ગુજરાતમાં શિક્ષણ સહાયકની ભરતીના નિયમ બદલાયા, જાણી લો નવી પ્રક્રિયા
Image:Envato |
Teacher Recruitment Rules In Gujarat: ગુજરાતની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની ભરતી માટેના નવા નિયમો સાથેનું નોટિફિકેશન શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયું છે. જે મુજબ હવે ટાટ(ટીચર્સ એપ્ટિટ્યુડ ટેસ્ટ )ના જ માર્કસના આધારે સંપૂર્ણ ભરતી થશે. ટાટ પરીક્ષામાં જે ઉમેદવારોને 60 ટકા માર્કસ હશે તે જ માધ્યમિકમાં શિક્ષણ સહાયક માટે લાયક ગણાશે.
સિલેક્શન કમિટી દ્વારા કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા થશે
સિલેક્શન કમિટી દ્વારા કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા થશે. આ કમિટીમાં ચેરમેન કમિશ્નર ઑફ સ્કૂલ રહેશે અને અન્ય ચાર મેમ્બરો તેમજ એક મેમ્બર સેક્રેટરી સહિત 6 સભ્યો રહેશે. કમિટી દ્વારા લાયક ઉમેદવારોની અરજીના આધારે ત્રણ લિસ્ટ બનાવાશે. જેમાં એક લાયક ઉમેદવારોનું લિસ્ટ, એક વેઇટિંગ લિસ્ટ અને એક ગેરલાયક ઉમેદવારોનું લિસ્ટ. આ લિસ્ટ તૈયાર કરીને રિઝલ્ટ સાથે વેબસાઇટ પર જાહેર કરાશે. 20 ટકા ઉમેદવારોનું લિસ્ટ વેઇટિંગ લિસ્ટ રહેશે. અગાઉ વર્ષ 2017માં પ્રાયમરીમાં વિદ્યાસહાયક માટેની ભરતીના નિયમો જાહેર કરાયા હતા.
આ પણ વાંચો: જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા પોર્ટલ દ્વારા ઓનલાઇન કરાશે, શિક્ષણ વિભાગ દ્વારા સૂચનાઓ જાહેર
શાળાઓ પાસેથી વર્ગઘટાડાની દરખાસ્તો મંગાવાઈ
રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વર્ગ ઘટાડા માટેની દરખાસ્ત મંગાવવામાં આવી છે. અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તમામ ગ્રાન્ટેડ સ્કૂલોને પરિપત્ર કરીને ચાલુ શૈક્ષણિક વર્ષમાં સરકારના ઠરાવ મુજબ જો વિદ્યાર્થીની સંખ્યા ના જળવાતી હોય તો વર્ગ ઘટાડાની દરખાસ્ત કરવા આદેશ કરાયો છે. સ્કૂલોએ આધાર પુરાવા સાથે પાંચ દિવસમાં આ દરખાસ્ત કરવાની રહેશે.