Get The App

ગુજરાતના ગ્રામીણ ઘરો હવે બનશે ‘સ્માર્ટ હોમ્સ’, ફોરેનના ઘરો પણ લાગશે ફિક્કા

Updated: Jan 7th, 2025


Google NewsGoogle News
ગુજરાતના ગ્રામીણ ઘરો હવે બનશે ‘સ્માર્ટ હોમ્સ’, ફોરેનના ઘરો પણ લાગશે ફિક્કા 1 - image
Image: AI

Gujarat Smart Homes Project: ગુજરાત રાજ્ય સરકાર તરફથી ટૅક્નોલૉજીના મહત્તમ ઉપયોગ તેમજ જનસુખાકારી માટે ડિજિટલ ઇન્ડિયા અભિયાનની શરુઆત કરવામાં આવી હતી. જેને આગળ વધારતા હવે ગ્રામીણ વિસ્તારોના ઘરોને સ્માર્ટ હોમ્સમાં રૂપાંતરિત કરવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં સુશાસન દિવસ એટલે કે, 25 ડિસેમ્બરે 'હર ઘર કનેક્ટિવિટી(ફાઇબર ટુ ફેમિલિ)'ની પહેલની શરુઆત કરવામાં આવી હતી. આ પહેલ હેઠળ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતાં સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શન તેમજ અન્ય વેલ્યુ એડેડ સર્વિસિસ પૂરી પાડવામાં આવશે. 

હર ઘર કનેક્ટિવિટી હેઠળ કઈ સુવિધા મળશે? 

રાજ્યના વિજ્ઞાન અને ટૅક્નોલૉજી વિભાગ હેઠળ, ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) દ્વારા હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર-ટુ-ફેમિલિ) પહેલ શરુ કરવામાં આવી છે. આ પહેલ હેઠળ GFGNL દ્વારા, ગ્રામીણ વિસ્તારના ઘરોને સસ્તા અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ કનેક્શનની સાથે વેલ્યુ-એડેડ-સેવાઓ (VAS) જેવી કે વાઇ-ફાઇ, કેબલ TV (ફ્રી-ટુ-એર અને પેઇડ ચેનલ્સ), ઓ. ટી. ટી. (ઓવર-ધ-ટોપ ટેલિવિઝન) અને ગેમિંગનો આનંદ મળી રહે તે માટે વિવિધ એજન્સીઓ સાથે ભાગીદારી કરીને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂઆતમાં 25,000 FTTH (ફાઈબર-ટુ-હોમ) જોડાણ આપવામાં આવશે. ત્યારબાદ, ભવિષ્યમાં આ જોડાણો વધારવામાં આવશે અને વધુ ને વધુ ગ્રામ્ય વિસ્તારના ઘરોને તેનો લાભ આપવામાં આવશે. 

આ પણ વાંચોઃ સુરત પાલિકા ત્રીજા અને ચોથા વર્ગના કર્મચારી માટે 1.20 કરોડના ખર્ચે સ્વેટર તો ખરીદશે પણ કર્મચારીઓને ઉનાળામાં મળશે

ઇ-એજ્યુકેશનથી માંડીને ઇ-હેલ્થ સહિતની સેવાઓનો મળશે લાભ

આ સિવાય ગ્રામ્ય વિસ્તારોના ઘરોને ટેલિવિઝન મનોરંજન, યુટિલિટી બિલોની ચૂકવણી, ડિજિટલ સર્વિસ સ્ટેક, ગવર્મેન્ટ ટુ સિટિઝન્સ (G2C) જેવી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમજ, ઓનલાઈન એજ્યુકેશન (ઇ-એજ્યુકેશન), કૃષિ કે ખેતીવાડી માટે IoT સોલ્યુશન્સ, ઇ-એગ્રીકલ્ચર, પશુપાલન સંલગ્ન માહિતી પ્રસારણ, આરોગ્ય માટે ઇ-હેલ્થ અને ટેલિ-મેડિસિન્સ જેવી સેવાઓ પણ મળશે. આ પહેલ દ્વારા ગ્રામીણ ઘરોને ડિજિટલી સશક્ત બનાવીને ‘સ્માર્ટ હોમ્સ’માં રૂપાંતરિત કરવામાં આવશે. આ પહેલ શહેરી-ગ્રામીણ ડિજિટલ અંતરને દૂર કરશે તેમજ ગુજરાતના ગ્રામીણ નાગરિકોને શહેરી વિસ્તારને સમકક્ષ સેવા, લાભો અને તકો આપવામાં આવશે.

25 ડિસેમ્બરે શરુ કરાઈ આ ચાર પહેલ

રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં સુલભ ડિજિટલ કનેક્ટિવિટી પ્રદાન કરવાના ઉદ્દેશથી ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટૅક્નોલૉજી વિભાગ હેઠળના ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ (GFGNL) દ્વારા ચાર નવી પરિવર્તનકારી પહેલ ગત મહિને 25 ડિસેમ્બરે શરુ કરવામાં આવી હતી. આ પહેલમાં હર ઘર કનેક્ટિવિટી (ફાઇબર-ટુ-ફેમિલી) પહેલ ઉપરાંત, ગ્રામ્ય કક્ષાએ કનેક્ટિવિટી - ફાઇબર ટુ ફિલ્ડ ઑફિસ પહેલ, ફાઇબર-ટુ-ફાર ફ્લંગ ટાવર્સ’ પહેલ, તેમજ શહેરી કક્ષાએ કનેક્ટિવિટીની પહેલનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ, રાજ્યના ગ્રામ્ય પ્રજાજનોને સરળતાથી ડિજિટલ કનેક્ટિવિટી મળે તે હેતુથી ગ્રામીણ સરકારી કચેરીઓને ભારતનેટ નેટવર્ક થકી રાજ્યના પાટનગર ગાંધીનગર સાથે જોડવામાં આવશે, જે ઇ-ગવર્નન્સને વધુ મજબૂત બનાવશે. આ ઉપરાંત, GFGNL શહેરી વિસ્તારોમાં પણ સરકારી કચેરીઓ માટે ઝડપી કનેક્ટિવિટી પ્રદાન કરશે.

આ પણ વાંચોઃ વડોદરાના તાંદલજામાં પાણીની સમસ્યા મુદ્દે હોબાળો છ માસથી પીવાનું પાણી મળતું નહિ હોવાના આક્ષેપ

DoT દ્વારા પસંદ કરાયેલું ગુજરાત પહેલું રાજ્ય

ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્ય સ્ટેટ લેડ મોડેલ અંતર્ગત ભારત નેટ ફેઝ-3 (અમેન્ડેડ ભારતનેટ પ્રોગ્રામ) માટે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશન (DoT) દ્વારા પસંદ કરવામાં આવેલું પહેલું રાજ્ય છે, જે હેઠળ મેમોરેન્ડમ ઑફ કો-ઓપરેશન (MoC) પર કેન્દ્ર સરકાર સાથે સમજૂતી કરાર થયેલો છે. ગુજરાત રાજ્ય ભારત નેટ ફેઝ-2 પ્રોજેક્ટ માળખા તેમજ ઉપયોગિતામાં અગ્રેસર રહે છે. તેમજ ભારત નેટ ફેઝ-3માં પણ અગ્રેસર રહેવા માટે કટિબદ્ધ છે.

રાજ્ય સરકાર આગામી સમયમાં કનેક્ટેડ ગવર્મેન્ટ, કનેક્ટેડ સિટિઝન્સ, કનેક્ટેડ કોમ્યુનિટી અને કનેક્ટેડ બિઝનેસનો લક્ષ્યાંક સાકાર કરશે. ગ્રામીણ સમુદાયોના સશક્તિકરણના આ પ્રયાસોથી ડિજિટલ ગુજરાતને વેગ મળશે.



Google NewsGoogle News