Get The App

ગુજરાત સરકારનું મોટું ફરમાન, ટોચના અધિકારીઓએ ચિંતન શિબિરમાં ફરજિયાત હાજર રહેવું પડશે

Updated: Nov 10th, 2024


Google NewsGoogle News
ગુજરાત સરકારનું મોટું ફરમાન, ટોચના અધિકારીઓએ ચિંતન શિબિરમાં ફરજિયાત હાજર રહેવું પડશે 1 - image


Gujarat Government Order for Top officer | ગુજરાત સરકારે તેની 11મું ચિંતન શિબિર 21થી 23 નવેમ્બરે યાત્રાધામ સોમનાથમાં રાખ્યું છે. આ વખતે શિબિર ફરજિયાત બનાવી દેવામાં આવી હોવાથી જેમના નામ છે તેમણે ઉપસ્થિત રહેવું પડશે. તેમના વતી બીજા કોઇ પ્રતિનિધિ ભાગ લઇ શકશે નહીં. એટલું જ નહીં, અનિવાર્ય સંજોગોમાં જે તે અધિકારીએ રાજ્યના ચીફ સેક્રેટરીની પૂર્વ મંજૂરી લેવાની રહેશે.

રાજ્યના સામાન્ય વહીવટ વિભાગે ચિંતન શિબિરનો કાર્યક્રમ જાહેર કર્યો છે અને ઉપસ્થિત રહેનારા મહાનુભાવોની યાદી પણ બહાર પાડી છે, જેમાં કેબિનેટના તમામ સભ્યો, સચિવાલયના વિભાગો તેમજ બોર્ડ-નિગમના વડાઓ, મ્યુનિસિપલ કમિશરો, જિલ્લા કલેક્ટરો તેમજ જિલ્લા વિકાસ અધિકારીઓ સહિતના વર્ગના 200થી વધારે નામ દાખલ કરવામાં આવેલા છે.

આ શિબિરમાં મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર અને શિબિરના પ્રેરણાદાતા હસમુખ અઢિયા તેમજ સલાહકાર એસ.એસ.રાઠોડને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. એ ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયના ત્રણ આઇએએસ અધિકારી પંકજ જોષી, મનોજકુમાર દાસ અને અવંતિકા સિંઘ ઉપરાંત ઓએસડી ડી.કે.પારેખને પણ સામેલ કરવામાં આવ્યા છે. ઉચ્ચ અધિકારીઓમાં મુખ્યસચિવ ઉપરાંત વિભાગના તમામ વડાઓ અને આસિસ્ટન્ટ કલેક્ટર કક્ષાના અધિકારીઓ શિબિરમાં જશે.

ચિંતન શિબિરના રજીસ્ટ્રેશન ફોર્મમાં નામ, હોદ્દો, મોબાઇલ નંબર, કચેરીનું નામ, ફોનનંબર, ઇમેઇલ સાથે મંત્રીઓ અને અધિકારીઓની વિશેષતા તેમજ શોખની વિગતો માગવામાં આવી છે. જે અધિકારીઓની યાદી બહાર પાડવામાં આવી છે તેમાં તેમની શૈક્ષણિક લાયકાત સહિતની બીજી વિગતો દર્શાવવામાં આવી છે. શિબિરમાં રાજ્યપાલના અંગત સચિવ એ.એમ. શર્માનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

11મી ચિંતન શિબિર મુખ્યમંત્રીના અઘ્યક્ષસ્થાને સોમનાથમાં યોજાવાની હોવાથી ગાંધીનગર-અમદાવાદથી સોમનાથ જવા માટે સ્પેશ્યલ ટ્રેનની વ્યવસ્થા ઉપલબ્ધ કરાઇ છે. ટ્રેનની સાથે ટ્રાન્સપોર્ટેશન માટે બીજો ક્યો વિકલ્પ છે તેની જાણ હવે પછી કરાશે તેવું ઠરાવમાં જણાવાયું છે. પ્રત્યેક શિબિરાર્થીએ તેમના માટે નિયત કરેલી પેનલ ચર્ચા કે જૂથ ચર્ચાના વિષયોમાં જે તે સેમિનાર હોલમાં ઉપસ્થિત રહી ભાગ લેવાનો રહેશે.

ગુજરાત સરકારનું મોટું ફરમાન, ટોચના અધિકારીઓએ ચિંતન શિબિરમાં ફરજિયાત હાજર રહેવું પડશે 2 - image




Google NewsGoogle News