ગુજરાત સરકારે પ્લેન અને હેલિકોપ્ટરની સારસંભાળ પાછળ રૂ.58.51 કરોડનો ધુમાડો કર્યો
અમદાવાદ,તા.20 ફેબ્રુઆરી 2024,મંગળવાર
ગુજરાત સરકારના હેલિકોપ્ટર અને પાયલોટના મુદ્દે વિવાદ સામે આવ્યો હતો. ગુજસેલના અણઘડ વહીવટને કારણે કેટલીય વાર મુખ્યમંત્રી અને રાજ્યપાલને સમયસર હેલિકોપ્ટર સેવા મળી શકી નહી પરિણામે તેમને કાર પ્રવાસ કરવો પડયો હતો. દસ વર્ષ જુનુ હેલિકોપ્ટર અને પાયલોટના ધાંધિયા હોવા છતાંય સરકારે પ્લેન-હેલિકોપ્ટરની સારસંભાળ પાછળ ખર્ચ કરવામાં જરાય કસર છોડી નથી. બે વર્ષમાં પ્લેન-હેલિકોપ્ટરની સંભાળ પાછળ સરકારે રૂા.58.51 કરોડ જેટલી માતબર રકમનો ખર્ચ કર્યો છે.
રૂા.197 કરોડમાં ખરીદાયેલાં પ્લેનના મેન્ટેઇનન્સ પાછળ રૂ.19 કરોડ ખર્ચાયા, હવે નવું હેલિકોપ્ટર ખરીદવા તૈયારી
ગુજરાત સરકારે વર્ષ 2019માં રૂા.197 કરોડના ખર્ચે બોમ્બાર્ડિયર ચેલેન્જર-604 પ્લેનની ખરીદી કરી હતી. સરકારે જ ગૃહમાં માહિતી આપી છેકે, વર્ષ 2022માં આ પ્લેનના સારસંભાળ પાછળ રૂા.1,81,13,099 અને વર્ષ 2023માં 98,52,726 ખર્ચાયા હતાં જયારે વર્ષ 2022માં અન્ય ખર્ચ પેટે રૂા.8,94,86,067 અને વર્ષ 2023માં રૂા.7,31,63,674નો ખર્ચ કરાયો હતો. સરકારની માલિકીના પ્લેનની સંભાળ માટે બે વર્ષમાં કુલ મળીને રૂા.19.06 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અને રાજ્યપાલ આ પ્લેનમાં પ્રવાસ કરી રહ્યા છે ત્યારે ગુજરાતમાં બધાય સ્થળોએ એર સ્ટ્રીપ નથી પરિણામે બધાય સ્થળોએ પ્લેન લઇ જઇ શકાતુ નથી. આ કારણોસર હેલિકોપ્ટરનો વપરાશ વધુ છે.
સરકારે એ વાતનો ય ખુલાસો કર્યો છેકે, સરકારની માલિકીના પ્લેન-હેલિકોપ્ટરની સંભાળ,પાયલોટ-સ્ટાફનો પગાર, એરપોર્ટ પર પાર્કિંગભાડુ અને ફયુઅલ પાછળ બે વર્ષમાં કુલ મળીને રૂા.58,51,20,504નો ખર્ચ કરવામાં આવ્યો હતો. મહત્વની વાત એછેકે, એ સવાલ પૂછવામાં આવ્યો કે, કઇ એજન્સીને પ્લેન-હેલિકોપ્ટરની સંભાળ માટે નાણાં ચૂકવાયા છે તો સરકારે સુરક્ષાના બહારના હેઠળ જવાબ આપવાનુ ટાળ્યુ છે.
અગાઉ ગુજસેલે દિલ્હીની ખાનગી કંપનીનુ જુનુ હેલિકોપ્ટર રાખ્યુ હતું જેનો ઘટસ્ફોટ થયો હતો. આમ છતાંય સરકારે આ હેલિકોપ્ટર પાછળ ખર્ચ કરવામાં કસર રાખી નથી. હવે જયારે હેલિકોપ્ટર અને પાયલોટના ધાંધિયા થયા છે ત્યારે બજેટ સત્ર પછી સરકાર નવુ હેલિકોપ્ટર ખરીદવાની વેતરણમાં છે.