેરવાના નિયમોનું પાલન કરાવવા રાજ્ય સરકારને કડક નિર્દેશ કર્યો છે. હાઇકોર્ટે એમ પણ જણાવ્યું કે, દ્વિચક્રી વાહનચાલકો ત્રણ વખત હેલ્મેટના નિયમોનો ભંગ કરતાં પકડાય તો પછી આવા વાહનચાલકોનું લાઇસન્સ રદ કે સસ્પેન્ડ થવા જોઈએ. હાઇકોર્ટે નવરાત્રિ પહેલા અમદાવાદ શહેરના રોડ-રસ્તાઓ રીસરફેસ કરવા અને હેલ્મેટના નિયમોનું પાલન કરાવવા સ્પષ્ટ શબ્દોમાં સરકાર અને એએમસીને જણાવ્યું હતું.

હેલ્મેટ વગર હોય તો લાઇસન્સ સસ્પેન્ડ કરવું જોઈએઃ હાઇકોર્ટ

હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી 4 ઑકટોબરે રાખી છે. જેથી નવરાત્રિ પહેલા કેટલું કામ થયું તેનું વિશ્લેષણ કરી શકાય. ગઈ કાલે કેસની સુનાવણીની શરુઆતમાં જ ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સરકાર પક્ષને માર્મિક ટકોર કરી હતી કે, અગાઉ હાઇકોર્ટે સ્પષ્ટ નિર્દેશ આપ્યા હોવા છતાં હેલ્મેટના નિયમોનું કડકાઈથી પાલન કરાયું નથી. હવે નવરાત્રિ આવશે એટલે એવી માંગણી આવશે કે, નવરાત્રિ દરમિયાન હેલ્મેટ પહેરવાના નિયમો હળવા કરો. પરંતુ, નવરાત્રિના સમયગાળામાં જ સૌથી વધારે અકસ્માત નોંધાતા હોય છે. ગત વર્ષે પણ જોવા મળ્યું હતું કે, નવરાત્રિના સમય દરમિયાન જ અકસ્માત અને મેડિકલ ઇમરજન્સીની ઘટનાઓ નોંધપાત્ર રીતે બની હતી. નાગરિકો હેલ્મેટ પહેરે તેને લઈને સરકાર અને તંત્રએ જાગૃતિ તેમજ ઝુંબેશ ચલાવવી જોઈએ અને જો હેલ્મેટ વગર કે ટ્રાફિકના નિયમોનો ભંગ કરતાં ઝડપાય તો તેમનું લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરવું જોઈએ. બાકી તો આ નિયમો કોઈ ગણકારે તેમ નથી. નવરાત્રિ પહેલાં હેલ્મેટના નિયમોનું પાલન થવું જોઈએ.

આ પણ વાંચોઃ સોમનાથમાં ગેરકાયદે ધાર્મિક સ્થળો પર દબાણો હટાવાયા, પોલીસે 135 લોકોની અટકાયત કરી

હાઇકોર્ટે સરકારને સૂચન કર્યું હતું કે, કોઈપણ વાહનચાલક ટ્રાફિકના નિયમોનું ત્રણ વખત ઉલ્લંઘન કરે એટલે તેનું લાઇસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે, ત્યારબાદ ઉલ્લંઘન બદલ છ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવે. એ પછી પણ જો વાહનચાલક ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો કાયમ માટે તેનું લાઇસન્સ સસ્પેન્ડ કે રદ કરવામાં આવે. દિલ્હીમાં પણ આ રીતે કામકાજ થઈ રહ્યું છે. અમદાવાદ સાથે સુરતની ટ્રાફિક સમસ્યા ઉપર પણ કામ કરવામાં આવે. 

આ દરમિયાન સરકાર પક્ષ તરફથી અદાલતનું ધ્યાન દોરાયું કે, એએમસી અને સરકાર દ્વારા 2036ના ઓલિમ્પિકની તૈયારીઓ કરાઈ રહી છે અને તેના માટે ગ્લોબલ સેન્ટર પણ મંગાવાાયા છે. જેમાં કેટલીક ઑફર પણ આવી છે.

સરકારને કરી ટકોર

જેથી ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સરકારને માર્મિક ટકોર કરી હતી કે, ઓલમ્પિકની તૈયારીઓ કરો એ ઠીક છે પરંતુ, વર્તમાન બાબતોને પ્રાથમિકતા આપી અને નિષ્ણાત તજજ્ઞોનો અહેવાલ લઈ કામગીરી કરવામાં આવે. આ માટે એક મોનિટરિંગ કમિટીની પણ રચના કરવામાં આવે. જે ટ્રાફિક મેનેજમેન્ટ, રોડ-રસ્તા સહિતના વર્તમાન મુદ્દાઓનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવે.

આ પણ વાંચોઃ ફરજિયાત CCTV, પારંપરિક વસ્ત્રોમાં હશે શી ટીમ: નવરાત્રીમાં મહિલાઓની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સજ્જ

કોર્ટે રાજ્ય સરકારના દાવાનું કર્યું ખંડન

રાજ્ય સરકાર તરફથી દાવો કરાયો હતો કે, હાઇકોર્ટના નિર્દેશ બાદ હવે ટ્રાફિક પોલીસ જંકશન પર ઊભી હોય છે અને દંડની વસૂલાત પણ શરુ થઈ છે. જો કે, ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે સરકારના દાવાનું ખંડન કરતાં તેની સાથે અસહમતિ દર્શાવી હતી. ચીફ જસ્ટિસે સીધો જ સવાલ કર્યો કે, શું તમે જાતે ફિલ્ડ પર જોઈને જોયું છે ? તમે કહો છો એ હકીકત નથી. કોઈ ફરક પડ્યો નથી.

ચીફ જસ્ટિસે રાજ્ય સરકારને કરી ટકોર

આ દરમિયાન ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે રાજ્ય સરકારને માર્મિક ટકોર કરતાં જણાવ્યું હતું કે, તેઓ જ્યારે હાઇકોર્ટ આવવા નીકળે છે અને જંકશન પર પાંચ પોલીસ કર્મચારીઓ દેખાય એટલે તેઓ સમજી જાય છે કે, આજે ટ્રાફિક સમસ્યા અંગેની જાહેરહિતની અરજી પર સુનાવણી છે. કોઈ મોનિટરિંગ ન હોય તો કામ થતું નથી. આ સમસ્યાના નિવારણ માટે ટૅક્નોલૉજીની જરૂર છે. જે કર્મચારીઓને સ્પોટ પર ડ્યુટી સોંપાઈ છે, તેઓ ત્યાં છે કે નહીં તે ખાસ જોવામાં આવે. નીચલા લેવલે અનુશાસન બહુ જરૂરી છે. હાઇકોર્ટે મોનિટરિંગ, સુપરવિઝન ઉપરાંત ટ્રાફિક નિયમન-નિવારણ માટે વોર રૂમ (ટ્રાફિક મોનિટરિંગ રૂમ) ઊભો કરવા પણ તાકીદ કરી હતી.


Google NewsGoogle News