ગુજરાત સરકારની કેબિનેટ બેઠક અયોધ્યામાં મળે તેવી શક્યતા
ગાંધીનગર,તા.23 જાન્યુઆરી 2024,મંગળવાર
અયોધ્યામાં નવનિર્મિત રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો છે. આ મંદિરને નિહાળવા માટે ગુજરાતના મુખ્યમંત્રી અને તેમની સંપૂર્ણ કેબિનેટ અયોધ્યા જાય તેવી સંભાવના છે. ચર્ચાઇ રહ્યું છે કે મુખ્યમંત્રી તેમની કેબિનેટની બેઠક અયોધ્યામાં કરી શકે છે.
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પછી હવે મુખ્યમંત્રી મંત્રીઓ રામલલ્લાના દર્શન કરવા અયોધ્યા જશે
રાજ્યમાં ફેબ્રુઆરીના પ્રારંભે વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થવાનું છે. બીજી ફેબ્રુઆરીએ રાજ્યનું 2024-25ના વર્ષનું સામાન્ય બજેટ રજૂ થવાનું છે. લોકસભાની ચૂંટણી આવતી હોવાથી આ સત્રના દિવસો ટૂંકાવી 24 કરી દેવામાં આવ્યા છે. એટલે કે સત્ર 29મી ફેબ્રુઆરી સુધી ચાલવાનું છે. દરમ્યાન 22 કે 24 ફેબ્રુઆરીએ અયોધ્યામાં કેબિનેટ રાખવાની ચર્ચા ચાલી રહી છે.
મંદિરના ઉદ્દઘાટન પછી ગુજરાતમાંથી ભાજપના ટોચના નેતાઓ, પ્રદેશ પદાધિકારીઓ, ધારાસભ્યો અને પ્રમુખ કાર્યકરો અયોધ્યામાં રામમંદિરની મુલાકાત લેવાના છે. રાજ્ય સરકારના મંત્રીઓ પણ અયોધ્યા જવાના છે. જો કે તેઓ મુખ્યમંત્રી સાથે જાય તેવી સંભાવના છે.
રાજ્ય વિધાનસભાના સત્રમાં કુલ 26 બેઠકો મળવાની છે. 1લી ફેબ્રુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સભાગૃહમાં પ્રવચન કરશે. બીજી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઇ દેસાઇ બજેટ રજૂ કરશે, રાજ્યપાલના પ્રવચન પર આભાર પ્રસ્તાવની ચર્ચા ત્રણ દિવસ ચાલશે અને બજેટ પર સામાન્ય ચર્ચા 12 દિવસ ચાલશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની સઘળી કાર્યવાહી ઓનલાઇન કરી દેવામાં આવેલી છે.