Get The App

30 વર્ષના શાસન પછી પણ ગુજરાતમાં ભાજપના મંત્રીઓ સભ્ય બનાવવા લોકો સામે કગરવા મજબૂર

Updated: Sep 26th, 2024


Google NewsGoogle News
Gujarat BJP


Gujarat BJP: ગુજરાતમાં ભાજપે સદસ્યતા અભિયાન શરુ કર્યું છે પણ મોળો પ્રતિસાદ મળ્યો છે. 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે તેમ છતાંય સભ્યપદ માટે ભાજપે અવનવા અખતરા અજમાવ્યા છે. આમ છતાંય સભ્ય નોંધાતા નથી. આ કારણોસર હાઇકમાન્ડે પ્રદેશ નેતાઓને ઠપકો આપ્યો છે. એટલું જ નહીં, ગાંધીનગરમાં સચિવાલયની બેઠક પણ સદસ્યતા અભિયાનને લીધે જ રદ કરવી પડી છે. પ્રજાના કામોને કોરાણે મૂકીને મંત્રીઓ સભ્ય નોંધણી માટે મત વિસ્તારમાં દોડ્યા છે. આ કારણોસર સચિવાલયમાં મુલાકાતીઓ પણ રખડી પડ્યા હતા.

ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં !

આ વખતે ભાજપનું સદસ્યતા અભિયાન વિવાદમાં રહ્યું છે કારણ કે, તલાટી, શિક્ષકો, પંચાયત, કોમ્પ્યુટર ઑપરેટરને ટાર્ગેટ અપાયા છે. આ ઉપરાંત શાળા-કૉલેજના વિદ્યાર્થીઓને ભાજપના સભ્યો બનાવી દેવાયા છે. સભ્ય બનવા માટે 500 રૂપિયાની ઓફર કરવામાં આવી રહી છે. આવા અખતરા પછીય સભ્યો નોંધાતા નથી. સદસ્યતા અભિયાનના શરુઆતમાં એવી ડીંગો હાંકવામાં આવી હતી કે, ઉત્તર પ્રદેશ કરતાં ગુજરાતમાં ભાજપ વધુ સભ્યો નોંધશે પણ એવું થયું નથી. અભિયાનની સમય અવધિ પૂર્ણ થવા આવી છે ત્યારે 2 કરોડની વાત તો બાજુએ રહી હજુ 50 લાખનો આંકડો પાર થઈ શક્યો નથી.

લોકો સરકારથી ભારોભાર નારાજ

બીજી તરફ ગુજરાતમાં ભાજપ સદસ્યતા અભિયાનને મોળો પ્રતિસાદ મળ્યો છે, ત્યારે દિલ્હી હાઇકમાન્ડે ગંભીર નોંધ લીધી છે. એટલું જ નહીં, ભાજપ પ્રદેશ નેતાઓનો ઉધડો લીધો છે. આ જોતાં ભાજપના નેતાઓ તો ઠીક મંત્રીઓ પણ મત વિસ્તારમાં દોડ્યા છે. સાંસદથી માંડીને ધારાસભ્ય, પંચાયત-પાલિકાના ચૂંટાયેલાં સભ્યોને ટાર્ગેટ અપાયા છે. હાલ લોકો સરકારથી ભારોભાર નારાજ છે. પ્રજાના કામો થતા નથી. આ જોતાં ભાજપના નેતાઓ લોકો વચ્ચે જઈ શકતા નથી. ખુદ ભાજપના ગઢ સમાન વિસ્તારમાં ભાજપના સભ્ય બનતા નથી. ભાજપના નેતાઓ જ અંદરખાને કહી રહ્યા છે કે, 30 વર્ષથી ગુજરાતમાં ભાજપનું રાજ છે, જો પ્રજાના કામો કર્યા હોત આ દશા આવી ના હોત.

એક સમયે લોકો સામે ચાલીને મિસ કોલ કરી ભાજપના સભ્ય બનતા હતા. હવે ચિત્ર બદલાયું છે. મંત્રીઓથી માંડીને ધારાસભ્ય-સાંસદોએ મત વિસ્તારમાં લોકોને કરગરવું પડે છે. અત્યારે એકેય ધારાસભ્ય, સાંસદ કે મંત્રી ખોંખારો ખાઈને ટાર્ગેટ પૂર્ણ કર્યો છે તેમ કહી શકે તેવી અવસ્થામાં નથી. ગાંધીનગરમાં કેબિનેટની બેઠક રદ કરાઈ હતી અને મંત્રીઓને મત વિસ્તારમાં દોડાવાયા હતા. આ કારણોસર સચિવાલયમાં બુધવાર મુલાકાતનો દિવસ હોવા છતાંય મુલાકાતીઓને ગાંધીનગરનો ધક્કો ખાવો પડયો હતો. આમ, મંત્રીઓએ પ્રજાના કામોને બદલે પક્ષના સભ્ય નોંધણીને પ્રાધાન્ય આપવું પડ્યું હતું.

30 વર્ષના શાસન પછી પણ ગુજરાતમાં ભાજપના મંત્રીઓ સભ્ય બનાવવા લોકો સામે કગરવા મજબૂર 2 - image


Google NewsGoogle News