સ્કૂલ પ્રવાસની નવી ગાઇડલાઇનમાં બુદ્ધિનું પ્રદર્શન, ભૂકંપની આગાહી જોઈને કાર્યક્રમ નક્કી કરવાની શરત
Image: Freepik |
Gujarat School Tour Guideline: હરણીકાંડ બાદથી ગુજરાત સરકારે શાળા પ્રવાસ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. ત્યારથી શાળામાંથી બાળકોના પ્રવાસ આયોજનને મંજૂરી આપવામાં આવતી ન હતી. જોકે, ગુરુવારે (24 ઑક્ટોબર) રાજ્ય સરકાર દ્વારા નવી ગાઇડલાઇન જાહેર કરી શાળામાં પ્રવાસ માટેની મંજૂરી આપવામાં આવી છે. જેમાં શાળાએ પ્રવાસ દરમિયાન કઈ-કઈ વાતની કાળજી રાખવી તે વિશે પણ માહિતી આપવામાં આવી છે. જો કે, આ ગાઇડલાઇનમાં જણાવેલી એક શરત અચરજ પમાડે તેવી છે.
એક સૂચન એવું છે કે ધરતીકંપની આગાહીને ધ્યાનમાં લઈ પ્રવાસનું આયોજન કરવું. પરંતુ, ભારત કે ગુજરાત પાસે એવી કોઈ સિસ્ટમ નથી જેનાથી ધરતીકંપની આગાહી કરી શકાય. ત્યારે પ્રશ્ન થાય કે, રાજ્ય સરકારે ગાઇડલાઇનમાં ધરતીકંપની આગાહીનો ઉલ્લેખ કેમ કર્યો? પ્રવાસ દરમિયાન જો ધરતીકંપ આવે અને જાનહાનિની કોઈ ઘટના બને તો તેના માટે શાળા જ જવાબદાર રહેશે? ધરતીકંપ માટે હવામાન જેવી કોઈ આગાહી કરવાની સિસ્ટમ જ નથી તો આ ગાઇડલાઇનનો શો અર્થ સમજવો તે પણ એક પ્રશ્ન છે. ત્યારે એવો પણ સવાલ થઈ રહ્યો છે કે, શું ગાઇડલાઇન જાહેર કરવામાં સરકારે ઉતાવળ કરી છે?
આ પણ વાંચોઃ હરણીકાંડ બાદ સરકારનો મોટો નિર્ણય: શાળા પ્રવાસ માટે નવી ગાઇડલાઇન જાહેર, વાલીઓ જરૂર વાંચે
વાંચ્યા વિના જ જાહેર કરી દીધી ગાઇડલાઇન?
નોંધનીય છે કે, શિક્ષણ વિભાગે બે દિવસ પહેલાં જ ગાઇડલાઇન સરકારને સોંપી દીધી હતી, જેમાં સુધારો-વધારો કરી સરકારે જાહેરાત કરવાની હતી. ત્યારે આ ભૂલ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવી છે કે, રાજ્ય સરકાર દ્વારા તે પણ ચર્ચાનો વિષય છે. તેમજ જો શિક્ષણ વિભાગે ભૂલ કરી હોય તો રાજ્ય સરકાર દ્વારા આ ગાઇડલાઈન જાહેર થયા બાદ વાંચવાની પણ તસ્દી નથી લીધી તેવો પણ સવાલ થાય છે.
ભૂકંપ કેવી રીતે આવે છે?
પૃથ્વીની અંદર કુલ સાત પ્લેટ છે. જે હંમેશા કાર્ય કરતી રહે છે. જ્યાં આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે તેને ફોલ્ટ ઝોન કહેવામાં આવે છે. જ્યારે આ પ્લેટો અથડાય છે, ત્યારે ઊર્જા બહાર નીકળવાનો પ્રયત્ન કરે છે. આનાથી હિલચાલ થાય છે જે ભૂકંપ બની જાય છે. ભૂકંપનું કેન્દ્ર સપાટીથી જેટલું નજીક હોય તેટલી વધુ તબાહી સર્જાતી હોય છે. જો ભૂકંપની તીવ્રતા 0થી 1.9 રિક્ટર હોય તો તેનો અનુભવ થતો નથી. તેની જાણકારી સિસ્મોગ્રાફ દ્વારા મેળવવામાં આવે છે. બીજી તરફ 2થી 2.9 રિક્ટર પર હળવી ધ્રુજારીનો અનુભવ થાય છે. આ સિવાય તેની તીવ્રતા જો 3થી 3.9 હોય તો થોડા વધારે આંચકા અનુભવાય છે. આ ઉપરાંત 4થી 4.9 રિક્ટર હોય તો બારીઓ તૂટી શકે છે જ્યારે 5થી 5.9 રિક્ટર પર સામાન અને પંખા હલવા લાગે છે. જ્યારે ભૂકંપની તીવ્રતા 6થી 6.9 હોય ત્યારે ઘરના પાયામાં તિરાડો પડી શકે છે અને જ્યારે તેની તીવ્રતા 7થી 7.9 હોય ત્યારે મકાનો પડી જાય છે અને ઘણો વિનાશ થઈ શકે છે. અને જો 8થી 8.9ની તીવ્રતાનો ભૂકંપ આવે તો સુનામીનો ભય રહે છે. જો ભૂકંપની તીવ્રતા 9 હોય તો ત્યારે પૃથ્વી હલતી હોય તેવી નજર આવે છે.
વિજ્ઞાન ધરતીકંપની આગાહી કરી શકતું નથી
નોંધનીય છે કે, હજુ સુધી વિજ્ઞાન વાવાઝોડા અને ઠંડી-ગરમીના મોજાની જેમ ધરતીકંપની નિશ્ચિત આગાહી કરી શકતું નથી. વૈજ્ઞાનિક અભિપ્રાય સ્પષ્ટ કરે છે કે, ધરતીકંપની આગાહી શક્ય જ નથી. વૈજ્ઞાનિકો એટલું ભાખી શકે છે કે, કયા વિસ્તારમાં ભૂકંપ આવી શકે છે, પરંતુ ક્યારે અને કેટલાં રિક્ટર સ્કેલ પર કેટલો શક્તિશાળી ભૂકંપ આવશે તેની અગાઉથી માહિતી મેળવવી શક્ય નથી. જોકે, ઘણાં એવા રિસર્ચ સામે આવ્યા છે, જે ધરતીકંપની આગાહીનો દાવો કરે છે, પરંતુ વૈજ્ઞાનિક રીતે સાબિત કરી શક્યા નથી.