વાઘ આવ્યો રે...!! પાટીલે સાંસદ-ધારાસભ્યોને દોડાવતાં કંઇક નવું થશે તે વાત માત્ર અફવા ઠરી
Gujarat BJP: હનુમાન જયંતિના દિવસે (12મી એપ્રિલ) જ આદેશ છૂટતાં જ ભાજપના સાંસદ, ધારાસભ્ય, હોદ્દેદારો કમલમ દોડ્યા હતાં. અચાનક બેઠક બોલાવાતાં રાજકારણ ગરમાયુ હતું. નવા પ્રદેશ પ્રમુખની હલચલ તો નથી ને તે રાજકીય અફવા વચ્ચે સી.આર.પાટીલે બધાને દોડાવ્યાં ખરાં પણ આખરે બેઠકમાં પક્ષનો કાર્યક્રમ જાહેર કરાયો હતો, જેથી વાઘ આવ્યો રે, વાઘ જેવો ઘાટ સર્જાયો હતો.
કઈક નવું થશે તે વાત માત્ર અફવા ઠરી
છેલ્લાં ઘણાં વખતથી ભાજપ પ્રદેશ પ્રમુખની નિમણૂંકને લઇ ચર્ચા ચાલી રહી છે. હનુમાન જયંતિના દિવસે કમલમથી આદેશ કરાયોકે, બધાં સાંસદો, ધારાસભ્યો, નેતા-હોદ્દેદારોએ બેઠકમાં હાજર રહેવુ. ઓચિંતી બેઠક બોલાવાતાં ગુજરાતમાં નવા ભાજપ પ્રદેશની નિમણૂંકને લઇને ચર્ચાઓનુ બજાર ગરમાયુ હતું.'કઇંક નવુ થશે' તે વાતને લઇને કમલમમાં બેઠકનો દોર શરૂ થયો હતો પણ બેઠકમાં ગુજરાતમાં દલિતસમુદાયને ધ્યાનમાં લઈને ડો.બાબાસાહેબ આંબેડકર સન્માન અભિયાન સંદર્ભે કાર્યક્રમ નક્કી કરાયા હતા.
આ પણ વાંચો: 30 લાખની લાંચ કેસમાં પકડાયેલા આરોગ્ય વિભાગના અધિક સચિવ દિનેશ પરમારને છૂટા કરાયા
14થી 24મી એપ્રિલ સુધી ડો.આંબેડકરની પ્રતિમાની સફાઇથી માંડીને બાબાસાહેબના વિચારોની ગોષ્ઠિ યોજવા આયોજન કરાયુ છે. આમ કઇંક નવુ થશે તે વાત માત્ર અફવા સાબિત થઈ હતી. એવી ચર્ચા છે કે, ગુજરાતમાં મોટાભાગની દલિત મતદારો કોંગ્રેસ તરફી છે. દલિતોની વોટબેક કબજે કરવા ભાજપ આ કાર્યક્રમ નિર્ધારિત કર્યો છે. આવા કાર્યક્રમો થકી દલિત મતદારોમાં સ્થાન મેળવી શકાય તેમ છે.
હનુમાન જયંતિની રજાના દિવસે ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે ધારાસભ્યો, સાંસદોને દોડાવ્યાં પણ આ બેઠક માત્ર પક્ષના કાર્યક્રમ પુરતી સિમીત રહી હતી જેથી ખોદ્યો ડુંગર, નીકળ્યો ઉંદર જેવી સ્થિતી સર્જાઈ હતી. પક્ષના સૂત્રો કહી રહ્યાં છેકે, જ્યાં સુધી દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રમુખની મડાગાંઠ નહી ઉકેલાય ત્યાં સુધી નવા ભાજપ પ્રદેશ પ્રમુખનો મામલો અભિરાઈએ જ રહેશે. જોકે, આ મહિનાના અંત સુધીમાં નવા પ્રદેશ પ્રમુખ જાહેર થઈ જાય તેવી શક્યતા જોવાઈ રહી છે.