દેવભૂમિ દ્વારકામાં સતત બીજા દિવસે ડિમોલિશન, 76 ગેરકાયદે દબાણો પર ચાલ્યું બુલડોઝર
Dwarka Mega Demolition: દેવભૂમિ દ્વારકામાં સતત બીજા દિવસે તંત્રની દબાણ દૂર કરવાની કામગીરી હજુ સુધી યથાવત રહી છે. વહેલી સવારથી જ અલગ-અલગ ગેરકાયદેસર જગ્યાઓ પર થયેલાં દબાણને દૂર કરવામાં આવી રહ્યા છે. ગત રોજ 76 જેટલાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેમાં 6 કરોડ 53 લાખની કિંમતની 12, 400 મીટર જેટલી જમીન ખુલ્લી કરવામાં આવી છે. રવિવારે પણ 50 થી વધુ દબાણો દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. દબાણ દૂર કરવાની પ્રક્રિયા દરમિયાન મરીન પોલીસ બોટ દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.
દ્વારકામાં હાથ ધરાયેલા મેગા ડિમોલિશનના કારણે તમામ યાત્રિકો માટે બેટ દ્વારકામાં આવન-જાવન પર પ્રતિબંધ લગાવાયો છે. યાત્રિકોનો દ્વારકામાં પ્રવેશ અટકાવવા માટે બેરિકેટ લગાવવામાં આવ્યા છે. જોકે, મંદિરમાં પૂજા-અર્ચનાનો કાર્યક્રમ રાબેતા મુજબ શરુ છે.
આ પણ વાંચોઃ બેટ દ્વારકામાં ગેરકાયદે બાંધકામો પર સરકારની બુલડોઝરવાળી...1000 પોલીસકર્મીઓ ખડેપગે
કાયદાકીય કાર્યવાહી બાદ એક્શન લેવાઈ
નોંધનીય છે કે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અગાઉ પણ અનધિકૃત રીતે સરકારી જમીન પર કરેલાં અતિક્રમણ સંદર્ભે જિલ્લા પ્રશાસને જરૂરી સરવે કરી નોટિસ આપવા સહિતની કાયદાકીય કાર્યવાહી કરી હતી. ત્યારબાદ આ અંગેની મુદત પૂર્ણ થયા બાદ દ્વારકાના પ્રાંત અધિકારી અમોલ આપ્ટે તેમજ તેમની ટીમ દ્વારા જિલ્લા પોલીસ પ્રશાસનને સાથે રાખી પંથકમાં કરાયેલા ગેરકાયદેસર ધાર્મિક, રહેણાંક તેમજ કોમર્શિયલ વિસ્તારની સરકારી જગ્યા પરના દબાણ દૂર કરવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે આ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ ફ્લાવર શૉમાં નકલી ટિકિટ મામલે એક્શન, પોલીસે આરોપીની ધરપકડ કરી
એક વર્ષ પહેલાં પણ દૂર કરાયા હતા દબાણ
ઉલ્લેખનીય છે કે, એક વર્ષ પહેલાં પણ દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. જોકે, ત્યારબાદ ફરી અનેક જગ્યાએ લોકો દ્વારા દબાણો કરવામાં આવ્યા હતા. તંત્રને આ વિશે જાણ થતાં જ ફરીથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મહત્ત્વનું છે કે, નવી કોઈ સૂચના ન મળે ત્યાં સુધી દ્વારકામાં સંપૂર્ણ રીતે ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.