Get The App

ગુજરાતમાં 24 કલાકમાં દુષ્કર્મની 4 ઘટના, મહિલા સુરક્ષાની વાતો વચ્ચે હવસખોરો બેફામ

Updated: Nov 27th, 2024


Google NewsGoogle News
ગુજરાતમાં 24 કલાકમાં દુષ્કર્મની 4 ઘટના, મહિલા સુરક્ષાની વાતો વચ્ચે હવસખોરો બેફામ 1 - image


Gujarat Crime News: મહિલાઓ અને દીકરીઓ માટે સુરક્ષિત કહેવાતા ગુજરાતમાં એક જ દિવસમાં દુષ્કર્મની ચાર ઘટનાઓ સામે આવી છે. ગુજરાતમાં એક જ દિવસમાં અમદાવાદ, અમરેલી અને ભાવનગરથી દુષ્કર્મની ઘટના સામે આવી છે. આ ચારેય ઘટના અમદાવાદના વાસણા, અમદાવાદના સાબરમતી વિસ્તાર, અમરેલીના વડીયા અને ભાવનગરના વરતેજ ગામમાં બની છે. આ ઘટનાઓમાં  એક યુવતી, બે સગીરા અને એક માસુમ બાળકી નરાધમોનો ભોગ બની છે.

અમરેલીમાં સામૂહિક દુષ્કર્મ

અમરેલીના વડીયામાં 21 વર્ષની યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. વડીયાના કુકાવાવ ગામમાં 21 વર્ષની યુવતીને લગ્નની લાલચ આપી ચાર વ્યક્તિઓ દ્વારા સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટના વિશે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે બળાત્કારનો ગુનો નોંધી આરોપીઓને શોધવાની તજવીજ હાથ ધરી છે. પોલીસે પ્રિતેશ આસોદરીયા, દકુ વેકરિયા, અનિલ દેસાઈ અને સોમા આલાણી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

આ પણ વાંચોઃ નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર ગોઝારો અકસ્માત : ત્રણ યુવાન મિત્રોના ઘટના સ્થળે અરેરાટી ભર્યા મોત

અમદાવાદમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ

અમદાવાદના વાસણા વિસ્તારમાં 12 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. આરોપીએ સગીરાની માતા સાથે મિત્રતા કરી હતી. મૈત્રી સંબંધના રૂપે તે અવાર-નવાર ઘરે પણ આવતો હતો. આ દરમિયાન તેની નજર પોતાની મિત્રની 12 વર્ષની બાળકી પર બગડી. સગીરા એકલી હોવાની જાણ થતાં આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. જોકે, સગીરાએ આ બાબતે પિતાને જાણ કરતા સમગ્ર મામલો ઉઘાડો પડ્યો હતો. સગીરાના પિતાએ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે. પોલીસે આરોપીની તાત્કાલિક ધોરણે ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

અમદાવાદમાં એક જ દિવસમાં બે દુષ્કર્મના કેસ

બીજી બાજુ અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી પણ દુષ્કર્મની ઘટના સામે આવી હતી. જ્યાં પાડોશી યુવકે 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ સગીરાને રસોઈના બહાને ઘરે બોલાવી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આરોપી એટલેથી ન અટકતા સગીરાની બદનામી કરી તેની બહેનને પણ મારી નાંખવાની ધમકી આપી હતી. સમગ્ર મામલે પરિવારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચોઃ વડોદરામાં 15થી વધુ વાર નોટિસ આપવા છતાં માઈકોન લેસર વેલ્ડિંગ ઇજારદારેને બ્લેક લિસ્ટ કરવા દરખાસ્ત

ભાવનગરમાં પાડોશીએ બાળકી પર આચર્યું દુષ્કર્મ

ભાવનગરના વરતેજ વિસ્તારમાં બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. પાડોશમાં રહેતા 21 વર્ષીય યુવકે ચારથી પાંચ વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી બોલાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મ બાદ બાળકીની સ્થિતિ નાજુક હોવાથી તેને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. પોલીસે સમગ્ર મામલે પાડોશી યુવક સામે પોક્સો હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી છે. 

ટાસ્ક ફોર્સની રચના પણ ગુનાખોરી યથાવત

મહત્ત્વનું છે કે તાજેતરમાં અમદાવાદ પોલીસે નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત ટાસ્ક ફોર્સ બનાવી છે. જેની રચનાના બે દિવસમાં જ અમદાવાદ શહેરમાં દુષ્કર્મની બે ઘટના બની છે. શહેરમાં ગુનાખોરી અટકાવવા બનાવાયેલી ટાસ્ક ફોર્સમાં 13 અધિકારીઓનો સમાવેશ કરાયો છે. આ ટાસ્ક ફોર્સ ટેકનોલોજીનો ઉપયોગ કરી ગુનાખોરી અટકાવશે. તેના માટે એક એપ્લિકેશન પણ બનાવાઈ છે. જેમાં દરેક ગુનાગારોનો રેકોર્ડ રાખવામાં આવ્યો છે. આ તમામ વ્યવસ્થા છતાં અમદાવાદમાં ગુનેગારોને પોલીસનો કોઈ ડર ન રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.


Google NewsGoogle News