આવતીકાલથી ગુજરાત બોર્ડની ધોરણ 10-12ની પરીક્ષા, 14 લાખ વિદ્યાર્થીઓ લેશે ભાગ
SSC HSC Board Exam: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યભરમાં આવતીકાલે 27 ફેબ્રુઆરીને ગુરૂવારથી ધો.10 અને ધો.12ના બંને પ્રવાહોની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 11 દિવસ વહેલી શરૂ થનાર બોર્ડ પરીક્ષાને લઈ એક તરફ જિલ્લા વહિવટી તંત્રએ છેલ્લી ઘડીની તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. તો બીજી તરફ, વિદ્યાર્થી- વાલીઓમાં પરીક્ષાને લઈ સજ્જતા જોવા મળી રહી છે.
બેઠક નંબર જોવા માટે આજે સ્કૂલો ચાલુ રહેશે
આજે મહાશિવરાત્રીની સ્કૂલોમાં જાહેર રજા છે પરંતુ બોર્ડ પરીક્ષાને લઈને સ્કૂલો ચાલુ રહેશે. આજે વિદ્યાર્થીઓ બિલ્ડીંગ-બેઠક નંબર જોવા જઈ શકશે. દરેક સ્કૂલોને બપોરે સ્કૂલો ચાલુ રાખવા માટે આદેશ કરાયો છે કારણકે 27મીથી બોર્ડ પરીક્ષા શરૂ થઈ રહી છે. વિદ્યાર્થીઓ-વાલીઓ બપોરે 3થી 5 દરમિયાન સ્કૂલે જઈને બેઠક વ્યવસ્થા-નંબર જોઈ શકશે.
શિક્ષણમંત્રી શુભેચ્છા પાઠવી
આવતીકાલથી રાજ્યમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઇ રહ્યો છે. ત્યારે શિક્ષણમંત્રીએ એક્સ પર પોસ્ટ કરીને શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું હતું કે 'આ પરીક્ષામાં ગુજરાતના અંદાજે 14 લાખ જેટલા વિદ્યાર્થીઓ દીકરા દીકરીઓ બેસવા જઈ રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને સફળતાની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું.'
અમદાવાદ જિલ્લામાં ધો.10-12ના 13 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા
આવતીકાલથી ધો.10 અને 12ની પરીક્ષા શરૂ થઈ રહી છે, ત્યારે સૌથી વધુ વિદ્યાર્થીઓ ધરાવતા અમદાવાદ જિલ્લામાં આ વર્ષે ધોરણ 10 અને 12ના 13 હજારથી વધુ વિદ્યાર્થીઓ ઘટ્યા છે. બોર્ડ પરીક્ષાને લઈને કલેકટર દ્વારા શહેર અને ગ્રામ્યમાં વર્ગ 1-2ના 55 અધિકારીઓ ફાળવાશે, જેઓ નક્કી કરાયેલી બિલ્ડીંગોમાં સ્થાયી સ્ક્વોડ તરીકે રહેશે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અમદાવાદ શહેરમાં આ વર્ષે ધો. 10માં 54616 વિદ્યાર્થીઓ છે અને 7 ઝોનમાં 33 કેન્દ્રોમાં 185 બિલ્ડીંગોના 1842 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધો.12 સા.પ્ર.માં 29726 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને પાંચ ઝોનમાં 26 કેન્દ્રોમાં 100 બિલ્ડીંગોમાં 937 બ્લોકમાં પરીક્ષા લેવાશે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં 7853 વિદ્યાર્થી નોંધાયા છે અને પાંચ ઝોનમાં 10 કેન્દ્રોમાં 37 બિલ્ડીંગોના 403 બ્લોકમાં પરીક્ષા લેવાશે.
અમદાવાદ શહેરમાં વિદ્યાર્થીઓ ઘટ્યા
અમદાવાદ શહેરમાં આ વર્ષે કુલ 69 કેન્દ્રોમાં 92726 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષે 70 કેન્દ્રોમાં 101352 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.આમ શહેરમાં 8626 વિદ્યાર્થીઓ ઘટ્યા છે. અમદાવાદ ગ્રામ્યમાં ધો 10માં 46020 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચાર ઝોનમાં 36 કેન્દ્રોમાં 146 બિલ્ડીંગોમાં 1534 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ધો.12 સામાન્ય પ્રવાહમાં 21840 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચાર ઝનોમાં 31 કેન્દ્રોમાં 71 બિલ્ડીંગોમાં 728 બ્લોકમાં પરીક્ષા લેવાશે.
જ્યારે ધો.12 સાયન્સમાં 5400 વિદ્યાર્થીઓ નોંધાયા છે અને ચાર ઝોનમાં 28 બિલ્ડીંગોમાં 270 બ્લોકમાં પરીક્ષા લેવાશે. ગ્રામ્યમાં આ વર્ષે કુલ 67 કેન્દ્રોમાં 245 બિલ્ડીંગોમાં 73260 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગત વર્ષે 67 કેન્દ્રોમાં 261 બિલ્ડીંગોમાં 77830 વિદ્યાર્થી નોંધાયા હતા. આમ ગ્રામ્યમાં 4570 વિદ્યાર્થીઓ ઘટ્યા છે.