ભાજપમાં નવા જૂનીના એંધાણ, નારાજ પૂર્વ મંત્રીએ કોંગ્રેસના આગેવાનો સાથે બેઠક કરતાં ચર્ચા શરૂ
Gujarat jawahar Chavda and BJP News | ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસિમાએ પહોંચ્યો છે. ઘણાં લાંબા વખતથી નારાજ પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા કઈક નવાજૂની કરવાના મૂડમાં છે. એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, જવાહર ચાવડાએ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાથે ખાનગીમાં બેઠક કરી છે. આ જોતાં આગામી દિવસોમાં જવાહર ચાવડા કોંગ્રેસમાં ઘરવાપસી કરે તેવા એંધાણ છે જેના પગલે ગુજરાતનું રાજકારણ ગરમાયુ છે.
પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડા ઘણાં વખતથી નારાજ છે. એટલુ જ નહીં, ટોલટેક્સના મુદ્દાને લઇને જવાહર ચાવડા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વચ્ચે પણ કોલ્ડવોર ચરમસીમાએ છે. ઉલ્લેખનીય છે કે, પોરબંદરની પેટાચૂંટણી વખતે મનસુખ માંડવિયાએ જવાહર ચાવડા પર નિશાન સાધી એવુ કહ્યું હતું કે, જે વ્યક્તિ પક્ષના નિશાન લઈને ફરે છે તેમણે પક્ષનું કામ કરવું જોઇએ.
દરમિયાન, જવાહર ચાવડાનું કહેવું છે કે, ભાજપ પક્ષવિરોધીઓને જ છાવરે છે. જેમણે ચૂંટણીમાં પક્ષના ઉમેદવારને હરાવવાનું ખુલ્લેઆમ કૃત્ય કર્યુ છે તેની સામે પગલાં ભરવામાં આવતા નથી. વર્ષ 2017માં જે ભાજપના નેતાઓએ કોંગ્રેસને મદદ કરી હતી. એ જ નેતાઓએ વર્ષ 2019માં પણ ભાજપના ઉમેદવારને હરાવવાનું કૃત્યુ કર્યુ હતું.
પ્રદેશ પ્રમુખ પાટીલથી માંડીને વડાપ્રધાનનું ધ્યાન દોરવામાં આવ્યુ છે તેમ છતાંય પક્ષવિરોધીઓને ઉની આંચ આવી નથી. જવાહર ચાવડાએ એવી આગાહી કરી છેકે, ધારાસભ્ય અરવિંદ લાડાણીની ય મારા જેવી દશા થવાની છે. લાડાણી ભાજપની ચંડાળચોકડીના નિશાને છે.
એવુ જાણવા મળ્યું છેકે, જવાહર ચાવડા કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે. શક્તિસિંહ ગોહિલ સાથે તો બેઠક સુધ્ધાં થઈ છે. સૂત્રોના મતે, જવાહર ચાવડા જીલ્લા- તાલુકા પંચાયતની ચૂંટણીઓ પહેલાં સમર્થકો સાથે કોંગ્રેસમાં ઘરવાપસી કરે તેવી શક્યતા જોવાઈ રહી છે.