Get The App

ગુજરાત બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં ભૂલો બદલ 9218 શિક્ષકને કુલ એક કરોડનો દંડ

ઉત્તરવહીમાં સરવાળો કરવામાં ભૂલ કરી હોવા છતાં 2657 શિક્ષકોએ હજી સુધી દંડના 55 લાખ રૂપિયા ભર્યા નથી

Updated: Feb 7th, 2024


Google NewsGoogle News
ગુજરાત બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં ભૂલો બદલ 9218 શિક્ષકને કુલ એક કરોડનો દંડ 1 - image

Gujarat Teachers Fined : ગુજરાતમાં ધોરણ-10 અને ધોરણ-12ના વિદ્યાર્થીઓએ આપેલી પરીક્ષાની ઉત્તરવહીના સરવાળામાં ભૂલ કરવા બદલ છેલ્લા બે વર્ષમાં 9218 શિક્ષકોને દંડ ફટકારવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી 2657 જેટલા શિક્ષકોએ દંડના બાકી 55 લાખ રૂપિયા ભર્યા નથી.

હજી સુધી કેટલાક શિક્ષકોએ દંડની રકમ ભરી નથી

વિધાનસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે ધોરણ-10માં બે વર્ષમાં 3350 અને ધોરણ-12માં 5868 શિક્ષકોએ ઉત્તરવહીની ચકાસણીમાં ભૂલો કરી હતી. આ ભૂલ બદલ તમામને શિક્ષણ વિભાગ દ્વારા બન્ને ધોરણમાં અનુક્રમે 48 લાખ અને 1.02 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો. શિક્ષકોને કરવામાં આવેલા દંડ પૈકી મોટાભાગના શિક્ષકોએ દંડની રકમ ભરી દીધી છે પરંતુ ધોરણ-10માં હજી સુધી 787 અને ધોરણ-12માં 1870 શિક્ષકોએ દંડની રકમ ભરી નથી. આ બન્ને ધોરણમાં દંડની રકમ અનુક્રમે 13 લાખ અને 42 લાખ થવા જાય છે. જે શિક્ષકોએ દંડ ભર્યો છે તેની રકમ બંન્ને ધોરણની મળીને કુલ 99 લાખ રૂપિયા થાય છે.

ભૂલ બદલ નોટિસ ઈસ્યુ કરવામાં આવી 

બાકી રકમ વસૂલ કરવાના લેવાયેલા પગલાં અંગેના પ્રશ્નના જવાબમાં મંત્રીએ જણાવ્યું હતું કે માર્ચ 2022ની પરીક્ષામાં ભૂલ બદલ દંડ ભરવામાં બાકી રહેલા વિષય શિક્ષકોની શાળાને તેમજ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જાણ કરવામાં આવી છે, જ્યારે માર્ચ 2023ની પરીક્ષામાં ભૂલ બદલ નોટિસ ઈસ્યુ કરવામાં આવી છે. ઉત્તરવહીમાં સરવાળામાં ભૂલ બાબતે મૂલ્યાંકનકાર શિક્ષકને ભૂલ પ્રત્યક્ષ બતાવીને જ દંડની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. બોર્ડની પરીક્ષામાં પરિક્ષકની ભૂલના કારણે હજારો વિદ્યાર્થીઓને સહન કરવું પડ્યું છે. આવી ભૂલો ન થાય તે માટે મૂલ્યાંકન કેન્દ્રો પર શિક્ષકની ટીમમાં એક વેરીફાયરની નિયુક્તિ કરવામાં આવી છે.

ગુજરાત બોર્ડ પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીમાં ભૂલો બદલ 9218 શિક્ષકને કુલ એક કરોડનો દંડ 2 - image


Google NewsGoogle News