Get The App

ગુજરાતમાં ફેસ્ટિવલની ભરમાર, પણ પ્રજાની ફેસિલિટીનું શું? સુરતમાં બીચ ફેસ્ટિવલ માટે સરકાર આપશે રૂપિયા 50 લાખ

Updated: Nov 5th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં ફેસ્ટિવલની ભરમાર, પણ પ્રજાની ફેસિલિટીનું શું? સુરતમાં બીચ ફેસ્ટિવલ માટે સરકાર આપશે રૂપિયા 50 લાખ 1 - image


Surat Suvali Beach Festival: એક તરફ રાજ્યની પ્રજા વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે અને સરકાર લોકોની સમસ્યાઓને દૂર કરવાને બદલે જાતજાતના ફેસ્ટિવલના આયોજનોમાં વ્યસ્ત છે. સિઝન ગમે તે હોય પણ રાજ્યમાં ઠેક-ઠેકાણે મસ મોટા તાયફાઓ કરી ફેસ્ટિવલની ઉજવણીના આયોજનો કરવામાં આવે છે. એવું લાગી રહ્યું છે કે, આવી રીતે સતત લોકોનું મૂળભૂત સમસ્યાઓથી ધ્યાન ભટકાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. આ તમામ વચ્ચે સુરત શહેરમાં વધુ એક ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. જેના માટે સરકાર 50 લાખ રૂપિયા પણ ફાળવશે.

ફેસ્ટિવલ માટે સરકાર પાસે માગી ગ્રાન્ટ?

સુરતની મહાનગરપાલિકા, SUDA, ચેમ્બર ઑફ કોમર્સ જેવી અનેક સંસ્થાઓ, ઉદ્યોગપતિઓ અને નેતાઓ ઘણા સદ્ધર છે. તો પછી સુવાલી બીચ ફેસ્ટિવલ જેવી ઉજવણી માટે સરકારે 50 લાખ રૂપિયા આપવાની જરૂર કેમ પડે તે પણ એક મોટો સવાલ છે. શું સરકાર એ નાણાંનો ઉપયોગ સુરતની પ્રજા માટેના મહત્ત્વના કાર્ય માટે ન કરી શકે? 

આ પણ વાંચોઃ વર્ષના એન્ડમાં સુરતના સુવાલી ખાતે બીચ ફેસ્ટિવલ યોજાશે

ગુજરાતમાં ફેસ્ટિવલની ભરમાર

રાજ્યમાં કાઈટ ફેસ્ટિવલ, ફ્લાવર શો, શોપિંગ ફેસ્ટિવલ જેવા ઉત્સવો યોજાય છે. આવા આયોજનોથી નાના વેપારીઓને રોજગારી મળશે તેવા દાવા પણ કરવામાં આવે છે. પરંતુ, હકીકતમાં આવું કંઈ ખાસ થતું જોવા નથી મળતું. તેનાથી વિપરિત આવા ફેસ્ટિવલમાં જઈને લોકોના ખિસ્સા ખાલી થઈ જાય છે અને સરકાર ખાલી વાહવાહી લૂંટે છે. 

ક્યારે યોજાશે સુવાલી બીચ ફેસ્ટિવલ?

આ વર્ષના અંતે સુરતમાં સુવાલી બીચ ફેસ્ટિવલ યોજવામાં આવશે. બીચ પર બે દિવસ માટે રંગારંગ કાર્યક્રમ યોજાશે. ચોર્યાસીના ધારાસભ્ય સંદીપ દેસાઈએ આ અંગે જાહેરાત કરી છે. ધારાસભ્ય સંદીપ દેસાઈનું કહેવું છે કે, 'મેં સરકારને અગાઉથી રજૂઆત કરી હતી. જેથી પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ 50 લાખ રૂપિયા ફાળવવાની જાહેરાત કરી છે. ગયા વખતે ઉનાળામાં ફેસ્ટિવલ યોજાયો હતો. આ વર્ષે શિયાળામાં આ ફેસ્ટિવલ યોજાશે. ફેસ્ટિવલ માટેની ગ્રાન્ટ પહેલાં મેળવી ડિસેમ્બરની 15 થી 30 વચ્ચે બે દિવસના ફેસ્ટિવલનું આયોજન કરાયું છે. આ પહેલાં આ વર્ષની 24-25 ફેબ્રુઆરી સુવાલી બીચ ફેસ્ટિવલ યોજાયો હતો. જેમાં વિવિધ એક્ટિવિટી, ડાયરો સહિતના કાર્યક્રમો યોજાયા હતા. 80 હજાર લોકો દોઢ દિવસમાં ઉમટ્યા હતાં'


આ પણ વાંચોઃ લ્યો બોલો પાલિકાના નવસારી બજારમાં ચાર્જિંગ સ્ટેશન બન્યું પાર્ટી પ્લોટ, ભોજન સમારંભ યોજાયો

10 કરોડ રૂપિયામાં કરાશે સુવાલી બીચનો વિકાસ

સુરતના સુવાલી બીચના વિકાસ માટે સરકારે દસ કરોડ રૂપિયા મંજૂર કર્યાં છે. જે હેઠળ સાત કરોડના ખર્ચે રોડ સહિતની સુવિધા ઉભી કરવાનું આયોજન છે. ધારાસભ્ય દેસાઈના જણાવ્યા અનુસાર, ત્રણ વર્ષમાં આ પ્રોજેક્ટ પૂરો કરવામાં આવશે.

સુરતની મુખ્ય સમસ્યાઓ

સુરતમાં વર્ષોથી દર ચોમાસામાં ખાડી પૂરથી ભારે તારાજી સર્જાય છે. તો કેટલાંક વિસ્તારમાં પાણી ભરાવાની કાયમી સમસ્યા પણ છે. જેના કારણે લોકોને ભારે નુકસાન થાય છે. છતાં આ સમસ્યાનો કોઈ ઠોસ ઉકેલ લવાતો નથી. સુરતને ભલે બ્રિજ સિટી કહેવાતી હોય, પરંતુ ટ્રાફિકની સમસ્યા વિકરાળ છે. જેના માટે પ્રશાસન કેમ કઈ કરતું નથી? હીરા ઉદ્યોગમાં હાલ મંદીનો માહોલ છે, જેના કારણે અવાર-નવાર લોકો આપઘાત કરવા મજબૂર બન્યા હોવાના કિસ્સા વારંવાર પ્રકાશમાં આવે છે. આવી અનેક સમસ્યા છે તેના પર ધ્યાન આપવાને બદલે સરકાર અને તેનું તંત્ર વિવિધ ઉજવણીઓ કરવામાં જ વ્યસ્ત રહે છે. 

ભાષણોમાં કે સોશિયલ મીડિયા પર લાગણીશીલ કે સંવેદનશીલ સરકાર હોવાના દાવા કરવાથી કંઈ ન થાય. સરકારે, તેમના નેતાઓએ, જનતાના પ્રતિનિધિએ સાચા અર્થમાં લાગણી અને સંવેદના પ્રજા પ્રત્યે બતાવવી પડે. તો જ જનતાના મનને જીતી શકાય. અને જો સરકાર હજુ પણ નહીં જાગે અને ફેસ્ટિવલના તાયફાઓમાં જ વ્યસ્ત રહેશે, કે તેની પાછળ જ રૂપિયા ખર્ચતી રહેશે તો આગામી ચૂંટણીમાં કદાચ ભાજપ 'અબકી બાર..' વાળા સૂત્રનો પણ ઉપયોગ નહીં કરી શકે.


Google NewsGoogle News