Get The App

ગુજરાતના ખેડૂતો માટે 1418 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત, 33 ટકાથી વધુ નુકસાન હશે તેમને નિયમ પ્રમાણે મળશે મદદ

Updated: Oct 23rd, 2024


Google NewsGoogle News
ગુજરાતના ખેડૂતો માટે 1418 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત, 33 ટકાથી વધુ નુકસાન હશે તેમને નિયમ પ્રમાણે મળશે મદદ 1 - image


Support Package For Farmers Crop Damage: ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને હાલ ખેડૂતોનો પકવેલો પાક સંપૂર્ણ નાશ પામ્યો છે, ગત વર્ષે પણ આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. ખેડૂતોને આજીવિકાનો અન્ય કોઈ સ્ત્રોત ન હોવાથી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે અને દેવાના બોજ તળે દબાયા છે. ત્યારે હવે રાજ્યના કૃષિમંત્રી દ્વારા ખેડૂતો માટે 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્ય સરકારના બજેટમાંથી 362 કરોડની સહાય આપવામાં આવશે.

33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય ચૂકવાશે

રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્ય કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરીને ઑગસ્ટમાં વરસેલા વરસાદના કારણે ખેડૂતો જેમનો મુખ્ય પાક જેવા કે ડાંગર, સોયાબીન, મગફળી હોય અને પાક બગડી જતાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો, તેવા ખેડૂતો માટે 1419.62 કરોડનું સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના 20 જિલ્લાના 136 તાલુકાના 6 હજારથી વધુ ગામોના અંદાજીત 7 લાખ ખેડૂતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 8 લાખ હેકટર જેટલા વિસ્તારમાં 33 ટકાથી વધુ નુકસાન થયું હોય તેમાં નિયમો હેઠળ સહાય ચૂકવવામાં આવશે. પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 22 હજાર રૂપિયાની સહાય અને બિન પિયત વિસ્તારમાં હેક્ટર દીઠ 11 હજારની સહાય આપવામાં આવશે. 

આ પણ વાંચોઃ આફત બનીને વરસ્યો વરસાદઃ ધોધમાર વરસાદથી ખેડૂતોની મગફળી તણાઈ, પાકને થયું ભારે નુકસાન

પાછોતરા વરસાદના કારણે થયેલા નુકસાનનો થશે સર્વે

કૃષિમંત્રીના જણાવ્યા અનુસાર, હાલનું સહાય પેકેજ ફક્ત ઑગસ્ટ મહિનામાં વરસેલા વરસાદમાં થયેલા નુકસાન માટે જ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય પાછોતરા વરસાદને લઈને થયેલા પાક નુકસાન વિશે પણ સર્વે કરવામાં આવશે. તેમજ તે અંગે પણ ખેડૂતોને સહાય માટે રાજ્ય સરકાર વિચાર કરશે.

ગુજરાતના ખેડૂતો માટે 1418 કરોડના કૃષિ સહાય પેકેજની જાહેરાત, 33 ટકાથી વધુ નુકસાન હશે તેમને નિયમ પ્રમાણે મળશે મદદ 2 - image

કોને મળશે સહાય?

  1. 2024-25 ઋતુના ખરીફ બિનપિયત ખેતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાન થયું હોય, તેવા ખેડૂતને SDRFના નિયમ હેઠશળ 8,500 અને રાજ્ય સરકારના બજેટ હેઠળ 2500 રૂપિયાની સહાય મળશે. મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં કુલ 11 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર સહાય મળશે.
  2. વર્ષાયુ અથવા પિયત પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમ મુજબ 17 હજાર તેમજ રાજ્ય સરકારના બજેટ હેઠળ 5 હજાર સહાય આપવામાં આવશે. મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં કુલ 22 હજાર પ્રતિ હેક્ટર લેખે સહાય મળશે.
  3. બહુવર્ષાયુ બાગાયતી પાકોના 33 ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નિયમ મુજબ 22,500 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય આપવામાં આવશે.
  4. જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ રૂ. 3,500 કરતાં ઓછી થતી હશે તેમને ઓછામાં ઓછા રૂ. 3,500 ચૂકવાશે.

આ પણ વાંચોઃ જિજ્ઞેશ મેવાણીએ CM બાદ હવે ગૃહમંત્રીને લખ્યો પત્ર, IPS પાંડિયન સામે કોંગ્રેસ આક્રમક મૂડમાં

20 જિલ્લાના ખેડૂતોને રાહત પેકેજનો મળશે લાભ

ઑગસ્ટ મહિનામાં થયેલા વરસાદના નુકસાન માટે રાજ્યના અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, સુરત, વડોદરા, પંચમહાલ, નવસારી, સુરેન્દ્રનગર, દ્વારકા, ખેડા, આણંદ, મોરબી, જામનગર, કચ્છ, તાપી, દાહોદ, ડાંગ, ભરૂચ, પાટણ અને છોટા ઉદેપુર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિવાળી બાદ ખેડૂતોને આ સહાય પહોંચાડવામાં આવશે.

ખેડૂતને અરજી માટે કયા દસ્તાવેજની રહેશે જરૂર?

ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરવામાં આવશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ સેન્ટર પરથી ખેડૂતે સાતબારનો ઉતારો, બૅન્ક એકાઉન્ટની વિગત, અને આધાર નંબર સાથે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.


Google NewsGoogle News