લાભ પાંચમથી પાંચ પાકોની ટેકાના ભાવે રાજ્ય સરકાર કરશે ખરીદી, બોનસની પણ જાહેરાત
Purchase Crops At Support Price : રાજ્યના નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ માર્કેટીંગ સીઝન 2024-25 માં લઘુતમ ટેકાના ભાવની જાહેરાત કરી છે. જેમાં આગામી લાભ પાંચમથી સરકાર ટેકાના ભાવે ખેડૂતોના પાકની ખરીદી કરશે.
આ દિવસોમાં ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતોએ ટેકાના ભાવ માટે ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. જેમાં આગામી 6 નવેમ્બરથી 15 જાન્યુઆરી 2025 સુધી ટેકાના ભાવે ખરીદી થશે. નોંધણી કરવા માટે સ્થાનિક ગ્રામ્ય કક્ષાએ VCE અને તાલુકા કક્ષાએ નિગમના ગોડાઉન ખાતે 31 ઓક્ટોબર 2024 સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રીક ઓથેન્ટીફિકેશન આધારે કરાશે. જેમાં ડાંગર, બાજરી, જુવાર, રાગી અને મકાઇની સીધી ખરીદી કરવાની સાથે બાજરી, જુવાર તથા રાગીમાં ટેકાના ભાવ સહિત રાજ્ય સરકાર દ્વારા પ્રતિ ક્વિન્ટલના 300 રૂપિયા બોનસ આપવામાં આવશે.
નોંધણી માટે આવશ્યક છે આટલા ડોક્યુમેન્ટ
ટેકાના ભાવે પાકનું વેચાણ કરવા માટે ખેડૂતોએ આધાર કાર્ડ, 7-12, 8-અ, વાવણીના ડોક્યુમેન્ટ, બેંક પાસબુક/કેન્સલ ચેક સહિતના પુરાવા ઓનલાઈ નોંધણી વખતે આવશ્યક રહેશે. જેમાં નોંધણી કરાયેલા ખેડૂતોને ટેકાના ભાવે ખરીદીને લઈને SMSના માધ્યમથી જાણકારી આપવામાં આવશે. જ્યારે ખેડૂતોના બાયોમેટ્રિક ઓથેન્ટીફિકેશન થકી જથ્થાની ખરીદી થશે.
જો ટેકાના ભાવે પાકની ખરીદી માટે ઓનલાઈન નોંધણી કરાવતી વખતે ખોટા કે અયોગ્ય ડોક્યુમેન્ટ દર્શાવવામાં આવ્યા હશે તો ખેડૂતની અરજી કેન્સલ કરવામાં આવશે. નોંધણીને લગતી વધુ જાણકારી માટે 8511171718/19 હેલ્પલાઈન નંબર જાહેર કર્યો.