પાલિકા-પંચાયતની ચૂંટણી પહેલા ભાજપમાં આંતરિક જૂથવાદ: 60 બળવાખોરો છ વર્ષ માટે સસ્પેન્ડ
BJP Gujarat: ગુજરાતમાં પાલિકા-પંચાયતની ચૂંટણીમાં પ્રચાર ચાલી રહ્યો છે. ટિકિટ ન મળતાં કેટલીય પાલિકા-પંચાયતમાં ભાજપના બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે જેના પગલે ભાજપ એક્શન મોડમાં આવ્યુ છે. કમલમથી આદેશ છૂટતાં જ પક્ષવિરોધીઓને હાંકી કાઢવામાં આવ્યા છે.
ભાજપમાં આંતરિક ઘુઘવાટ ચાલી રહ્યો છે
ગુજરાતમાં ભાજપમાં આંતરિક જૂથવાદ ચરમસિમાએ છે. ટિકિટ ન મળતાં ભાજપમાં અસંતોષનો ચરુ ઊકળ્યો છે. પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપના અસંતુષ્ટોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ઘણાં ઠેકાણે તો કોંગ્રેસ અને આપનો સાથ કરી ચૂંટણીમાં ઝુકાવ્યુ છે. આ જોતાં પરિસ્થિતીને પાલિકા-પંચાયતમાં ભાજપના ઉમેદવારોની સામે ભાજપના અસંતુષ્ટો ચૂંટણી મેદાને છે. રાજકીય સ્થિતી બેકાબુ બનતાં જ પ્રદેશ ભાજપ નેતાગીરીએ બળવાખોરો પર કાર્યવાહી કરવા નક્કી કર્યુ હતું. કમલમથી આદેશ છૂટતાં જ જિલ્લા પ્રમુખોએ બળવાખોરો સામે કાર્યવાહી કરવાનું શરૂ કર્યુ છે.
દાહોદમાં ભાજપના 18 હોદ્દેદારોને છ વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવાયા હતાં. આ ઉપરાંત ખેડા જિલ્લામાં મહેમદાવાદ-ચકલાસીના કુલ 34 નેતાઓને પક્ષમાંથી હાંકી કઢાયા હતાં. જૂનાગઢમાંથી પણ 10 હોદ્દેદારોને ઘરનો રસ્તો દેખાડી દેવાયો હતો. આણંદ અને ધંધુકામાંથી કુલ 4 નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા આદેશ કરાયો હતો. આમ કુલ મળીને 60થી વધુ ભાજપના હોદ્દેદારો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપમાં આંતરિક ઘુઘવાટ ચાલી રહ્યો છે તે જોતાં આગામી દિવસોમાં વધુ બળવાખોરો સામે કાર્યવાહી થાય તેવી શક્યતા જોવાઈ રહી છે. પ્રદેશ ભાજપ નેતાગીરી અસંતુષ્ટો પર નજર રાખી રહી છે.