પક્ષપલટુઓના સ્વાગતે ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી કરી, ઘરના ઘાતકીઓએ પક્ષ સામે તલવાર તાણી

Updated: Jun 24th, 2024


Google NewsGoogle News
bjp


Lok Sabha Elections 2024: લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ ભાજપમાં જાણે સમરાંગણ સર્જાયુ છે. ભાજપના એક પછી એક નેતાઓ ખુલીને એકબીજા સામે આક્ષેપ- નિવેદનબાજી કરી રહ્યા છે. પરિણામે ભાજપની શિસ્તના લીરેલીરા ઉડ્યાં છે. સંનિષ્ઠ કાર્યકરોની અવગણના કરીને પક્ષપલટુઓ માટે કમલમમાં લાલ જાજમ પાથરવાનું ભાજપને હવે ભારે પડી રહ્યુ હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે. લોકસભાની ચૂંટણીમાં મૂળ કોંગ્રેસી નેતાઓ કેસરિયો ખેસ પહેરીને ભાજપના ઉમેદવારોને હરાવવા ધમપછાડા કર્યા હતાં.

ભાજપમાં નેતાઓ સામસામે આવ્યા છે 

આ સ્થિતીને લીધે ભાજપમાં નેતાઓ સામસામે આવ્યા છે. જો કે, હવે પ્રદેશ નેતૃત્વ શિસ્તભંગ માટે શું પગલાં ભરે છે તેના પર સૌની નજર મંડાઈ છે. આ વખતે લોકસભાની ચૂંટણીમાં ઘરના ઘાતકીઓએ જ ભાજપ સામે તલવાર તાણી હોય તેવો માહોલ સર્જાયો હતો કેમ કે, જામનગર બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમને હરાવવા પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ ક્ષત્રિય આંદોલનનો લાભ લઇને ખુબ જ ધમપછાડા કર્યા હતાં. જોકે, તેઓ સફળ થઇ શક્યા ન હતાં. 

વિધાનસભાની પેટાચૂંટણીમાં પણ ભાજપ ઉમેદવારને હરાવવા કોંગ્રેસની મથામણ 

આ તરફ, વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીને હરાવવા માટે પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ પુરી તાકાત લગાડી દીધી હતી. ચાવડાના પુત્રએ તો બેઠકો યોજીને કોંગ્રેસને વધુમાં વધુ મત મળે તે દિશામાં મથામણ કરી હતી તેમ છતાંય લાડાણી જીત્યા ન હતાં.

ઉમેદવારો આપી રહ્યા છે પક્ષવિરોધીઓની વિગતો

અમરેલી બેઠક પર પૂર્વ ધારાસભ્ય કાળુ વિરાણીએ કમળમાં કઈ લેવાનુ નથી તેમ કહીને કોંગ્રેસને મત આપો તેવી મતદારને અપીલ કરી હતી. ભાજપ પ્રદેશ હાઈકમાન્ડને અત્યાર સુધીમાં સાબરકાંઠા, સુરેન્દ્રનગર, આણંદ, જામનગર, બાનસકાંઠા, ભરુચ, વલસાડ સહિત અન્ય મત વિસ્તારમાં ભાજપના અસંતુષ્ટો મેદાને પડ્યા હતાં. ખુદ ભાજપના ઉમેદવારોએ જ મુખ્યમંત્રી-પાટીલને વન ટુ વન મળીને પક્ષવિરોધીઓની વિગતો આપી છે. 

ઘરના ઘાતકીઓની યાદી ઘણી લાંબી

ચોંકાવનારી વાત તો એ છે કે, બે-બે પૂર્વ મંત્રી, સાંસદથી માંડીને પંચાયત-પાલિકાને હોદ્દેદારોએ પક્ષવિરોધીની ભૂમિકા ભજવી છે. ઘરના ઘાતકીઓની યાદી ઘણી લાંબી છે. આ જોતાં પ્રદેશ નેતૃત્વ હવે પક્ષવિરોધી સામે શિસ્તભંગનો કોરડો ક્યારે વિઝશે તેના પર સૌની નજર છે.

ભાજપનું કોંગ્રેસીકરણ થતાં સમરાંગણ સર્જાયુ હોય તેવી સ્થિતિ 

ભાજપના નેતાઓ જ કહી રહ્યા છે કે, પાયાના સંનિષ્ઠ કાર્યકરોની અવગણના કરવી અને પક્ષપલટુઓ માટે લાલ જાજમ પાથરવીએ ભાજપને હવે ભારે પડી રહ્યું છે. હાલ પક્ષપલટુ નેતાઓ જ ખુલીને પક્ષની આંતરિક વાતો જાહેરમાં કરીને શિસ્તના લીરેલીરા ઉડાવી રહ્યા છે. ભાજપનું કોંગ્રેસીકરણ થતાં હાલ સમરાંગણ સર્જાયુ હોય તેવી સ્થિતી નિર્માણ થઈ છે.

પક્ષપલટુઓના સ્વાગતે ભાજપ માટે મોટી મુશ્કેલી ઊભી કરી, ઘરના ઘાતકીઓએ પક્ષ સામે તલવાર તાણી 2 - image


Google NewsGoogle News