Get The App

કૃષિ સહાય પેકેજમાં વ્હાલા દવાલાની નીતિ, ઓછું વળતર ચૂકવવા ખેડૂતોને બિનપિયતના ફોર્મ ભરાવાયા

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
કૃષિ સહાય પેકેજમાં વ્હાલા દવાલાની નીતિ, ઓછું વળતર ચૂકવવા ખેડૂતોને બિનપિયતના ફોર્મ ભરાવાયા 1 - image


Gujarat Farmers: આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદને કારણે ખેડૂતોની ખેતી તબાહ થઈ છે. જગતના તાતના મોંમાંથી કોળિયો છીનવાયો છે. દિવાળીના તહેવારોમાં હોળી જેવો માહોલ પ્રવર્તી રહ્યો છે. ખેડૂતોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકારે 1419 કરોડ રૂપિયાનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર તો કર્યુ છે. પરંતુ વ્હાલા દવાલાની નીતિ અપનાવાતા ખેડૂતો નારાજ થયા છે. એટલું જ નહીં, ઓછું વળતર ચૂકવવું પડે તે માટે ખેડૂતોને પિયતને બદલે બિનપિયત પાકના ફોર્મ ભરાવવામાં આવી રહ્યા હોવાની ફરિયાદો ઊઠી છે. ખેડૂત સંગઠનોનો આક્ષેપ છે કે, મોટા ઉપાડે સહાય પેકેજ જાહેર કર્યું, પરંતુ સરકાર ખેડૂતોને 500 કરોડ રૂપિયા પણ ચૂકવશે નહીં.

રાજ્ય સરકારે બે રાહત સહાય પેકેજની જાહેરાત કરી

આ વખતે ગુજરાતમાં વરસાદે ભારે ખાનાખરાબી સર્જી દીધી છે. મગફળી, ડાંગર, કપાસથી માંડીને શાકભાજી સહિતના અન્ય પાકોને વરસાદી પાણીથી વ્યાપકપણે નુકસાન પહોંચ્યું છે. માત્ર પાક જ નહીં, ખેતરની જમીનો ધોવાઈ ગઈ છે. આ સંજોગોમાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં બે રાહત સહાય પેકેજની જાહેરાત કરી છે. અગાઉ 350 કરોડ રૂપિયાના સહાય પેકેજમાં હજુ ખેડૂતોને માંડ 50 કરોડ રૂપિયા મળ્યા છે. ત્યાં સરકારે ફરી 1419 કરોડ રૂપિયાના પેકેજની જાહેરાત કરી દીધી છે. 

આ પણ વાંચો: દિવાળીએ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો, કોમર્શિયલ LPGના ભાવમાં એકઝાટકે આટલો વધારો ઝીંકાયો

ખેડૂત સંગઠનોનું કહેવું છે કે, સરકાર સહાય પેકેજનો લાભ આપવામાં ય વ્હાલા દવલાની નીતિ અપનાવી રહી છે જેમ કે, પિયત પાકનું નુકસાન થયું હોય તો ખેડૂતને 44 હજાર રૂપિયા સહાય ચૂકવવી પડે છે. જ્યારે બિનપિયત
પાકમાં નુકસાની પેટે 22 હજાર રૂપિયા ચૂકવવાના હોય છે. આ સંજોગોમાં ઓછું વળતર ચૂકવવું પડે તે માટે ખેડૂતોને બિનપિયત પાકના ફોર્મ ભરવા માટે ફરજ પાડવામાં આવી રહી છે.

આ વિસ્તારોને સહાય પેકેજમાંથી બકાત રખાયા

એવી પણ ફરિયાદો ઊઠી છે કે, ઘેડ વિસ્તારમાં 4 મહિનાથી વરસાદી પાણી ભરાયા છે, ત્યાં ગણતરીના ખેડૂતોને સહાય પેકેજનો લાભ મળ્યો છે. જ્યારે અન્ય જિલ્લામાં તમામ ખેડૂતોને પેકેજનો લાભ અપાયો છે. ખરેખર નુકસાન થયું હોય તેવા ખેડૂતો સહાયની વાટ જોઈને બેઠાં છે. પોરબંદર, અમરેલી, વિસાવદર સહિતના વિસ્તારોને સહાય પેકેજમાંથી બાકાત રખાયા છે. 

'સરકારે લીલો દુકાળ જાહેર કરવો જોઈએ'

ખેડૂત સંગઠનો કહી રહ્યા છે કે, વર્ષ 2019માં પણ સરકારે કૃષિ સહાય પેકેજની માટા ઉપાડે જાહેરાત કરી હતી. પરંતુ 1200 કરોડ રૂપિયા જ ખેડૂતોને ચૂકવાયા હતા. એ જ પ્રમાણે આ વખતે પણ 1769 કરોડ રૂપિયાના સહાય પેકેજની જાહેરાત કરાઈ છે. ત્યારે ખેડૂતોને માંડ 500 કરોડ રૂપિયા ચૂકવાશે. એવી માંગ કરવામાં આવી છે કે, રાહત સહાય પેકેજના નાટક બંધ કરીને સરકારે લીલો દુકાળ જાહેર કરવો જોઈએ.

કૃષિ સહાય પેકેજમાં વ્હાલા દવાલાની નીતિ, ઓછું વળતર ચૂકવવા ખેડૂતોને બિનપિયતના ફોર્મ ભરાવાયા 2 - image


Google NewsGoogle News