ગાંધીનગરમાં આંદોલનકારી ફોરેસ્ટના ઉમેદવારોની પોલીસે કરી ટિંગાટોળી, તમામની કરાઈ અટકાયત
Forest Bitguard Candidates Protest : છેલ્લા ઘણાં સમયથી વન વિભાગની ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતી પ્રક્રિયા સતત વિવાદમાં છે. આ પરીક્ષા પ્રક્રિયા પૂર્ણ ન થતાં રાજ્યભરમાંથી ઉમેદવારો ગાંધીનગરમાં ઉમટી પડ્યા છે. ઉમેદવારો CBRT પદ્ધતિ રદ કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે પથિકાશ્રમ નજીક એકઠા થયેલા ઉમેદવારો અરણ્ય ભવન રજૂઆત કરવા પહોંચે તે પહેલા જ હાજર પોલીસ કર્મીઓએ ઉમેદવારોની અટકાત કરી હતી. છેલ્લા બે-ત્રણ વર્ષથી સરકારની નોકરીની રાહ જોઈને બેઠલા ઉમેદવારોનો આક્રોશ સાતમે આસમાને પહોંચ્યો છે. ઉમેદવારો સરકાર પાસે પોતાની માગણી સ્વીકારવાની અપીલ કરી રહ્યા છે.
પોલીસ જવાનોએ ઉમેદવારોની ટિંગાટોળી કરી
ગાંધીનગરના પથિકાશ્રમ ખાતે મોટી સંખ્યામાં ઉમેદવારો આંદોલન અને રજૂઆત માટે એકઠા થયા હતા. અહીં ઉમેદવારો દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરાયા હતા. આ દરમિયાન પોલીસ જવાનોએ ઉમેદવારની ટિંગાટોળી કરીને અટકાયત કરી હતી. આ ઘટના પર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે X પર વીડિયો શેર કરતાં લખ્યું છે કે, 'ઉમેદવારો છે કે આતંકવાદી?'
ઉમેદવારો છે કે આતંકવાદી ?#ફોરેસ્ટ #બીટ_ગાર્ડ pic.twitter.com/iAAu1q7saj
— Yuvrajsinh Jadeja (@YAJadeja) September 24, 2024
ચાલુ ભરતીમાં 700 ખાલી જગ્યાઓ વધારી દેવામાં આવે : ઉમેદવારોની માંગ
ઉમેદવારે જણાવ્યું હતું કે, 'અમે ફોરેસ્ટના ઉમેદવાર છીએ. અમે સતત દોઢ-બે મહિનાથી સરકારને રજૂઆત કરી છે અને કચેરીઓના ધક્કા ખાધા છે છતાં પણ માગણી સ્વીકારાઈ નથી. જનપ્રતિનિધિઓ અને ધારાસભ્યોને 43 જેટલા પત્રો અપાયા છે. સરકાર અમારો અવાજ સાંભળવા તૈયાર નથી. જેથી કરીને અમારે આંદોલનનો રસ્તો અપનાવવો પડ્યો છે. સરકારને નમ્ર અપીલ છે કે જીદ છોડીને અમારી માંગણીઓ સ્વીકારવામાં આવે. મહેકમ મુજબ 500-700 ખાલી જગ્યાઓ છે જે ચાલુ ભરતીમાં વધારી દેવામાં આવે. જેથી અમને લાભ મળે અને મહેનત સફળ જાય.' તો અન્ય એક ઉમેદવારે જણાવ્યું હતું કે, 'આ છેલ્લી વખત અપીલ છે, હવે પછી અમે આનાથી પણ ઉગ્ર આંદોલન કરીશું. વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે. 'માર્ક્સ આપી દો અને જગ્યા વધારી દો' આ બે જ અમારી નમ્ર અપીલ છે.' અન્ય ઉમેદવારના જણાવ્યા અનુસાર, ફોરેસ્ટ બીટ ગાર્ડની ભરતીને અઢીથી ત્રણ વર્ષ થઈ ગયા છતાં ભરતી સંપૂર્ણ પારદર્શિતા સાથે થઈ નથી. ગોપનીયતાના નામે અમારા રિઝલ્ટમાં માર્ક જાહેર કરવામાં આવતા નથી. તો અન્ય પરીક્ષાઓના માર્ક જાહેર કેમ કરાય છે? CBRT પદ્ધતિના કારણે ખરાબ પરિણામ આવ્યું છે. અમે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે, અમારી માગણી સ્વીકારો, અમારા પર અત્યાચાર કરવાનું બંધ કરો.
શું છે સમગ્ર મામલો?
8થી 27 ફેબ્રુઆરી 2024 સુધીમાં રાજ્યમાં વનવિભાગની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 823 જગ્યા માટે 8 લાખ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી અને 4 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. જેના પરિણામમાં આઠ ગણા ઉમેદવારો જાહેર થતાં જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે. CBRT નોર્મલાઇઝેશન મેથડના કારણે અન્યાય થયો હોવાનો ઉમેદવારોનો આક્ષેપ છે. ત્યારે આજે ફરીવાર પડતર માંગણીને લઈને ઉમેદવારો ગાંધીનગર આવી પહોંચ્યા હતા. જ્યાં પોલીસે 300 જેટલા ઉમેદવારોની અટકાયત કરી હતી. તેમ છતાં બીજા દિવસે મોટી સંખ્યામાં આ ઉમેદવારો ગાંધીનગરમાં સેન્ટ્રલ વિસ્ટા એટલે કે વિધાનસભા સામે એકઠા થઈ ગયા હતા. જેના કારણે ગાંધીનગર પોલીસ પણ દોડતી થઈ હતી. ત્યારબાદ આગેવાનોને સરકાર સાથે મંત્રણા કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં આઠ ગણા ઉમેદવારોને બદલે 25 ગણા ઉમેદવારોના પરિણામ જાહેર કરવાની તેમજ 8 ઑગસ્ટે ઉમેદવારોની યાદી જાહેર કરવાની પણ બાંહેધરી આપવામાં આવી હતી. જો કે હજી આંદોલન શમવાનું નામ લેતું નથી અને ઉમેદવારો દ્વારા CBRT પરીક્ષા પદ્ધતિ જ રદ કરવાની માંગ યથાવત્ રાખવામાં આવી છે. સરકાર દ્વારા તેમની માંગણીઓ સત્વરે સંતોષવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાના પણ એંધાણ વર્તાઈ રહ્યા છે.