ગુજરાતનાં યુવાનોને લાગ્યો વિદેશનો ચસ્કો, પાસપોર્ટ સરેન્ડર કરનારા થયા ડબલ: આ દેશ સૌથી મનપસંદ
Renouncing Citizenship : ગુજરાતનાં યુવાનોને વિદેશ જવાનો ચસ્કો લાગ્યો હોવ તેવો રિપોર્ટ સામે આવ્યો છે. રિપોર્ટ મુજબ ગુજરાતમાં રહેનારા લોકો ભારતની નાગરિકતા છોડીને વિદેશમાં વસવાટ કરવાની ઘટનાઓ વધી રહી છે. એક વર્ષમાં પાસપોર્ટ સરેન્ડર કરનારાઓની સંખ્યા બમણી થઈ ગઈ છે.
1,187 લોકોએ ભારતીય નાગરિકતા છોડી
રિપોર્ટ મુજબ જાન્યુઆરી 2021થી ગુજરાતના 1,187 લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે. જ્યારે વર્ષ 2023માં 485 પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યો છે. આ પહેલા વર્ષ 2022માં 241 પાસપોર્ટ સરેન્ડર કરવામાં આવ્યા હતા. આમ ગુજરાતીઓમાં પાસપોર્ટ સરેન્ડર કરવાની પ્રવૃત્તિઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.
ગુજરાતીઓ ભારત છોડી વિદેશમાં વસ્યા
લોકલ પાસપોર્ટ ઓફિસ (Passport Office)ના ડેટા મુજબ રાજ્યના સુરત, નવસારી, વલસાડ અને નર્મદા સહિત દક્ષિણ ગુજરાતના રહેવાસીઓ પાસપોર્ટ સરેન્ડર કરી રહ્યા છે. આ જિલ્લાઓમાંથી પાસપોર્ટ સરેન્ડર કરનારાઓની સંખ્યા મે-2024માં 244 પર પહોંચી ગઈ છે.
પાસપોર્ટ સરેન્ડર કરનારાઓની ઉંમર 30થી 45
અધિકારીઓના ધ્યાને આવ્યું છએ કે, જે લોકોએ પાસપોર્ટ સરેન્ડર કરાવ્યો છે, તેઓ 30થી 45 વર્ષની ઉંમરના લોકો છે. આમાંથી મોટાભાગના લોકો અમેરિકા (America), બ્રિટન (Britain), કેનેડા (Canada) અને ઓસ્ટ્રેલિયા (Australia) જેવા દેશોમાં જઈને વસ્યા છે.
આ પણ વાંચો : પાસપોર્ટ ઓનલાઈન રિન્યૂ કેવી રીતે કરવો? જાણો જરુરી ડોક્યુમેન્ટ, ફી સહિતની તમામ માહિતી
ગુજરાતના 22,300 લોકોએ ભારતીય નાગરિકતા છોડી
સંસદ (Parliament)ના ડેટા મુજબ વર્ષ 2014થી 2022 વચ્ચે ગુજરાતના 22 હજાર 300 લોકોએ ભારતીય નાગરિકતા છોડી છે. દેશની વાત કરીએ તો સૌથી વધુ દિલ્હી (Delhi)ના 60 હજાર 414, પંજાબ (Punjab)ના 28 હજાર 717 લોકોએ નાગરિકતા છોડી છે, જ્યારે આ મામલે ગુજરાત (Gujarat)નો ત્રીજો નંબર આવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, કોરોનાકાળ બાદ ભારતની નાગરિકતા છોડનારાઓની સંખ્યામાં વધારો થયો છે.