સ્કૂલ ફી એક્ટ મુદ્દે સરકાર નિષ્ક્રિય, એક પણ કમિટીમાં જજ કે ચેરમેનની નિમણૂક જ ના કરાઇ

Updated: Jul 12th, 2024


Google NewsGoogle News
 Representative image

School Fees Regulation Act: રાજ્ય સરકારે 2017ની વિધાનસભા ચૂંટણીમાં વાહવાહી લેવા માટે લાગુ કરવામાં આવેલી સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ હાલ કાગળ પર હોઈ તેવું લાગી રહ્યુ છે. કારણ કે અમદાવાદ ઝોનની ફી કમિટીમાંથી ફરિયાદોને પગલે સીએ સભ્યને દૂર કરી દેવાયા બાદ હવે એક પણ સભ્ય નથી અને ચેરમેન એવા જજ પણ નથી. 

અમદાવાદ ઝોન ઉપરાંત અન્ય ત્રણેય ઝોનની કમિટીઓમાં પણ જજ- ચેરમેન જ નથી. આ ઉપરાંત ચારેય કમિટીઓની ઉપર એવી ફી રિવિઝન કમિટીમાં પણ જજ-ચેરમેન નથી. આમ સરકાર ફી રેગ્યુલેશન એક્ટને લઈને નિષ્ક્રિય હોવાની ફરિયાદો ઊઠી છે. સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ અંતર્ગત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિત ચાર ઝોન છે.

એક્ટની જોગવાઈ મુજબ દરેક ઝોનમાં ચેરમેન તરીકે રિટાયર્ડ ડિસ્ટ્રિક્ટ જજ છે. આ ઉપરાંત અન્ય ચાર મેમ્બરો છે. જેમાં એક સીએ, એક સિવિલ એન્જિનિયર કે વેલ્યુઅર અને એક મેમ્બર સ્કૂલ છ સંચાલક મંડળના પ્રતિનિધિ હોય છે. ઓમ ચેરમેન સહિત કુલ પાંચ સભ્યોની કમિટી હોય છે. દર ત્રણ વર્ષ માટે વિવિધ કમિટીમાં ચેરમેન સહિત અન્ય સભ્યોની નિમણૂંક સરકાર દ્વારા કરવામા આવે છે. આ એક્ટ હેઠળ રાજ્યમાં આવેલી ગુજરાત બોર્ડ, સીબીએસઈ તેમજ અન્ય તમામ બોર્ડની ખાનગી સ્કૂલોની ફી નક્કી કરવામા આવે છે. એક્ટની જોગવાઈ મુજબ ફી મર્યાદાથી ઓછી ફી ધરાવતી સ્કૂલોએ એફિડેવિટ કરવાની હોય છે અને ફી મર્યાદાથી વધુ ફી માંગનારી સ્કૂલોએ નાણાકીય હિસાબો-ખર્ચા અને અન્ય દસ્તાવેજ સાથે દરખાસ્ત કરવાની હોય છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં ગ્રીન કવર વધારવાના પ્રયાસો નિષ્ફળ, 10 કરોડ વૃક્ષોની વાવણી સામે 10 લાખનો જ ઉછેર


રાજ્યમાં સૌથી મોટો ઝોન અમદાવાદ છે. કારણ કે અમદાવાદમાં સૌથી વધુ સ્કૂલો છે. અમદાવાદ ઝોનમાં અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, પાટણ, સારબકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, કચ્છ અને મહેસાણા સહિતના જિલ્લાનો સમાવેશ થાય છે. અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેશન કમિટીના ચેરમેન-જજની જગ્યા ઘણાં સમયથી ખાલી છે. આ ઉપરાંત રાજકોટની કમિટીના ચેરમેન-જજની જગ્યા પણ ઘણા સમયથી ખાલી છે. જ્યારે અન્ય બે કમિટી એવી સુરત અને વડોદરા ઝોન કમિટીના ચેરમેન-જજની મુદતપુરી થઈ ગઈ છે. આમ આ બંને કમિટીમાં ૫ણ જજ-ચેરમેનની જગ્યા ખાલી છે.

અમદાવાદ ઝોનની કમિટીમાં સીએ સભ્યને સરકારે આજે જે દૂર કરી દેતા હવે અમદાવાદ ઝોનની કમિટીમાં એક પણ સભ્ય નથી.ચેરમેન સહિતના તમામ સભ્યોની જગ્યા ખાલી છે. જ્યારે અન્ય કેટલીક કમિટીઓમાં જુદા જુદા સભ્યોની જગ્યા ખાલી છે તેમજ ચારેય ઝોનની ઉપર રિવિઝન કમિટી છે. ફી રેગ્યુલેશન કમિટીના નિર્ણય-ઓર્ડર સામે જ સ્કૂલને વાંધો હોય તો સ્કૂલ ફી રિવિઝન કમિટીમાં અપીલ કરે છે. આ રીવિઝન કમિટીમાં પણ ચેરમેન-જજની જગ્યા ખાલી છે. 

સરકાર દ્વારા તમામ કમિટીમાં ચેરમેન-જજ નિમવા માટે પ્રક્રિયા કરી રહી છે. પરંતુ ક્યારે નિમાશે તે પ્રશ્ન છે. બીજી બાજુ હજુ અનેક સ્કૂલોની 2024-25ની ફી નક્કી કરવાની બાકી છે. ઘણી મોટી સ્કૂલોની 2024- 25ની ફી નક્કી કરી દેવાઈ છે. વાલીઓ-સ્કૂલોની ફરિયાદ છે કે સમયસર ફી નિર્ધારણ થતુ નથી અને કમિટીઓમાં ચેરમેન-જજ તેમજ સભ્યો જ ન હોય તો કમિટીનો શું મતલબ? આ એક્ટનો શું મતલબ? સરકારે એક્ટ લાગુ તો કરી તો દીધો પરંતુ જો જોઈએ તેટલે સઘન અમલ થયો નથી.

એફઆરસીની વેબસાઈટ પણ સરકાર અપડેટ કરતી નથી 

સ્કૂલ ફી રેગ્યુલેશન એક્ટ અંતર્ગત ફી રેગ્યુશન કમિટી માટેની એફઆરસી ગુજરાત નામથી વેબસાઈટ પણ છે. પરંતુ આ વેબસાઈટ અપડેટ કરાતી જ નથી.આ વેબસાઈટ પર જજ- ચેરમેન અને અન્ય સભ્યો જેમ બદલાય કે મુદત પુરી થાય તેમ વિગતો અપડેટ કરાતી નથી.જુના નામો જ હોય છે. આ ઉપરાંત ચારેય ઝોનની કમિટીના 2020-21 પછીના ઓર્ડર પણ વેબસાઈટ પર મુકાયા નથી.

સ્કૂલ ફી એક્ટ મુદ્દે સરકાર નિષ્ક્રિય, એક પણ કમિટીમાં જજ કે ચેરમેનની નિમણૂક જ ના કરાઇ 2 - image


Google NewsGoogle News