Get The App

VIDEO: 'ત્રણ દિવસથી ધક્કા ખાઉ છું...' સંતાનોનું આધાર કાર્ડ લિંક કરાવવું વાલીઓ માટે લોઢાના ચણા ચાવવા સમાન

Updated: Oct 27th, 2024


Google NewsGoogle News
adharcard link issue video viral


Parents Harassment video viral : ગુજરાતમાં આધાર કાર્ડ, રેશનકાર્ડ, જન્મ તારીખના દાખલા, આવકના દાખલા સહિતના કામો ક્યારેય એક દિવસમાં નીકળી શકતા નથી. સરકારી કચેરીએ આવતા લોકોને વારંવાર ધક્કા ખાવા પડતા હોય છે. તેની પાછળનું કારણ ટેકનિકલ ઈશ્યુ અને કર્મચારી-અધિકારીઓની કામચોરી જવાબદાર છે. ત્યારે હાલ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ મેળવવા માટે નવા નિયમો બનાવવામાં આવ્યા છે. જેમાં E-KYC માટેની પ્રક્રિયા પણ ખૂબ જ જટિલ છે. ત્યારે આધાર કાર્ડ કઢાવવા માટે આવેલા વાલીઓ અને વિદ્યાર્થીઓનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં તેઓ પોતાને થતી હેરાનગતિ અંગે વાત કરી રહ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા શિષ્યવૃત્તિ માટે કેટલાક નવા નિયમો લાગુ કરાયા છે. હવે શિષ્યવૃત્તિ મેળવવા માટે સૌથી પહેલા વિદ્યાર્થીનું બેંક ખાતું, આધાર કાર્ડ અને રેશનકાર્ડમાં નામ હોવું ફરજિયાત છે. આ સાથે વિદ્યાર્થીના રેશનકાર્ડને આધાર કાર્ડ અને બેંક ખાતા સાથે લિંક કરવું પણ ફરજિયાત છે. ત્યારે આ નિયમ મુજબ, જો વિદ્યાર્થીનું નામ રેશનકાર્ડમાં નથી, તો તેમને રેશનકાર્ડમાં નામ એડ કરાવવું પડશે. જો રેશનકાર્ડ નથી તો નવું રેશનકાર્ડ કઢાવવું પડશે.

આ પક્રિયા પૂર્ણ ન થાય તો શિષ્યવૃત્તિ મળી શકતી નથી. ત્યારે હવે વિદ્યાર્થી અને વાલીને આધાર કાર્ડ કઢાવવા માટે અનેક ધક્કા ખાવા પડે છે, વહેલી સવારથી લાઈનમાં ઊભા રહ્યા બાદ પણ અનેક દિવસો સુધી આધાર કાર્ડ નીકળી શકતું નથી. બીજી તરફ બેંકો દ્વારા બેંક ખાતુ ખોલી આપવામાં આવતું નથી. ઘણા પ્રયત્નો બાદ વિદ્યાર્થી 5 હજાર જેટલી રકમ બેંકમાં જમા રાખે ત્યારે ખાતુ ખોલી આપવામાં આવે છે.

આ પણ વાંચો : સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ મેળવવી લોઢાના ચણા ચાવવા સમાન, અઘરી પ્રોસેસથી કંટાળ્યા વાલીઓ

હું ત્રણ દિવસથી ધક્કા ખાઉં છું : વાલી

વાયરલ થયેલા વીડિયોમાં એક વિદ્યાર્થીના વાલી કહી રહ્યા છે કે, 'અમે ત્રણ દિવસથી કેટલા હેરાન થઈએ છીએ. ત્રણ દિવસથી અમારા છોકરાની નિશાળ-ટ્યુશન બગડે છે. આધાર કાર્ડનો નંબર લિંક કરાવવા આવ્યા છીએ. સાહેબ કહે છે કે અત્યારે લિંક કરાવી આવો. એસટી બસમાં 25 રૂપિયા ભાડું થાય છે. છોકરાને લઈને ત્રણ દિવસથી હું ધક્કા ખાઉ છું. ફોર્મ પૂરા થઈ જાય એટલે કહે બંધ થઈ ગયું. 50 જ ફોર્મ હોય છે, એવું કહે છે.'

જ્યારે અન્ય એક મહિલા કહી રહી છે કે, 'સવારે છ વાગ્યાના આવીને ઉભા છીએ. તોય ટોકન ના મળે. તો કેય ટોકન નથી નીકળતું. નિશાળમાં ટોકન માગે તો શું કરવાનું. આધાર કાર્ડ વગર નિશાળમાં લેતા નથી. શું કરવાનું આધાર કાર્ડ વગર.'

આ પણ વાંચો : રાજુલા તાલુકાના 72 ગામોના નાગરિકો આધાર કાર્ડથી વંચિત

વિદ્યાર્થીઓને કેટલી મળે છે શિષ્યવૃત્તિ?

સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં ધો. 1થી 5ના વિદ્યાર્થીઓને 1650 રૂપિયા અને ધો. 6થી 8ના વિદ્યાર્થીઓને 1950 રૂપિયા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. જેની ડિજિટલ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવાની હોય છે, પરંતુ આ શિષ્યવૃત્તિ મેળવવી એ લોઢાના ચણા ચાવવા જેવું અઘરું કામ થઈ ગયું છે.


Google NewsGoogle News