Khyati Hospital Controversy : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કડીના બોરીસણા ગામના બે દર્દીના મોત પછી રાજ્ય સરકારે સરકારી યોજનાઓનો દુરુપયોગ કરતી હોસ્પિટલો સામે શું કાર્યવાહી કરાશે તેની જાહેરાત કરાઈ છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જાહેરાત કરી છે કે, 'ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલ ખાતે કાર્ડિયેક સારવાર બાબતે બે લોકોના મૃત્યુ થયાના સમાચાર આવ્યા હતા, જેમાં તપાસ પૂર્ણ થઈ ગઈ છે. આ તપાસ પ્રમાણે કડીના બોરીસણા ગામે જઈને કેમ્પ કર્યો અને 19 વ્યક્તિમાંથી 7 લોકોની બિનજરૂરી એન્જિયોપ્લાસ્ટી કરી દેવાઈ. તે પૈકી 2 લોકોના મોત થયા. જે 7 વ્યક્તિની એન્જિયોપ્લાસ્ટી કરી તેમના ઓપરેશનની જરૂર જ ન હતી. ખ્યાતિ હોસ્પિટલના જવાબદારો વિરૂદ્ધ ગુનાઈત-હત્યાના કાવતરાની ફરિયાદ નોંધવામાં આવશે.' બે નિર્દોષના જીવ ગયા બાદ રાજ્ય સરકાર ઊંઘમાંથી જાગી છે અને એક બાદ એક કાર્યવાહી કરી રહી છે. પરંતુ પીડિતોનો પરિવારને વળતર અંગે સરકાર હજુ મૌન છે.
રાજ્યની હોસ્પિટલો માટે લીધા 10 મોટા નિર્ણય
અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ જણાવ્યું કે, ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે ગુજરાતની તમામ હોસ્પિટલ માટે નીચે મુજબની જાહેરાતો કરી છે.
- હોસ્પિટલને PMJAYથી બહાર કરાશે.
- માલિક સામે પગલાં લેવામાં આવશે.
- ડોક્ટર હવે માન્ય ડોક્ટર ગણવામાં આવશે નહીં.
- યોગ્ય કાળજી ન લેવાના લીધે બે વ્યક્તિના મોત થયા છે એટલા માટે BNSની કલમ 105, 336, 361 હેઠળ રાજ્ય સરકાર પોલીસ ફરિયાદ કરશે.
- ડોક્ટર સામે પગલાં લેવા મેડિકલ કાઉન્સિલને ફરિયાદ કરવામાં આવશે.
- અગાઉના કેસ સામે તપાસ કરવામાં આવશે.
- વ્યવસ્થા સુધારીકરણ કરવામાં આવશે.
- કાર્ડિયોલોજી અને કાર્ડિયાક ફરજિયાત રહેશે, વિઝિટિંગ હશે તો PMJAY માન્યતા મળશે નહીં.
- PMJAYનું મોનિટરિંગ કરવામાં આવશે.
- પીડિત પરિવાર પ્રત્યે સરકાર દુઃખ વ્યક્ત કરે છે જેથી રાજ્ય સરકાર કડક પગલાં લેશે અને માળખાકીય સુવિધામાં સુધારો કરાશે.
ખ્યાતિ હોસ્પિટલને PMJAYમાંથી ડીબાર્ડ કરાઈ, ડોક્ટરોની માન્યતા રદ
આરોગ્ય વિભાગના અગ્રસચિવે જણાવ્યું હતું કે, ખ્યાતિ હોસ્પિટલમાં જે દર્દીઓની એન્જિયોપ્લાસ્ટિ કરવામાં આવી હતી તેને તેની જરુર જ ન હતી. હોસ્પિટલમાં દર્દીઓને ખોટી રીતે સારવાર આપવામાં આવી છે. ખ્યાતિ હોસ્પિટલને PMJAYમાંથી ડીબાર્ડ કરી દેવામાં આવી છે. ઓપરેશન કરનાર ડોક્ટર હવે ક્યાંય ઓપરેશન કરી શકશે નહીં. હોસ્પિટલના માલિક, ડોકટરો, સંચાલકો અને મેનેજમેન્ટ સામે પણ ફરિયાદ કરવામાં આવશે.
મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે નવી ગાઈડલાઈન
હવે પછી આ પ્રકારની ઘટનાના બને તે માટે રાજ્ય સરકારે બેઠકો અને વિચારણા શરૂ કરી દીધી છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ માટે નવી ગાઈડલાઈન બનાવવાનો પણ નિર્ણય કરાયો છે. સમગ્ર મામલે આરોગ્ય વિભાગ, પોલીસ સહિતના વિભાગોએ તપાસ હાથ ધરી છે. બંને મૃતકોના મૃતદેહોનું માઈક્રો સ્કોપિક એનાલિસિસ કરવાનો પણ નિર્ણય કરાયો છે. આ મામલાની તપાસ બાદ સરકાર કોઈ કડક નિર્ણય પણ લઈ શકે છે.
મહત્વનું છે કે આરોગ્ય વિભાગની પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ફરક્યા પણ નહીં. તેમણે ફક્ત આરોગ્ય વિભાગના અગ્ર સચિવ સહિતના અધિકારીઓને મોકલી આપ્યા હતા. લોકોના રોષનો અને મીડિયાના તીખા સવાલોનો જવાબ ન આપવો પડે તેના કારણે આરોગ્ય મંત્રી હાજર રહ્યા ન હોવાની પણ ચર્ચા વહેતી થઈ હતી.
આ કેસમાં રાજ્ય સરકાર ફરિયાદી બનશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે કે, ખ્યાતિ હોસ્પિટલ કેસમાં રાજ્ય સરકાર ફરિયાદી બનશે. આ મામલે પોલીસે પણ કાયદેસરની કાર્યવાહીનો અહેવાલ રજૂ કર્યો હતો. આ બેઠક પ્રથમ દ્રષ્ટિએ હોસ્પિટલની ગંભીર બેદરકારી સ્વીકારી હોવાની પણ માહિતી છે. હવે હોસ્પિટલના સત્તાધીશો અને ડોક્ટરો વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાશે, જેના ભાગરૂપે હોસ્પિટલનું લાયસન્સ પણ રદ કરવામાં આવશે.
તપાસ કરી આરોગ્ય કમિશનરને સોંપાશે રિપોર્ટ
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કડી ખાતે આરોગ્ય કેમ્પનું આયોજન કરી દર્દીઓને હૃદયની સારવાર માટે અમદાવાદ લવાયા હતાં. જયાં બે દર્દીઓના મોત થતાં સગાસબંધીએ હોબાળો મચાવ્યો હતો. આ ઉપરાંત હોસ્પિટલમાં તોડફોડ પણ કરી હતી. આ પ્રકરણમાં આરોગ્ય વિભાગે તપાસના આદેશ કર્યાં છે.
આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓનું કહેવું છે કે, પ્રાથમિક તબક્કે દર્દીઓની સારવારના નામે પૈસા પડાવવાનું કૌભાંડ કર્યું હોય તેવું લાગી રહ્યું છે. આ જોતાં હોસ્પિટલનું બાકી પેમેન્ટ રોકી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત નિષ્ણાતોની ટીમના રિપોર્ટ બાદ આરોગ્ય કમિશનરના વડપણ હેઠળ વધુ નિર્ણય લેવામાં આવશે. આરોગ્ય વિભાગે એ દિશામાં પણ વિચારણા કરી છે કે, આ યોજના હેઠળની હોસ્પિટલ પેનલમાં ના જોડાઈ શકે, ડૉક્ટરો બીજી હોસ્પિટલમાં પણ પ્રેક્ટિસ ના કરી શકે ત્યાં સુધી સસ્પેન્શનના પગલાં પણ લેવામાં આવી શકે છે.
આરોગ્ય કેમ્પ ન થાય તે માટેની કાર્યવાહી
આગામી દિવસોમાં આરોગ્ય વિભાગ સર્ક્યુલર જાહેર કરીને પીએમજેવાયએ યોજના હેઠળ કોઈ આરોગ્ય કેમ્પ ન થાય તે માટે કાર્યવાહી કરાશે. જેથી આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય. નોંધનીય છે કે, આરોગ્ય કેમ્પ કરી હોસ્પિટલ સંચાલકોને એકપણ રૂપિયાનો ખર્ચો થશે નહીં, લાવવા લઈ-જવા સાથે મફતમાં સારવાર કરી આપવામાં આવશે તેમ કહી દર્દી સાથે લોભામણી વાતો કરે છે.
કમિટી દ્વારા ઓપરેશનની સીડી ચકાસાઈ
આ મામલે રચવામાં આવેલી સમિતિ દ્વારા જે પણ 7 દર્દીમાં સ્ટેન્ટ મૂકાયા તેમની સીડી અને મેડિકલ રિપોર્ટનો અભ્યાસ કરાઇ રહ્યો છે. આ અભ્યાસ કરાયા બાદ તેઓ તેમનો રીપોર્ટ આરોગ્ય વિભાગને આપશે.