ગુજરાત ડેંગ્યુના ભરડામાં : રાજ્યમાં ચારના મોત, અમદાવાદમાં ઘેર ઘેર માંદગીના ખાટલા

Updated: Sep 7th, 2024


Google NewsGoogle News
ગુજરાત ડેંગ્યુના ભરડામાં : રાજ્યમાં ચારના મોત, અમદાવાદમાં ઘેર ઘેર માંદગીના ખાટલા 1 - image


Ahmedabad Dengue Epidemic : ગત 15 દિવસથી ગુજરાતમાં ભારે વરસાદ ખાબક્યા બાદ રાજ્યમાં મચ્છરજન્ય રોગોના કેસમાં ચિંતાજનક રીતે સતત વધારો થઈ રહ્યો છે. ઠેર-ઠેર પાણી ભરાતાં મચ્છરોનો ત્રાસ વધી ગયો છે. રાજ્યના મોટા શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદમાં 688 કેસ, વડોદરમાં 198 કેસ, રાજકોટમાં 120 કેસ જ્યારે સુરતમાં 71 કેસ નોંધાયા છે. ડેંગ્યુના લીધે અમદાવાદમાં 3 બાળકોના મોત થયા છે, જ્યારે સુરતમાં 1 મહિલાનું મૃત્યુ થયું છે. જો કે અમદાવાદમાં ઑગસ્ટ મહિનામાં મચ્છરજન્ય એવા ડેંગ્યુના 345 કેસ નોંધાયા હતા. 

સોલા સિવિલ ખાતે છેલ્લા એક સપ્તાહમાં ડેંગ્યુના 174 જ્યારે અસારવા સિવિલમાં પાંચ દિવસમાં 61 કેસ નોંધાયા છે. અસારવા સિવિલની વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ દિવસમાં ઓપીડીમાં 23058 દર્દી નોંધાયા છે જ્યારે 1998 દર્દીને દાખલ કરાયા છે. ડેંગ્યુના ગત મહિને 247 કેસ હતા, જેની સરખામણીએ છેલ્લા પાંચ દિવસમાં 61 દર્દી નોંધાયા છે.  

આ સિવાય છેલ્લા પાંચ દિવસમાં મલેરિયાના 10, ઝેરી મલેરિયાના 1, ચિકનગુનિયાના ચાર, બાળકને ડેંગ્યુના 16, વાયરલ ફીવરના 68 કેસ નોંધાયા છે. ગત સમગ્ર મહિનામાં મલેરિયાના 101, ચિકનગુનિયાના 39, વાયરલ ફીવરના 962 કેસ નોંધાયા હતા. આ ઉપરાંત બાવન વર્ષીય મહિલાને સ્વાઇન ફ્‌લૂને પગલે શુક્રવારે દાખલ કરાઈ હતી.  

સોલા સિવિલમાં છેલ્લા એક સપ્તાહમાં ડેંગ્યુના 174, મેલેરિયાના 16, ચિકનગુનિયાના 9, વાયરલ ફીવરના 1703 કેસ નોંધાયા છે જ્યારે સ્વાઇન ફ્‌લૂના પાંચ દર્દી છે. એક સપ્તાહમાં ડેંગ્યુના 716 શંકાસ્પદ કેસ હતા. આમ, વાયરલ ફીવરના કેસમાં સાધારણ ઘટાડો જ્યારે મચ્છરજન્ય બીમારીના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. 

આ પણ વાંચો :  ચોમાસામાં વધી શકે છે ડેંગ્યુનો ખતરો, જો આ લક્ષણ દેખાય તો અવગણવા નહીં

 969 સેમ્પલ અનફીટ

અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો વકરવા પાછળ પ્રદૂષિત પાણી કારણભૂત હોવાનું તારણ સામે આવ્યું છે. આઠ મહિનામાં મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા પૂરા પાડવામાં આવતા પાણી ઉપરાંત બોરવેલના પાણીના તપાસ માટે લેવામાં આવેલા સેમ્પલ પૈકી 969 સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે. મધ્ય, દક્ષિણ અને પૂર્વ ઝોનના વિવિધ વોર્ડ વિસ્તારમાં પ્રદૂષિત પાણીની સૌથી વધુ અસર જોવા મળી છે. 

ડેંગ્યુના કેટલાક દર્દીઓની પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટી જાય છે, જે ખૂબ જ ખતરનાક માનવામાં આવે છે. પ્લેટલેટ્સ કાઉન્ટ 50,000 કરતાં ઓછું હોવું જીવલેણ સાબિત થઈ શકે છે. તેથી જ આહાર અને યોગ્ય સારવારની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો :  ચોમાસામાં ડેન્ગ્યૂ જેવી બીમારી ફેલાય તે માટે ક્લાઇમેટ ચેન્જ પણ જવાબદાર છે, જાણો કેવી રીતે

ડેંગ્યુના લક્ષણો

છથી સાત દિવસ સુધી સતત તાવ

સાંધા દુખવા

શરીર તૂટવું

માથામાં દુખાવો

ઝાડાં ઊલટી

શરીર પર ચાઠાં પડે અને ખંજવાળ આવવી 

બકરીનું દૂધ ફાયદાકારક 

બકરીના દૂધમાં વિટામિન B6, B12, C અને D ભરપૂર માત્રામાં હોય છે. તેમાં ફોલેટ બાઇન્ડિંગ કરનારા કંપોનેટ્સ પણ વધુ હોય છે, જેના કારણે ફોલિક એસિડની માત્રા પણ વધે છે. બકરીના દૂધમાં પ્રોટીન જટિલ નથી, જે તેને પચવામાં એકદમ સરળ બનાવે છે. તેની મદદથી બ્લડ કાઉન્ટ પણ વધે છે.


Google NewsGoogle News