ગુજરાતના ખેડૂતો ખાસ વાંચે : મગફળી સહિતના ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદીની તારીખ લંબાવાઈ
Gujarat Farmer News: ગુજરાત સરકારે રાજ્યના ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ મળી રહે તે માટે ખરીફ પાકોને ટેકાના ભાવે ખરીદવાનું આયોજન કર્યું છે. ખેડૂતો ટેકાના ભાવ માટે નાફેડનું ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર 3 ઓક્ટોબરથી 31 ઓક્ટોબર સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, રાજ્યના કોઈ ખેડૂત ટેકાના ભાવથી વંચિત ન રહી જાય તે માટે નોંધણીની પ્રક્રિયા વધારી આગામી 11 નવેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે.
આ પણ વાંચોઃ શાકભાજીના ભાવમાં કોણ કરી રહ્યું છે ભડકો, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ જાહેર કરી હકીકત
ટેકાના ભાવે કરશે ખરીદી
રાજ્ય સરકારે ટેકાના ભાવ હેઠળ ખેડૂતો પાસેથી 7,645 કરોડ રૂપિયાના મૂલ્યની 11.27 લાખ મેટ્રિક ટન મગફળી, 450 કરોડના મૂલ્યની 92 હજાર મેટ્રિક ટન સોયાબીન, 370 કરોડ રૂપિયાના મૂલ્યની 50,970 મેટ્રિક ટન અડદ અને 70 કરોડ રૂપિયાના મૂલ્યની 8 હજાર મેટ્રિક ટન મગની મળીને કુલ 8,474 કરોડ રૂપિયાના મૂલ્યની આશરે 12.78 લાખ મેટ્રિક ટન જણસીના ટેકાના ભાવે ખરીદી કરશે.
નોંધણીની તારીખ વધારી
નોંધનીય છે કે, ભારત સરકાર દ્વારા વર્ષ 2024-25 માટે મગફળીના ટેકાના ભાવ માટે 6,783 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, મગનો ટેકાનો ભાવ 8,682 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ, અડદનો ટેકાનો ભાવ 7,400 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ તથા સોયાબિનનો ટેકાનો ભાવ 4,892 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. રાજ્યના 160 જેટલાં ખરીદ કેન્દ્રો પર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીના ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ બાદ 11 નવેમ્બર 2024 થી 8 ફેબ્રુઆરી 2025 સુધી કરવામાં આવશે.