અત્ર તત્ર સર્વત્ર મેઘમહેર! દાયકામાં બીજી વખત ગુજરાતમાં સિઝનમાં 45 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો
Gujarat Rain Update: ગુજરાતમાં આ વખતે મેઘરાજા મન મૂકીને વરસતાં અનેક સ્થાનોએ લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. અત્યારસુધી સરેરાશ 47.44 ઇંચ સાથે સિઝનનો 137 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં છેલ્લા 10 વર્ષમાં આ બીજા ક્રમનો સૌથી વધુ વરસાદ છે. અગાઉ વર્ષ 2019માં 49.95 ઇંચ સાથે સરેરાશ 146 ટકા વરસાદ વરસ્યો હતો.
ગુજરાતમાં છેલ્લા 10 વર્ષમાં સૌથી ઓછો 25.10 ઇંચ વરસાદ વર્ષ 2018માં પડ્યો હતો. જેની સરખામણીમાં આ વખતે 28મી ઑગસ્ટ સુધીમાં જ સિઝનનો વરસાદ 100 ટકાથી વધી ગયો હતો. આ વખતે અત્યારસુધી 140 તાલુકામાં 40 ઇંચથી વધુ, 104 તાલુકામાં 20થી 40 ઇંચ જ્યારે 7 તાલુકામાં 10થી 20ઇંચ સુધી વરસાદ નોંધાયો છે. 10 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય તેવા એકપણ તાલુકા નથી.
આ જિલ્લામાં સૌથી વધુ વરસાદ નોંધાયો
પ્રદેશ જિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 35.29 ઇંચ સાથે સિઝનનો 184.86 ટકા, ઉત્તર ગુજરાતમાં 32.75 ઇંચ સાથે 113.95 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 42.02 ઇંચ સાથે સિઝનનો 131.63 ટકા, સૌરાષ્ટ્રમાં 42.15 ઇંચ સાથે સિઝનનો 145.21 ટકા જ્યારે દક્ષિણ ગુજરાતમાં 82.58 ઇંચ સાથે સિઝનનો 140.60 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં હવે 100 ટકાથી વરસાદ પડ્યો હોય તેવો એકપણ જિલ્લો નથી.
આ પણ વાંચો: ભાદરવામાં મેઘરાજાએ ગુજરાતને ઘમરોળ્યું, વડોદરામાં જળબંબાકાર, જાણો ક્યા જિલ્લામાં કેટલો થયો વરસાદ
જિલ્લા પ્રમાણે વલસાડમાં સૌથી વધુ 120 ઇંચ, નવસારીમાં 108 ઇંચ, ડાંગમાં 104 ઇંચ વરસાદ વરસ્યો છે. તાલુકા પ્રમાણે નવસારીના ખેરગામમાં 146 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. ભારે વરસાદથી ગુજરાતના અનેક સ્થળોએ હવે લીલા દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.