Get The App

ગુજરાત સરકારે PMJAYના નિયમ મુજબ IEC સેલ જ ન બનાવ્યા, નેશનલ હેલ્થ ઑથોરિટીના આદેશનો ઉલાળિયો

Updated: Dec 30th, 2024


Google NewsGoogle News
ગુજરાત સરકારે PMJAYના નિયમ મુજબ IEC સેલ જ ન બનાવ્યા, નેશનલ હેલ્થ ઑથોરિટીના આદેશનો ઉલાળિયો 1 - image


Gujarat government PMJAY rules : PMJAY યોજના અંગે આજેય દર્દીઓ બેખબર રહ્યા છે. આ યોજનાનો છેવાડાના માનવી સુધી લાભ મળે તે માટે પ્રચાર-પ્રસાર કરવા માટે કેન્દ્રએ બધાંય રાજ્યોને ખાસ સૂચના આપી હતી. એટલું જ નહીં, ગુજરાત સહિત બધાય રાજ્યોને ઇન્ફેર્મેશન, એજ્યુકેશન ઍન્ડ કૉમ્યુનિકેશન સેલ રચવા આદેશ કરવામાં આવ્યો હતો. પણ આ મામલે ગુજરાત આરોગ્ય વિભાગે પણ ઝાઝુ ઘ્યાન આપ્યું ન હતું. જો આઇઇસી સેલની રચના થઈ હોત તો કદાચ ગુજરાતમાં ખ્યાતિકાંડ સર્જાયો ન હોત. 

નેશનલ હેલ્થ ઑથોરિટીના આદેશનો ઉલાળિયો            

ગરીબ દર્દીઓ માટે PMJAY યોજના આશીર્વાદરૂપ છે કેમ કે, કેન્સર, હૃદયરોગ સહિત ગંભીર બીમારીમાં દસેક લાખ સુધી મફત તબીબી સારવાર મળી રહે છે. માત્ર સરકારી જ નહીં, કૉર્પોરેટ હૉસ્પિટલમાં ગરીબ દર્દીને સારી સારવાર મળી રહે છે. જો કે, ચૂંટણી વખતે તો આ જ સરકારી યોજનાનો ઉલ્લેખ કરી ભાજપના નેતાઓએ મતદારોને રીઝવવા કોઈ કસર છોડી ન હતી. પણ PMJAY યોજનાનો પ્રચાર પ્રસાર કરવામાં રાજ્ય આરોગ્ય વિભાગે પાછીપાની કરી હતી. 

આ પણ વાંચો: 2024માં ગુજરાત સરકારને લાગ્યું કૌભાંડ-કાંડનું કલંક, ગેરરીતિ-ગોટાળા,ભ્રષ્ટાચારની ભરમાર

કેન્દ્રીય આરોગ્ય વિભાગના એક રિપોર્ટમાં ઉલ્લેખ કરાયો છે કે, નેશનલ હેલ્થ ઑથોરિટીએ રાજ્યોને સૂચના આપી હતીકે, PMJAY યોજનાનો છેવાડાના ગામ સુધી પ્રચાર-પ્રસાર કરો. લાભાર્થીઓને યોજના વિશે અવગત કરાવો. પોસ્ટર, બેનર્સ, માહિતી પુસ્તિકા ઉપરાંત વર્કશોપ યોજીને લોકોને યોજનાથી માહિતગાર કરો. આ બધું કરવા પાછળનો એક માત્ર હેતુ એ હતો કે, PMJAY યોજનામાં ડૉક્ટરોથી માંડીને સરકારી કર્મચારીઓ ગરીબ લાભાર્થીઓ સાથે ગેરરીતિ આચરે નહીં. પણ ગુજરાત આરોગ્ય વિભાગે આઇઇસી સેલની રચના જ કરી નહીં. માત્ર ગુજરાત જ નહીં, ભારતમાં 14 રાજ્યોએ આઇઇસી સેલ બનાવ્યો નથી. 

ટૂંકમાં, આરોગ્ય વિભાગે જ દર્દીઓને અંધારામાં રાખ્યા હતા. જો દર્દીઓને લોકજાગૃતિ મુદ્દે સઘન કામગીરી કરવામાં આવી હોત તો, કદાચ ગુજરાત સરકારને જેના કારણે બદનામી વ્હોરવી પડી છે તે ખ્યાતિકાંડ સર્જાયો ન હોત. મહત્ત્વની વાત તો એ છે કે, રાજ્ય આરોગ્ય વિભાગે PMJAY યોજનાના પ્રચાર-લોકજાગૃતિ માટે માત્ર 6 ટકા જ રકમ વાપરી છે. આ પરથી એક વાત પ્રસ્થાપિત થઈ છેકે, આરોગ્ય વિભાગની નિષ્ક્રિયતા પણ ખ્યાતિકાંડ માટે જવાબદાર છે. 

આ પણ વાંચો: ગુજરાતનું કરપ્શન મોડલઃ કર્મચારીઓની કોન્ટ્રાક્ટ પર ભરતી કરો, પછી ટેક્સ વસૂલી તેમને કંગાળ કરો

રાંડ્યા પછીનું ડહાપણ : ખ્યાતિકાંડ બાદ હવે PMJAYમાં સારવારની માર્ગદર્શિકા ઘડાઈ 

કેન્દ્રીય આરોગ્ય વિભાગના રિપોર્ટમાં ગુજરાત આરોગ્ય વિભાગની પોલ ઉઘાડી પડી છે. PMJAY યોજનામાં પોલંપોલ ચાલી રહી છે જેના કારણે મળતિયા હૉસ્પિટલ સંચાલકોએ ધૂમ કમાણી કરી લીધી છે જ્યારે નિર્દોષ દર્દીઓને જાન ગુમાવવાનો વારો આવ્યો છે. હવે જ્યારે ખ્યાતિકાંડ થયો છે, ત્યારે આરોગ્ય વિભાગને PMJAY યોજના અંતર્ગત વિવિધ રોગોની સારવાર માટે અલાયદી માર્ગદર્શિકા ઘડવાનું સૂઝ્‌યું છે. જો અગાઉથી તકેદારી રાખવામાં આવી હોત તો, કદાચ આ ગેરરીતિ-ગોટાળા થયા ન હોત. 


Google NewsGoogle News