બજેટમાં મોટી જાહેરાત, ટૂંક સમયમાં પોલીસમાં 14000થી વધુ ભરતી કરાશે
Gujarat Budget: ગુજરાતમાં છેલ્લા ઘણાં સમયથી કાયદો અને વ્યસ્થાની કથળતી સ્થિતિના ઉદાહરણ સામે આવ્યા છે. આ સિવાય યુવાનો પણ વ્યસનના રવાડે ચઢી રહ્યા છે. રાજ્યમાંથી છાશવારે લાખો-કરોડો રૂપિયાનું ડ્રગ્સ અને માદક પદાર્થો ઝડપાય છે. એવામાં ગુનાખોરી ઘટાડવા માટે ગુજરાત રાજ્યના 2025-26ના બજેટમાં ખાસ જોગવાઈ કરવામાં આવી છે. નાણાંમંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતાં સમયે નાગિરકોની સુરક્ષા અને સલામતી માટે ખાસ જોગવાઈ અને નવી પોલીસ ભરતી માટે મહત્ત્વની જાહેરાત કરી છે.
નશાખોરી અને સાયબર ક્રાઇમ સામે લીધા પગલાં
રાજ્યમાં હાલ સાયબર ક્રાઇમના કેસ વધી રહ્યા છે. એવામાં લોકોને આવા સાયબર ક્રિમિનલથી સુરક્ષિત રાખી શકાય તે માટે સાયબર સેન્ટર ઑફ એક્સેલન્સ તેમજ તમામ જિલ્લાઓમાં સાયબર ફોરેન્સિક લેબ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટ્રોપિક પદાર્થની હેરાફેરીની ગેરકાયદે કામગીરી સામે પણ કડક પગલાં લેવા અને તેને અટકાવવા માટે Anti Narcotics Task Forceનું ઓપરેશનલ યુનિટ ઊભું કરવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે. નોંધનીય છે કે, બજેટમાં સાયબર ફોરેન્સિક લેબ અને એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ માટે કુલ 352 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
પોલીસમાં 14 હજારથી વધુ ભરતી બહાર પડશે
આ સિવાય નાણાંમંત્રીએ જણાવ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે SRP, બિન હથિયારી અને હથિયારી પોલીસ કોન્સ્ટેબલ વગેરે સંવર્ગની 14 હજારથી વધુ ભરતી કરવાનું આયોજન છે. માર્ગ સલામતીના પગલાં વધારવા તથા ટ્રાફિક નિયમોના અસરકારક અમલીકરણ માટે ટ્રાફિક પોલીસની હાજરી વધારવા 1390 નવી જગ્યાઓ ઊભી કરવામાં આવશે.