સરકારે કોણીએ ગોળ ચોંટાડ્યો, જૂની પેન્શન યોજનાની જાહેરાત કરી પણ ઠરાવ-પરિપત્ર જાહેર ન કર્યો
Old Pension Scheme In Gujarat: જૂની પેન્શન યોજના મુદ્દે સરકારી કર્મચારીઓ આંદોલન કર્યા બાદ સરકારે પીછેહટ કરવી પડી હતી. આખરે રાજ્ય સરકારે મોટા ઉપાડે ગુજરાતમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા જાહેરાત કરી હતી. આ વાતને બે મહિના વિત્યા છતાંય હજુ સરકારે કોઇ ઠરાવ કે પરિપત્ર જાહેર કર્યો નથી. પરિણામે શિક્ષકો-સરકારી કર્મચારીઓ રોષે ભરાયાં છે.
વર્ષ 2005 અગાઉના સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે પણ ક્યારે?
ગુજરાતમાં જૂની પેન્શન યોજનાના અમલને લઇને સરકારી કર્મચારીઓમાં વિખવાદ પેઠો છે. કારણે કે, રાજ્ય સરકારે જાહેરાત કરી છે કે, વર્ષ 2005 અગાઉના શિક્ષકો સહિત સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે. સરકારી કર્મચારી મહામંડળની માંગ છે કે, બધા સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળવો જોઈએ. આ કારણોસર લાભથી વંચિત સરકારી કર્મચારીઓ સરકારથી નાખુશ છે.
આ પણ વાંચો: ક્રેડિટ કાર્ડ દ્વારા બેફામ આર્થિક વહેવારો કરતાં ચેતજો, IT વિભાગ ટેક્સ લાગુ કરી નોટિસ મોકલી શકે
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના આ નિર્ણયથી સૌથી વઘુ લાભ માત્ર શિક્ષકોને મળે તેમ છે. આ તરફ રાજ્ય સરકારે જૂની પેન્શન યોજનાનો અમલ કરવા જાહેરાત કરી તો કરી દીધી છે. પરંતુ હજુ સુધી કોઈ સરકારી ઠરાવ કે પરિપત્ર જાહેર કરાયો નથી. આ કારણોસર સરકારી કર્મચારી મંડળે ફરી એકવાર મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરવી પડી છે. સરકારી કર્મચારીઓને સરકારે ક્યાંક કોણીએ ગોળ તો ચોટાડ્યો નથી ને.. તેવો અહેસાસ થઇ રહ્યો છે.
સરકારે આ મામલે ફોડ પાડવા તૈયાર જ નથી
કર્મચારી મહામંડળના આગેવાનોનું કહેવુ છે કે, રાજ્ય સરકારે આ નિર્ણય કરીને સરકારી કર્મચારીઓમાં ભાગલાં પાડ્યાં છે. એટલુ જ નહીં, સરકારે મોટાઉપાડે જાહેરાત તો કરી પણ જૂની પેન્શન યોજનાના અમલને લઇને ઠરાવ કે પરિપત્ર જાહેર કરવાનું જ જાણે ભૂલી ગઇ છે. સરકારે આ મામલે ફોડ પાડવા તૈયાર જ નથી. આમ, એક બાજુ, જેમને લાભ મળવાનો છે તે સરકારી કર્મચારીઓ ઠરાવ-પરિપત્રની રાહમાં છે જ્યારે જેમને લાભ મળવાનો નથી તે કર્મચારીઓ આંદોલન કરવાની તૈયારીમાં છે.