ડેન્જર ઝોન છતાં ચેતવણીનું બોર્ડ નહોતું... ગાંધીનગરમાં તંત્રની ઘોર બેદરકારીની ભેટ ચઢ્યા 8 યુવાન!
Gandhinagar Dehgam 8 People Drowned News | ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં આવેલા વાસણા સોગઠી ગામની ઘટનાને પગલે ગુજરાતભરના લોકો હચમચી ગયા. ગણેશ વિસર્જન માટે ગામના લોકો પહોંચે એ પહેલાં જ 8 જેટલા યુવાનોએ ડેન્જર ઝોન ગણાતાં વિસ્તારમાં પહોંચીને ન્હાવા કૂદી ગયા અને એક જ ફળિયામાં રહેતાં આ 8 યુવાનોને એકસાથે જ કાળ ભરખી ગયો. જ્યારે આ ઘટનાની જાણ ગામના લોકોને થઈ તો બધા જ ચોંકી ગયા અને આખા ગામમાં હાહાકાર મચી ગયો.
ઘટના વિશે ગાંધીનગરના ડેપ્યુટી એસ.પી.નો મોટો ખુલાસો
ગાંધીનગરના ડેપ્યુટી એસપી ડી. ટી. ગોહિલે આ ઘટના વિશે કહ્યું કે કુલ 9 જેટલા યુવાનો અહીં ન્હાવા પડ્યા હતા. જેમાંથી ક્રિશ્ના ચૌહાણ નામનો યુવાન બચી ગયો હતો અને તેણે જ અમને જાણકારી આપી છે કે કુલ 8 લોકો ડૂબીને મરી ગયા છે. આ ઘટના માટે બચાવ કામગીરીમાં એનડીઆરએફ અને એસડીઆરએફની પણ મદદ લેવામાં આવી હતી.
એક સ્થાનિકે સમગ્ર ઘટના વિશે શું કહ્યું?
જ્યારે આ મામલે તપાસ કરવામાં આવી તો એક સ્થાનિકે સમગ્ર ઘટના વિશે ચોંકાવનારા ખુલાસા કર્યા. તેમણે કહ્યું કે બપોરના લગભગ સવા બેથી અઢી વાગ્યાની આજુબાજુમાં આ ઘટના બની હતી. ગણપતિ વિસર્જન માટે ગામના લોકો તૈયારી કરી રહ્યા હતા. એ પહેલાં જ ગામના આ 8 યુવાનો નદી કિનારે પહોંચી ગયા. વાસણા સોગઠી ગામે વહેતી આ મેશ્વો નદીનો ભાગ પહેલેથી જોખમી ગણાય છે. તેમ છતાં આ યુવાનો ન્હાવા કૂદી પડ્યા હતા.
હાઇકોર્ટની ગાઇડલાઇન છતાં સુરક્ષા વ્યવસ્થા નહીં!
ઉલ્લેખનીય છે કે હાઇકોર્ટની ગાઇડલાઇન છતાં આ ગણેશ વિસર્જન માટેના આ જોખમી વિસ્તારમાં કોઈ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી નહોતી. જ્યારે એસડીએમને આ અંગે સવાલ કરાયો તો તેમણે નેતાઓની જેમ સરકારી રૅકોર્ડ વગાડી તપાસ કરાવવાની વાત કહી. સ્થાનિક વ્યક્તિએ કહ્યું કે આ વિસ્તાર પહેલેથી ડેન્જર ઝોન ગણાય છે પણ આજ સુધી તંત્ર દ્વારા અહીં કોઈ ચેતવણીનું બોર્ડ મારવાની તકેદારી લેવાઈ નથી.
108 પણ સમયસર ન પહોંચી હોવાનો દાવો
સ્થાનિકે કહ્યું કે મૃતકોની વાત કરીએ તો 8 યુવાનો ગુમાવતાં આખા ગામમાં સોંપો પડી ગયો છે. મૃતકોમાં તમામ એક જ ફળિયાના હતા. જેમાં પાંચ યુવાનો તો કાકા-બાપાના જ દીકરા હતા. આ ઘટનાની જાણ થતાં 108ને પણ કોલ કરાયાની વાત સ્થાનિકે કહી હતી પરંતુ તે પણ ઘટનાસ્થળે સમયસર પહોંચી ન શકી હતી જેનાથી કોઈ યુવાનોને બચાવી શકાયા નહોતા.