Get The App

ગુજરાતના પશુપાલકો માટે ગૂડ ન્યૂઝ, પ્રતિ પશુ 100 રૂ. પ્રીમિયમ ભરી વીમાથી સુરક્ષિત કરો

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
ગુજરાતના પશુપાલકો માટે ગૂડ ન્યૂઝ, પ્રતિ પશુ 100 રૂ. પ્રીમિયમ ભરી વીમાથી સુરક્ષિત કરો 1 - image
પ્રતિકાત્મક તસવીર

Gujarat News: ગુજરાતનો પશુપાલક હવે માત્ર 100 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુને વીમા કવચથી સુરક્ષિત કરી શકશે. રાજ્ય સરકારે નવી પશુધન વીમા સહાય યોજનાનો અમલ શરૂ કર્યો છે. રાજ્યના ખેડૂતો 14મી નવેમ્બરથી એક મહિના સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર તેનો લાભ લઈ શકશે. 

પશુપાલન મંત્રીએ આપી જાણકારી

રાજ્યના કૃષિ કલ્યાણ અને પશુપાલન મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રથમ તબક્કે આ યોજના હેઠળ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના 50 હજારથી વધુ પશુપાલકોને આવરી લેવાનું આયોજન છે. પ્રતિ પશુપાલક એકથી ત્રણ વેતરના હોય તેવા ગાય-ભેંસ સંવર્ગના મહત્તમ ત્રણ પશુઓ માટે સહાય મેળવી શકશે. કેન્દ્ર સરકારના નેશનલ લાઈવસ્ટોક મિશન હેઠળ પણ પશુપાલકોને વીમા પ્રીમિયમમાં સબસીડી ચૂકવવામાં આવે છે.

આ પણ વાંચોઃ સ્લમ અપગ્રેડેશન પોલીસી અંતર્ગત નવા વાડજમાં ૩૩ KV સબ સ્ટેશન બનાવવા જગ્યા ફળવાશે

23 કરોડના બજેટની જોગવાઈ

કેન્દ્રની સબસીડી બાદ થતા પશુપાલકોના ભાગે આવતી વીમા પ્રીમિયમની શેષ રકમમાં ઘટાડો કરી વધુ સહાય પૂરી પાડવા આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. જેના માટે સરકારે ચાલુ વર્ષે 23 કરોડની બજેટ જોગવાઈ સાથે આ યોજનાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચોઃ હનીટ્રેપ : યુવતીએ મદદ કરનારનું નામ કબૂલ્યું, ઝડપી લેવા પોલીસે ટીમ બનાવી

વીમા કંપની સાથે કરાયો કરાર

આ અંગે ગુજરાત પશુધન વિકાસ બોર્ડ અને ICICI લોમ્બાર્ડ જનરલ ઈન્સ્યોરન્સ કંપની લિમિટેડ વચ્ચે સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. વીમા યોજનાનો લાભ મેળવવા ઈચ્છુક પશુપાલકો ઓનલાઈન અરજી કરી શકે તે માટે 14મી નવેમ્બરથી એક મહિના સુધી આઈ-ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. અરજી કરી હોય તેવા પસંદ થયેલા લાભાર્થીને લાભ અપાશે. આ યોજનાનો લાભ મેળવી પશુપાલક વીમા કંપનીને પ્રતિ પશુ 100 રૂપિયા પ્રીમિયમ ચૂકવીને પોતાના પશુઓને વીમાથી સુરક્ષિત કરી શકશે. જ્યારે, બાકીની શેષ પ્રીમિયમની રકમ સબસીડી પેટે સરકાર દ્વારા વીમા કંપનીને ચૂકવવામાં આવશે. ભવિષ્યમાં ક્લેઇમ રજૂ કરવા સમયે પશુપાલકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પશુપાલકે વીમા કંપનીના પ્રતિનિધિ પાસેથી પ્રીમિયમ ચૂકવ્યાની પહોંચ અથવા પોલિસીની નકલ મેળવી લેવાની રહેશે.


Google NewsGoogle News