ગુજરાતમાં આયુર્વેદિક તબીબોને એલોપેથીની છૂટ આપવા વિચારણા, IMAનો ભારે વિરોધ
Representative image |
Ayurvedic Doctor: આયુર્વેદમાં અભ્યાસ કરીને બનેલા તબીબો જરૂરિયાત અનુસાર એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે તેના માટે થયેલી રજૂઆતાન સંદર્ભમાં આરોગ્ય વિભાગ દ્વારા આ મુદ્દે વિચારણ કરવા બેઠકનું આયોજન કરાયું છે. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના મતે આયુર્વેદના ડોક્ટરોને એલોપેથીની પ્રેક્ટિસ કરવાની છૂટ આપવી યોગ્ય નથી અને તેનાથી ગુજરાતના દર્દીઓનું સ્વાસ્થ્ય જોખમાઇ શકે છે.
તાજેતરમાં અમદાવાદના એક અરજદાર દ્વારા આરોગ્ય વિભાગ સમક્ષ એવી અરજી કરવામાં આવી હતી. જેમાં આયુર્વેદમાં અભ્યાસ કરી બનેલા તબીબોને જરૂરિયાત અનુસાર એલોપેથીની પ્રેક્ટિસ કરી શકે તે માટે વિચારણા થવી જોઈએ. જેના સંદર્ભમાં આરોગ્ય-પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ દ્વારા આગામી ત્રીજી જાન્યુઆરીના એક બેઠકનું આયોજન કરાયું છે. આ બેઠકમાં અરજદારને પણ ઉપસ્થિત રહેવાની સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો: 6000 કરોડનું BZ કૌભાંડ તપાસ બાદ 450 કરોડનું થઈ ગયું, એક કરોડથી વધુ રોકાણ કરનારા 10 લોકો
'આયુર્વેદના ડોક્ટરો એલોપેથીની પ્રેક્ટિસ કરશે તો સ્વાસ્થ્ય વ્યવસ્થા ખોરવાશે'
જો કે, આ રીતે આયુર્વેદના ડોક્ટરોને એલોપેથીની પ્રેક્ટિસ કરવાની છૂટ સામે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન ઉગ્ર વિરોધ નોધાવ્યો છે. આરોગ્ય સચિવને સંબોધીને લખેલા પત્રમાં ઈન્ડિયન મેડિકલ એસોસિએશને જણાવ્યું હતું કે, 'નોન- એલોપેથીના ડોક્ટરોને એલોપેથીની પ્રેક્ટિસ કરવાની છૂટ આપવી જોઈએ જ નહીં. આ છૂટ અપાશે તો ગુજરાતના લોકોના સ્વાસ્થ્ય-સલામતી ઉપર અસર પડી શકે છે. એવા અનેક કિસ્સા સામે આવ્યા છે જેમાં એલોપેથીની પૂરતી તાલીમ વિના તેની દવા આપનારા ડોક્ટરોથી જે જોખમ સર્જાયું છે અને ઘણાં કિસ્સામાં દર્દીઓના જીવન પર પણ સંકટ ઊભું થયું છે.'
ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના જણાવ્યાનુસાર, 'આ પ્રકારની ગેરમાન્ય પ્રેક્ટિસ તાકીદે અટકાવવામાં નહીં આવે તો તેનાથી સ્વાસ્થ્યક્ષેત્ર ભારે સંકટ હેઠળ મૂકાઈ જશે. એલોપેથીની ડિગ્રી ના હોય તેવા તબીબને એલોપેથીની પ્રેક્ટિસની છૂટ આપવાથી ખોટા નિદાન-અયોગ્ય સારવારથી દર્દીઓને ભારે આડઅસર, કાયમી ખોટ કે મૃત્યુ સહિતના જોખમની સંભાવના રહેલી છે. એટલું જ નહીં તબીબી વ્યવસ્થા સામે પણ લોકોનો વિશ્વાસ તૂટી શકે છે. એલોપેથીની ક્વોલિફિકેશન નહીં ધરાવનારાને એલોપેથીની પ્રેક્ટિસ નહીં કરવા દેવા સામે હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ અનેક ચૂકાદા આપેલા છે.'