Get The App

પ્રિ-પ્રાઇમરી સ્કૂલના નિયમોને લઈ સરકારે નમતું જોખ્યું, સંચાલકોની માંગ મુજબ કરાશે ફેરફાર

Updated: Jan 2nd, 2025


Google NewsGoogle News
પ્રિ-પ્રાઇમરી સ્કૂલના નિયમોને લઈ સરકારે નમતું જોખ્યું, સંચાલકોની માંગ મુજબ કરાશે ફેરફાર 1 - image
Image: Freepik

Gujarat Govt Will Change Pre Primary School Rules: ગુજરાત સરકાર દ્વારા પ્રિ-પ્રાઇમરી સ્કૂલોની નોંધણી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા હતાં. પરંતુ, આ નિયમો અત્યંત કડક હોવાથી પ્રિ-સ્કૂલ સંચાલકોએ વિરોધ નોંધાવ્યો હતો. ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રિ-સ્કૂલ ઍસોસિયેશન દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી સહિતના અધિકારીઓને રજૂઆત કરીને આ નિયમોમાં ફેરફાર કરવાની માંગ કરવામાં આવી છે. જોકે, હવે સરકારે તેમની રજૂઆતને ધ્યાને લઈ નિયમોમાં ફેરફાર કરવા માટે મૌખિક બાહેંધરી આપી છે. શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે શાળા સંચાલક મંડળ અને પ્રિ-પ્રાઈમરી સ્કૂલોના સંચાલક મંડળના પ્રતિનિધિઓ સાથે મળેલી બેઠકમાં આ નિયમોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે અને તેનો ટૂંકમાં અમલ પણ કરવામાં આવશે.

શિક્ષણ વિભાગે શાળા સંચાલકોની માંગનો કર્યો સ્વીકાર

રાજ્ય સરકારે અગાઉ રજૂ કરેલા નિયમોમાં ફરજિયાત 15 વર્ષનો રજિસ્ટર્ડ ભાડા કરાર, એજ્યુકેશન બીયુ પરમિશન, દર વર્ષે વર્ગદીઠ 5 હજાર રજિસ્ટ્રેશન ફી, ટ્રસ્ટ કે સંસ્થાનું રજિસ્ટ્રેશન કરાવવું સહિતના નિયમોનો સમાવેશ કર્યો હતો. જેની સામે શાળા સંચાલકોએ નારાજગી વ્યક્ત કરી વિરોધ નોંધાવ્યો હતો. જોકે, બુધવારે (1 જાન્યુઆરી) યોજાયેલી બેઠકમાં આ નિયમોને થોડા હળવા કરવામાં આવ્યા છે. શાળાના સંચાલકો દ્વારા જે ત્રણ માંગ કરવામાં આવી હતી તેનો શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ વડોદરાના અકોટામાં સતત ચોથી વાર એક જ જગ્યા પર ભુવો પડ્યો : આરોપીઓની જેમ અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોનો વરઘોડો કાઢવા માગ

આ નિયમમાં મળી રાહત

  1. 15 વર્ષના રજિસ્ટર્ડ ભાડા કરારની બદલે 5 વર્ષનો નોટરાઇઝ ભાડા કરાર કરવાનો રહેશે.
  2. વર્ગદીઠ 5 હજાર ભરવાની બદલે આખી શાળા માટે 10 હજારની ફી રજિસ્ટ્રેશન પેટે ભરવાની રહેશે.
  3. પ્રિ-પ્રાઇમરી સ્કૂલના રજિસ્ટ્રેશન સમય મર્યાદા ફેબ્રુઆરીને બદલે 6 મહિના સુધી વધારવામાં આવી.

આ પણ વાંચોઃ 'અમારે તો બનાસકાંઠામાં જ રહેવું છે...' ધાનેરા, કાંકરેજ, દિયોદરમાં ઉગ્ર દેખાવો, બજારો બંધ

શાળા સંચાલકોમાં સંતોષ

શાળાના સંચાલકો દ્વારા ઉપરોક્ત ત્રણ માંગને લઈને અલગ-અલગ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો હતો. હવે રાજ્ય સરકારે શાળાના આ પ્રશ્નોનું નિરાકરણ લાવી દીધું છે. આ નિર્ણયથી હવે શાળા સંચાલકોમાં પણ સંતોષ જોવા મળ્યો છે. નોંધનીય છે કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ નિયમોની સત્તાવાર જાહેરાત કરશે.


Google NewsGoogle News