અમદાવાદ-ગાંધીનગરમાંથી સરકારને દારૂથી રૂ.33.98 કરોડની આવક, 28 હોટેલને અપાયા છે પરવાના
AI Image |
Ahmedabad News : ગુજરાત વિધાનસભામાં સરકારને દારૂના પરવાના ધરાવતી હોટલમાં દારૂમાંથી થતી ટેકસની આવક મુદ્દે પૂછવામાં આવેલા જવાબમાં સરકારે માહિતી આપી હતી. જેના જવાબમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં માત્ર અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં દારૂના પરવાના ધરાવતી હોટલમાંથી 33.98 કરોડ રૂપિયાની કમાણી થઈ છે.
કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ પ્રશ્ન પૂછ્યો હતો કે, 31 જાન્યુઆરી, 2025ની અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં કેટલી હોટલોને દારૂ વેચાણ માટે પરવાના આપવામાં આવ્યા છે? જ્યારે છેલ્લા બે વર્ષમાં અમદાવાદ-ગાંધીનગર જિલ્લાની કેટલી હોટલના દારૂ વેચાણ માટેના પરવાના કયા કારણોસર રદ કરવામાં આવ્યા છે? તેમજ છેલ્લા બે વર્ષમાં વાર્ષિક દારૂના વેચાણથી ટેક્સમાંથી કેટલી આવક થઈ છે?
દારૂના વેચાણ પર સરકારને બે વર્ષમાં રૂ.33.98 કરોડની આવક
આ મુદ્દે સરકારે જવાબ આપ્યો હતો કે, રાજ્યમાં અમદાવાદ અને ગાંધીનગરમાં દારૂના પરવાના ધરાવતી હોટલોમાં દારૂના વેચાણથી ટેક્સમાંથી 01 ફેબ્રુઆરી, 2023 થી 31 જાન્યુઆરી 2024 સુધીમાં 14.45 કરોડ રૂપિયાની આવક થઈ છે. જ્યારે 01 ફેબ્રુઆરી, 2024 થી 31 જાન્યુઆરી, 2025 સુધીમાં 19.53 કરોડ રૂપિયાની આવક થઈ છે.
આ પણ વાંચો: અમદાવાદની તંદૂર હોટેલમાં નસરીનની હત્યાનો મામલો, પોલીસે CCTVના આધારે આરોપીને ઝડપ્યો
જ્યારે અમદાવાદ શહેરમાં 20 અને જિલ્લામાં 02 હોટેલમાં પરવાના છે. ગાંધીનગર શહેરમાં 04 અને જિલ્લામાં 02 હોટલોમાં દારૂના વેચાણ માટેના પરવાના આપવામાં આવ્યા છે. જેમાં એકપણ હોટલના દારૂ વેચવાના પરવાના રદ્દ કરવામાં આવ્યા નથી.