‘...તો 23મીથી રાજ્યવ્યાપી આંદોલન’, 10 માંગ લઈને ગયેલા દલિત આગેવાનોને CM સુધી જતા અટકાવાયા
Gujarat News: ગુજરાતના દલિત સમાજના આગેવાનો લેખિતમાં સમાજના પ્રશ્નો લઈને ગાંધીનગર સચિવાલય ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. આગેવાનો અહીં મુખ્યમંત્રી કાર્યાલય રજૂઆત કરવા આવ્યા હતા, જોકે મુખ્યમંત્રી કાર્યાલયના અધિકારીઓએ તેમને મુલાકાત કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ દલિત સમાજના કર્મશીલોએ આક્ષેપ કર્યો કે, તેમની રજૂઆત સાંભળવામાં પણ રાજ્યના મુખ્યમંત્રી રાજકીય આભડછેટ રાખી રહ્યાં છે.
મુખ્યમંત્રીએ દલિત સમાજના કર્મશીલો સાથે મુલાકાત ન કરતા નારાશ
છેલ્લા ઘણાં સમયથી દલિત સમાજના જે મુદ્દાઓ અને પ્રશ્નોનો ઉકેલ નથી થયો, તે સંદર્ભે આજે ગાંધીનગર સચિવાલય ખાતે મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરવા માટે આશરે 30થી 35 જેટલા દલિત કર્મશીલો મુખ્યમંત્રીના જન સંપર્ક કાર્યાલય પહોંચ્યા હતા. તેઓને મુખ્યમંત્રી જન સંપર્ક કાર્યાલય ખાતે બેસાડીને તેમની મુલાકાત અધિક મુખ્ય સચિવ ગૃહ સાથે કરાવવામાં આવી હતી. જ્યાં તેઓએ લેખિતમાં પોતાની રજૂઆત કરી હતી. દર સોમવારે રાજ્યના મુખ્યમંત્રી રાજ્યભરથી આવતા અરજદારોને અને મુલાકાતીઓને રૂબરૂ મળતા હોય છે, પરંતુ આજે જ્યારે દલિત સમાજના કર્મશીલો સમાજના પ્રશ્નો મુદ્દે રજૂઆત કરવા આવ્યા ત્યારે તેમની સાથે આ ઘટના બનતા તેઓએ નારાજગી વ્યક્ત કરી છે.
આ પણ વાંચોઃ વાહન લઈને નીકળો તો ધ્યાન રાખજો! વરસાદમાં ધોવાણ બાદ ગુજરાતનાં આટલા રસ્તા બંધ
દલિત સમાજના આગેવાનોએ 10 મુદ્દાની રજૂઆત કરી
મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત કરવા આવેલા દલિત કર્મશીલોએ મુખ્યમંત્રીને આપવાનું આવેદનપત્ર દર્શાવતા જણાવ્યું કે, ગુજરાતને અસ્પૃશ્યતમુક્ત જાહેર કરી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવવામાં આવે, પાટીદાર આંદોલનના 255 ફોજદારી કેસ પાછા ખેંચી લેવામાં આવ્યા પણ દલિતો સામેના કેસો પાછા ખેંચવામાં ભેદભાવ કરવામાં આવ્યો છે, સફાઈકામ માટે આધુનિક મશીન વસાવવા, અનુ. જાતિની લોનની સહાયમાં વધારો કરવો, સ્કોલરશીપ/ફ્રી-શીપ કાર્ડ- આવકમર્યાદા, ફાળવેલી જમીનોની કબજાસોંપણી, નવી જમીન ફાળવણી, જેમાં વિધવા અને વાલ્મિકી બહેનોને પ્રાથમિકતા સહિત 10 મુદ્દાઓની રજૂઆત કરવામાં આવી છે.
દલિત કર્મશીલોની રાજ્યવ્યાપી આંદોલન કરવાની ચેતવણી
આ સાથે દલિત કર્મશીલોએ ચેતવણી આપતાં જણાવ્યું કે, જો આગામી 23 સપ્ટેમ્બર, 2024 (સંકલ્પ દિવસ) સુધીમાં રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો દલિતો દ્વારા રાજ્યવ્યાપી આંદોલન કરવામાં આવશે.