લૂંટો રે ભાઈ લૂંટો : કેસરિયો ખેસ પહેરો, પક્ષના નામે કાળા કરતૂત કરો, અઠવાડિયામાં જ આઠ કેસ
Gujarat BJP News | ગુજરાતમાં હાલ એવી સ્થિતિ પ્રવર્તી રહી છે કે, કેસરિયો ખેસ ધારણ કરો અને કાળા કરતૂતો કરો. પક્ષના નામે ચારેકોર ગોરખધંધા ચાલી રહ્યા છે. ડ્રગ્સ-દારૂની હેરાફેરી હોય કે પછી છેડતી-બળાત્કારની ઘટના હોય, ગૌચર પચાવી પાડવાની વાત હોય કે પછી સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ હોય. આ બધાય ગુનાઇત કૃત્યો કરનારા હવે કમલમનું શરણ લીધું હોય તેવુ ચિત્ર ઉપસ્યું છે કારણ કે, આ બધી ઘટનાઓમાં ભાજપના નાના મોટા નેતાઓ કે કાર્યકરોની જ સંડોવણી બહાર આવી છે.
છેલ્લાં એકાદ અઠવાડિયામાં જ આવી આઠ-નવ ઘટના નોંધાઈ છે, જેમાં ગુનેગારો ભાજપ સાથે સંકળાયેલા હોવાનું ખૂલ્યું છે. ટૂંકમાં, કેસરિયો ખેસ પહેરી ગુનાઇત કૃત્યો કરતાં તત્ત્વો પણ પક્ષના નામે પાપ ધોવા તત્પર બન્યાં છે. મહત્ત્વની વાત તો એ છે કે, કોઇ પણ ચમરબંધીને નહીં છોડાય તેવા તકિયાકલામ બોલતાં ગૃહમંત્રી કે કમલમ આ મામલે એક શબ્દ ઉચ્ચારવા તૈયાર નથી. બીજી તરફ, સત્તાના મદમાં ચૂર ભાજપના નેતાઓ ગુનાઇત કૃત્યો કરનારાં સાથે હાથ મિલાવી પક્ષની છબિ કલંકિત કરી રહ્યાં છે. પરિણામે સંનિષ્ઠ કાર્યકરો ચિંતાતુર છે, લાચાર છે.
છેલ્લાં 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું એકહથ્થું શાસન છે ત્યારે હવે ભાજપના નેતાઓ પક્ષના નામે ગુનાઇત કૃત્યો કરી કાળી કમાણીના માર્ગે વળ્યાં છે. બીજી તરફ, વિશ્વની સૌથી મોટી પાર્ટી બનવાની લ્હાયમાં કમલમમાં જે રીતે ભરતી મેળો યોજાઇ રહ્યો છે ત્યારે કેસરિયો ખેસ પહેરનારા કોણ છે તેની ખરાઇ કરવાનો કોઇની પાસે સમય નથી. આ જોતાં કેસરિયો ખેસ ધારણ કરી ભાજપના નેતાઓ ભૂમાફિયા, ડ્રગ્સ માફિયા-પેડલર, બુટલેગર, લેભાગુ કોન્ટ્રાક્ટરની ભૂમિકા ભજવી રહ્યા છે. એટલું જ નહી, આ તત્ત્વો પક્ષની છબિ કલંકિત કરી રહ્યા છે. પરિણામે પાયાના કાર્યકરો પક્ષની સ્થિતિને લઇને અંદરને અંદર ગુસ્સો પણ અનુભવી રહ્યા છે.
છેલ્લા એકાદ અઠવાડિયામાં બનેલી ગુનાઇત ઘટનામાં ભાજપના નેતાઓની સંડોવણી બહાર આવી છે તેના પર નજર કરવા જેવી છે. અમદાવાદ શહેર ભાજપના બક્ષી પંચ મોરચાના અધ્યક્ષના પુત્રના કારસ્તાન એવાં છે કે, પ્રિન્સ મિીએ લોકસભા 2024ની ચૂંટણીમાં પ્રચાર માટે કાર જોઇએ છે અને મહિને 35 હજાર ભાડું આપવાની બાંહેધરી આપી હતી. આમ કહી અંદાજે 400 થી વધારે કારો- વાહનો એકત્ર કર્યાં હતાં. આ વાતને ત્રણ મહિના કરતાં વધારે સમય થયો, પરંતુ હજુ ભાડે કરાયેલી કારોનું ભાડુ ચૂકવાયું નથી. એ તો ઠીક, પ્રિન્સ મિસ્ત્રીએ વાહન માલિકોને કાર પણ પરત કરતો નથી.
રાજકોટમાં ભાજપના આગેવાનના પુત્ર અને તેના મિત્રને રૂ. 9.85 લાખના મેફેડ્રોન (એમડી) ડ્રગ્સ સાથે રાજકોટ શહેર એસઓજીએ ઝડપી લીધા હતા. આ બંને યુવાનો કોલેજિયન યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવતા હતા. થોડા દિવસ પહેલાં પોલીસે જસદણ ભાજપ અગ્રણીના પુત્રના ઘરે દરોડો પાડ્યો હતો. પોલીસને એવી બાતમી મળી હતી કે, પાર્થના પિતા દેવકુભાઈ નિવૃત શિક્ષક છે. પાર્થે બીસીએ સુધીનો અભ્યાસ કર્યો છે. તેણે મિત્ર સાહિલ સાથે મળી છેલ્લા પાંચેક મહિનાથી ડ્રગ્સનો કાળો કારોબાર શરૂ કર્યો હતો.
આ ઉપરાંત સુરત ઓયો હોટલમાંથી એમ.ડી. ડ્રગ્સ સાથે ભાજપનો યુવા મોરચાનો સક્રિય કાર્યકર તેમજ હિંદુ યુવા વાહિની સુરત પ્રમુખ વિકાસ આહિર પકડાયો. વિકાસ એ ગૃહરાજ્ય મંત્રીના મતવિસ્તાર મજૂરામાં કાર્યકર છે. ભાજપના યુવા મોરચાના કાર્યકર વિકાસ આહિર સામે લૂંટ, મારામારી, રાયોટિંગ અને અપહરણના ગુના પણ નોંધાયા છે. ભાજપના અસારવા વોર્ડના પૂર્વ પ્રમુખ અને અમદાવાદ શહેર ભાજપ નેતા જયેશ ભાવસાર 25 જુલાઈએ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપી લેવાયા હતા. પોલીસે દારૂના હેરાફેરીમાં ભાજપના નેતા સામે કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટમાં ભાજપના નેતા મઘુ ટાઢાણી અને પરેશ રાદડિયા સામે વિદ્યાર્થીની પર બળાત્કારનો ગુનો નોંધાયો છે. સુરતમાં સરકારી અનાજ સગેવગે કરવામાં ભાજપ યુવા મોરચાના મહા મંત્રી મનિષ શાહ પકડાયો છે. રાજકોટ નજીક લોધિકામાં ભાજપના હોદેદાર કૌશિક કામાણી, મુકેશ તોગડિયા અને ભૂપત જાડેજાએ ગૌચરની જમીન પચાવી પાડ્યાની ફરિયાદ થઇ છે. તો નીટ પેપરલીક કૌભાંડમાં ગોધરામાં ભાજપના એક નેતા પકડાયો છે.