Get The App

ખેડૂતોને સહાય ચૂકવવામાં ઠાગાઠૈયા, રાજ્ય સરકારે હજુ પણ રૂ.102 કરોડ ચૂકવ્યા નથી

Updated: Sep 24th, 2024


Google NewsGoogle News
farmers
Representative image

Gujarat Government Has Failed To Provide Assistance to Farmers: ક્લાઇમેટ ચેન્જના કારણે ગુજરાતના હવામાનમાં ભારે બદલાવ જોવા મળી રહ્યો છે. છેલ્લાં બે-ચાર વર્ષથી ગુજરાતમાં વરસાદની તિવ્રતામાં વધારો થયો છે. આ જોતાં ચોમાસામાં ભારે વરસાદ નોંધાઇ રહ્યો છે. છેલ્લાં બે વર્ષમાં અતિવૃષ્ટિને કારણે ગુજરાતના ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો. જો કે, સરકાર દર વખતે રાહત પેકેજ જાહેર કરે છે. આ વાતને એક વર્ષ વિતવા આવ્યુ છે, પરંતુ રાજ્ય સરકારે ખેડૂતોને હજુપણ 102 કરોડ રૂપિયા જેટલી માતબર રકમનું વળતર ચૂકવ્યુ નથી.

આ જિલ્લાના ખેડૂતોને વળતર નહીં

ચોમાસાની પેટર્ન બદલાઈ છે પરિણામે ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં વધુ વરસાદ નોંધાઇ રહ્યો છે. ભારે વરસાદને કારણે ખેતીને વ્યાપકપણે નુકશાન થઇ રહ્યુ છે. આ વખતે પણ વરસાદે ગુજરાતમાં ભારે તબાહી મચાવી છે. વર્ષ 2023માં ભારે વરસાદથી ગુજરાતનો એકેય જિલ્લો એવો નહી હોય જ્યાં ખેતીને નુકશાન થયુ ન હોય. રાજ્ય સરકારે રાહત પેકેજ જાહેર કરીને 31 જિલ્લામાં ખેડૂતોને 641.39 કરોડ સહાય પેટે ચૂકવ્યા હતાં. 

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ, વલસાડના પારડીમાં 4 ઈંચ વરસાદ, આ જિલ્લામાં એલર્ટ


આ વાતને એક વર્ષથી વઘુ સમય વિત્યો પણ હજુ સરકારે કેટલાંય જીલ્લામાં ખેડૂતોને સહાય ચૂકવી નથી. આણંદ, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, નર્મદા, ખેડા, કચ્છ, નવસારી, પંચમહાલ, જૂનાગઢ અને સુરતમાં હજુય ખેડૂતોને નુકશાનીનુ વળતર મળી શક્યુ નથી. આ બધાં જિલ્લામાં કુલ મળીને 102.51 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે. 

ખેડૂતોને સહાય ચૂકવવામાં ઠાગાઠૈયા 

મહત્ત્વની વાત છે કે, કૃષિ વિભાગે કયા જિલ્લામાં ખેતીને કેટલું નુકશાન થયુ છે તેનો સર્વે કરાવ્યો હતો. આમ સર્વે કરાવ્યા પછીય ખેડૂતોને સહાય ચૂકવવામાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. ખેડૂતોના હામી હોવાનો સરકાર દાવો કરી રહી છે. પરંતુ પણ જ્યારે રાહત સહાય ચૂકવવાનો વખત આવ્યો છે, ત્યારે આખીય વાત ટલ્લે ચડાવવામાં આવી રહી છે. આ કારણોસર ખેડૂતોમાં રોષ ભભૂક્યો છે.

ખેડૂતોને સહાય ચૂકવવામાં ઠાગાઠૈયા, રાજ્ય સરકારે હજુ પણ રૂ.102 કરોડ ચૂકવ્યા નથી 2 - image


Google NewsGoogle News